ટપ્પા : હિંદુસ્તાની સંગીતની ગાયકીનો પ્રકાર. ‘ટપ’ શબ્દ ઉપરથી આ નામ પડેલું છે. પંજાબના ઊંટપાલકોમાં આ પ્રકારનાં ગીતો ગવાતાં. હીર-રાંઝાની પ્રણયકથાની આસપાસ રચાયેલાં લોકગીતો આ શૈલીનાં છે. સમય જતાં તેમાંથી ટપ્પા-ગાયકીનો વિકાસ થયો. મિયાં શોરી નામના સંગીતકારને ટપ્પાનો જનક માનવામાં આવે છે. ઔંધના નવાબ અસફઉદ્દોલાનો એ દરબારી હતો. પંજાબ જઈ પંજાબી ભાષા તથા લોકગીતો શીખીને અને તેમને સંસ્કારીને તેણે ટપ્પા- ગાયકીની રચના કરી. સમયાંતરે બંગાળમાં ટપ્પાનો વિશેષ પ્રચાર થયો. ટપ્પા સંકીર્ણ રાગમાં ગવાય છે. ત્રિવટ તાલ એટલે કે ધીમા, તેવડા, તિલવાડા, ઝૂમરા આદિ તાલોમાં ટપ્પાની ચીજ બંધાય છે. શૃંગાર તેનો પ્રધાન રસ છે. અસ્તાઈ અને અંતરા – એ બે અવયવ તથા ઘણુંખરું પદ અને બિરુદ એવાં બે અંગો હોય છે. ટપ્પામાં સ્ફુરણ, આહતી-પ્રત્યાહતી આદિ ગમક, અર્થાત્ ખટકા, મુરકી ઇત્યાદિ ખાસ જામે છે. મોટેભાગે વિલંબિત કે મધ્ય લયમાં તે ગવાય છે. વિવિધ પ્રકારે સ્વરગૂંથણી કરીને ટપ્પાનું સૌંદર્ય ખીલવવામાં આવે છે. વિવેચકો ઠૂમરીને સ્ફટિકમણિ સાથે અને ટપ્પાને પારદબિંદુ સાથે સરખાવે છે. ગુજરાત-મહારાષ્ટ્રમાં ટપ્પા-ગાયકીનો પ્રભાવ ઓછો છે.
મિયાં શોરીની એક ટપ્પા-રચના (પંજાબી) :
દોતેના દેની જાગે વેસ થાઇડા તૂ રાજી રહના,
નૈનાં તૂ સાડે વારીવે બરછી દી નોકોં વે મિયાં,
ઇશ્ક તે નાર સાનુ બહાના,
તૂ શોરી તૂ સાનુ ભલાવે જી તરસાંદા
નેહ લગાકર કી સાનુ દહણા.
બંસીધર શુક્લ