ટપાલસેવા : વિશ્વને કોઈ પણ ખૂણે વસતા માનવ કે સંસ્થાને અન્ય વ્યક્તિ કે સંસ્થા સાથે સાંકળતી સેવામાંની એક. ટપાલસેવા દ્વારા કોઈ પણ વ્યક્તિ દુનિયાના કોઈ પણ ખૂણે નિશ્ચિત દરે ટિકિટ ચોડીને કે ફ્રૅંક કરી-કરાવીને પત્ર, પાર્સલ કે પૅકેટ, ગુપ્તતા અને સલામતીના ભરોસા સાથે મોકલી શકે છે. ટપાલ ખાતું શક્ય તેટલી ઝડપે અને કરકસરથી પત્ર અને જણસ(article)ની હેરફેર અને વિતરણવ્યવસ્થા ગોઠવે છે. સામાન્ય રીતે બધા જ દેશોમાં આ સેવા સરકાર હસ્તગત છે. પત્ર કે જણસની વિતરણ-વ્યવસ્થામાં સાદી વિતરણવ્યવસ્થા, સર્ટિફિકેટ ઑવ્ પોસ્ટિંગ ખાસ નોંધણી (registration) અને પ્રાપ્તિ સ્વીકૃતિ રસીદ (registered post acknowledgment due, Reg. A.D.), ઝડપી ટપાલ (speed post) જેવી સેવા હોય છે. આ ઉપરાંત ‘પોસ્ટ બૉક્સ’ અને ‘પોસ્ટ બૅગ’ની સેવાઓ પણ વિતરણ-વ્યવસ્થામાં સાંકળવામાં આવી છે. નાણાં મેળવીને જ જો સામી વ્યક્તિને ટપાલ કે પાર્સલ આપવાનાં હોય તો વૅલ્યૂ પેયેબલ પોસ્ટ (V.P.P.) દ્વારા મોકલી શકાય છે અને ટપાલ સ્વીકારનાર પાસેથી વસૂલ કરેલાં નાણાં ટપાલ કે પાર્સલ મોકલનારને પોસ્ટ ઑફિસ દ્વારા પહોંચાડાય છે. ટપાલ દ્વારા જો કીમતી જણસ મોકલવી હોય તો ટપાલ ખાતું જણસના વીમા(insured articles)ની સેવા આપે છે. વિતરણવ્યવસ્થાને ઝડપી બનાવવા માટે ટપાલ ખાતાએ પોસ્ટલ ઇન્ડેક્સ નંબર (PIN) યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ આખા દેશના 8 ઝોન પાડવામાં આવ્યા છે અને દરેક ઝોનમાં એક કે વધુ રાજ્યના સર્કલનો સમાવેશ કરવામાં આવ્યો છે. દરેક ગામ કે શહેરની પોસ્ટ-ઑફિસને ઝોન અને સર્કલને અનુરૂપ પોસ્ટલ ઇન્ડેક્સ નંબર (PIN) આપવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે, ઝોન 3માં ગુજરાત સર્કલનો સમાવેશ કરેલો છે અને અમદાવાદ શહેરની જનરલ પોસ્ટ-ઑફિસ (GPO)ને પિનકોડ 380 001 આપવામાં આવ્યો છે. આમ, પિન છ આંકડાઓનો બને છે.

પિનકોડની વિગતપૂર્વકની નોંધ :

પોસ્ટલ ઇન્ડેક્સ નંબર (PIN) : આ પિનકોડ સરળ છે અને તાર્કિક પદ્ધતિ મુજબ કામ કરે છે. તેનો આરંભ 15 ઑગસ્ટ, 1972થી થયો. આ વ્યવસ્થા અનુસાર દરેક પોસ્ટઑફિસને સાંકેતિક નંબર આપવામાં આવ્યો છે. છ આંકડાના પિનકોડમાંનો પ્રત્યેક અંક ચોક્કસ સ્થાન દર્શાવે છે. ટપાલ-વિભાગે સમગ્ર ભારતને સારણી-1માં દર્શાવ્યા મુજબ આઠ વિભાગો(ઝોન)માં વહેંચ્યું છે. પિનકોડમાંનો પ્રથમ અંક વિભાગ કે ઝોન દર્શાવે છે. બીજો અંક ઉપવિભાગ (સબઝોન) દર્શાવે છે, જે સારણી-2 અનુસાર છે. ત્રીજો અંક જે તે રાજ્યનો જિલ્લો દર્શાવે છે, અને છેલ્લા ત્રણ અંક સ્થાનિક પોસ્ટ ઑફિસ દર્શાવે છે. આમ 380006 પિનકોડમાં 3નો અંક ગુજરાત, બીજો 8નો અંક સબઝોન કે વર્તુળ  એમ 38નો અંક ઉત્તર અને મધ્ય ગુજરાત દર્શાવે છે. ત્રીજો અંક 0 (શૂન્ય) અમદાવાદ જિલ્લો સૂચવે છે. અને બાકીના 006 સ્પષ્ટ રીતે વિતરક પોસ્ટ ઑફિસ (એલિસબ્રિજ) દર્શાવે છે. આમ પિનકોડ એટલું સૂચવે છે કે ટપાલ છેલ્લી વિતરણ કરનાર ટપાલ-ઑફિસને પહોંચે. આમ પિનકોડની પદ્ધતિ સરળતા, તર્કબદ્ધતા સાથે સાથે ચોક્કસ પોસ્ટ-ઑફિસ સૂચવી સમગ્ર વ્યવસ્થાને કાર્યક્ષમ, ઝડપી અને ચોક્કસ બનાવવામાં ઘણી સહાયક બને છે.

સારણી1
ઝોન
દિલ્હી, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશમીર 1
ઉત્તરપ્રદેશ, અને ઉત્તરાંચલ 2
રાજસ્થાન, ગુજરાત (દીવ, દમણ દાદરાનગર હવેલી સહિત) 3
મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ 4
આંધ્રપ્રદેશ અને કર્ણાટક 5
કેરળ, તમિળનાડુ, પુદુચેરી અને લક્ષદ્વીપ ટાપુઓ 6
પશ્ચિમ બંગાળ, ઓરિસા, સિક્કિમ, આંદામાન-નિકોબાર અને પૂર્વોત્તર રાજ્યો 7
બિહાર અને ઝારખંડ 8
ભારતીય લશ્કરની ટપાલ માટે વિશેષ ફાળવણી 9

 

સારણી2
પિનકોડના પ્રથમ બે અંક સબઝોન કે વર્તુળ
11 દિલ્હી
12 અને 13 હરિયાણા
14 થી 16 પંજાબ
17 હિમાચલ પ્રદેશ
18 અને 19 જમ્મુ-કાશમીર
20 થી 28 ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ
30 થી 34 રાજસ્થાન
36 થી 39 ગુજરાત
40 થી 44 મહારાષ્ટ્ર (ગોવા સહિત)
45 થી 49 મધ્યપ્રદેશ, છત્તીસગઢ
50 થી 53 આંધ્રપ્રદેશ
56 થી 59 કર્ણાટક
60 થી 64 તમિળનાડુ
67 થી 69 કેરળ
70 થી 74 પશ્ચિમ બંગાળ
75 થી 77 ઓરિસા
78 આસામ
79 ઉત્તરપૂર્વ રાજ્યો(અરુણાચલ)
80 થી 85 બિહાર, ઝારખંડ

પિનકોડની આ વ્યવસ્થાથી ગેરવલ્લે જતી ટપાલનું પ્રમાણ સાવ ઓછું થાય છે.

સામ્રાજ્યોના વ્યવહાર અને વ્યાપારવણજના વિકાસનાં મૂળિયાંમાંથી જન્મેલી આ સેવા વરસોના વીતવા સાથે સમાજના દરેક સ્તર સાથે જોડાઈ ગઈ છે. ભૌગોલિક રીતે તેનો વ્યાપ દેશના ખૂણે ખૂણે વિસ્તરીને આંતરરાષ્ટ્રીય સીમાઓ ઓળંગી ગયો છે. સર્વત્ર ઉપલબ્ધિને કારણે સંદેશાવહનની પારંપરિક જવાબદારી ઉપરાંત તેના પર સામાજિક સુરક્ષા, બૅંકિંગ અને નાણાકીય વ્યવહારો, અનેક પ્રકારની બચત યોજનાઓ જેવી કે કરમુક્ત વ્યાજવાળી બચત યોજના, રાષ્ટ્રીય બચત શ્રેણી, પોસ્ટલ ટાઇમ ડિપૉઝિટ, રાષ્ટ્રીય વિકાસ બૉન્ડ, રીકરિંગ ડિપૉઝિટ, રાષ્ટ્રીય બચત યોજના ડિપૉઝિટ વગેરે અને માલવહન જેવી અનેકવિધ જવાબદારીઓ આવી પડી. પત્ર ઉપરાંત પાર્સલ, પોસ્ટલ ઑર્ડર, મનીઑર્ડર, સેવિંગ્ઝ બક, પોસ્ટલ જીવનવીમો, પેન્શન-ચુકવણી, ક્વિનાઇન અને અન્ય દવાઓનું વિતરણ – એમ ભાતીગળ કારભાર ટપાલસેવા સાથે સહજ સંકળાઈ ગયો છે. આ શક્ય એટલે બને છે કે દેશના ખૂણેખૂણાને સાંકળી લેતી વિશાળ જાળ રૂપે પોસ્ટ-ઑફિસો સર્વત્ર ફેલાયેલી છે અને તેની સાથે ગોઠવાયા છે કર્મચારીઓ. પરિણામે કોઈ પણ વ્યક્તિ, સંસ્થા, વ્યાપારી પેઢી કે બૅંકને જ્યાં કામ કરવું ન પરવડે ત્યાં ટપાલસેવા સહજતાથી કાર્ય નિભાવી શકે છે.

બીજી રીતે વિશાળ કદ અને મોટો કર્મચારીગણ ટપાલસેવા માટે વ્યવસ્થાના ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. વપરાશકર્તા પ્રત્યે સંવેદના ઘટી જાય છે અને સુધારણાઓની ગતિ ઘણી ઓછી રહે છે. ટપાલસેવાની દરેક પ્રવૃત્તિ, વિશેષ કરીને વિકસતા દેશોમાં, માનવબાહુલ્યવાળી રહે છે. વિકસિત દેશોએ ટૅક્નૉલૉજી અને યંત્રોની મદદથી માનવબાહુલ્યનું પ્રમાણ ઘટાડ્યું છે, પણ મટાડી શકાયું નથી. આ વિશાળ કર્મચારીગણને ટૅક્નૉલૉજી પ્રમાણે તાલીમબદ્ધ, કાર્યનિષ્ઠ અને પ્રોત્સાહિત રાખવો એ એક મોટો પડકાર છે.

ટપાલસેવાનું પ્રજાને અભિમુખ અંગ પોસ્ટ-ઑફિસ છે. અહીં કાઉન્ટર પર વિવિધ સેવાઓની ઉપલબ્ધિ છે. પત્ર અહીંથી તેની યાત્રા શરૂ કરે છે અને અન્ય શહેરની બીજી પોસ્ટઑફિસમાં પૂરી કરે છે. સંદેશાપરિવહનનું આદિ અને અંતિમ ચરણ આ પોસ્ટ-ઑફિસ છે. આ બે તબક્કે તેની વૈયક્તિક ઓળખાણ જળવાઈ રહે છે. કાઉન્ટરની પાછળની પરિસ્થિતિ નાનકડા કારખાના જેવી છે. પ્રથમ કક્ષામાં પત્ર અને દ્વિતીય કક્ષામાં પાર્સલ, રજિસ્ટર વગેરે એમ ટપાલનું વર્ગીકરણ થાય છે. પત્ર પોસ્ટ થયા પછી, તેને સંલગ્ન રેલવે મેઇલ સૉર્ટિંગ કાર્યાલયમાં પહોંચે છે. આ કાર્યાલય એક વિશાળ કારખાના જેવી કાર્યપદ્ધતિ પર ચાલે છે. અહીં કામ વિભિન્ન વર્તુળોમાં વહેંચાઈ જાય છે અને સૉર્ટિંગના વિવિધ તબક્કાઓ વટાવીને પત્ર લક્ષ્યસ્થાન ભણી ગતિ કરે છે. 48થી 72 લક્ષ્યસ્થાન સૉર્ટિગ કરવાની ભારતીય કર્મચારીની ઝડપ કલાકની 1050 ગણાઈ છે. વિકસિત દેશોએ સ્વયંસંચાલિત સૉર્ટિંગ યંત્રો ગોઠવીને સૉર્ટિંગની ઝડપ કલાકના 40,000 પત્રોની કરી છે.

ટપાલપરિવહન માટે પરિવહનનાં બધાં જ ઉપલબ્ધ સાધનો વપરાય છે. ખેપિયાની કાંધ, ઊંટનું કાઠું, કબૂતર, હોડી જેવાં ઐતિહાસિક સાધનોના વપરાશની સાથે જ પરિવહનનાં ઝડપી સાધનોની જેમ શોધ થતી ગઈ તેમ તેમનો વપરાશ ટપાલસેવા માટે વધતો ગયો. રેલવે, વિમાન અને હવે સૅટેલાઇટ ઝડપી વહન માટે ઉપયોગમાં આવી ગયાં છે; પરંતુ મોટાભાગનાં પરિવહનનાં સાધનો પર ટપાલ ખાતાનું નિયંત્રણ ન હોવાથી તેના કામમાં ચોક્કસતા આવતી નથી. વળી, પરિવહનના માલિકોએ લાદેલાં નિયંત્રણોને કારણે અપેક્ષિત સેવા પૂરી પાડી શકાતી નથી. આને કારણે ઘણા દેશોમાં મોટરસાઇકલ, બસ, ટ્રક અને વિમાનો પણ આ કામ માટે ખરીદાવા લાગ્યાં છે. રાત્રિ દરમિયાન ટપાલવહન માટે અને દિવસે યાત્રીઓને આ વાહનોમાં સમાવિષ્ટ કરાય છે.

નાણાકીય સાધનો ઊભાં કરવાની મર્યાદા છે. લગભગ બધા જ દેશોમાં ટપાલના દર બાબતે સંસદ અને સરકાર સંવેદનશીલ હોય છે અને તેના પર નિયંત્રણ ધરાવે છે. તેથી ટપાલસેવાના વિકાસ અને પડકારોને પહોંચી વળવા નાણાંની તંગી સૌ દેશોનાં ટપાલતંત્રોમાં અનુભવાય છે.

પ્રાચીન સંસ્કૃતિઓમાં ઇજિપ્તમાં ઈ. સ. પૂ. 2000 અને ચીનમાં ઈ. સ. પૂ. 1000ના અરસામાં સામ્રાજ્યોમાં સંદેશાવહનની વ્યવસ્થાના ઉલ્લેખો મળે છે. ટપાલવિસામાઓ ઊભા કરીને, ખેપિયાઓની બદલી કરીને, ઝડપથી સંદેશા પહોંચાડવાની પ્રથા સંભવત: ચીનમાં સૌથી પહેલાં શરૂ થઈ અને મૉંગોલ સામ્રાજ્ય દરમિયાન વિકસી. ઈ. સ. પૂ. છઠ્ઠી સદીના પર્શિયાના સામ્રાજ્યમાં પણ આ પદ્ધતિ વિકસી હતી. રોમન સામ્રાજ્યના વિસ્તાર સાથે ભરોસાપાત્ર અને ઝડપી સંદેશાવહનની જરૂરિયાતના પરિપાક રૂપે cursus publicus અસ્તિત્વમાં આવી. ખેપિયાઓ નિરીક્ષકોના વિશાળ માળખાના તંત્રમાં પત્ર ચોવીસ કલાકમાં લગભગ 250 કિમી.ની સફર પૂરી કરતો.

ભારતમાં મૌર્ય સામ્રાજ્યને ટકાવવા અને સુવ્યવસ્થિત ચલાવવા પ્રાંતીય ગવર્નર અને રાજધાની વચ્ચે સંદેશાવાહકોની વ્યવસ્થામાં ટપાલસેવાની ઝાંખી થાય છે. મધ્યયુગમાં મુસ્લિમ અને મુઘલ શાસકોએ ઘોડેસવાર કે પગપાળા ધાવકોની વ્યવસ્થા ગોઠવીને સંદેશાવ્યવહાર ઝડપી અને સુયોજિત બનાવ્યો. શેરશાહસૂરે સંદેશાવ્યવહાર માર્ગ સતર્ક રાખવા 3.2 કિમી.ને અંતરે સંદેશાવાહક ઘોડેસવાર ગોઠવ્યા હતા. અકબરના શાસન દરમિયાન પાંચ કોસે (16 કિમી.) ઘોડાઓ અને ધાવકોની ગોઠવણી દ્વારા આગ્રાથી અમદાવાદ 5 દિવસમાં સંદેશાવ્યવહાર થતો.

વેપારી વર્ગે પણ સંદેશાવ્યવહાર માટે પોતાની આગવી પદ્ધતિ વિકસાવી હતી. વેપારનાં અગત્યનાં મથકો વચ્ચે માલ અને હૂંડીની હેરફેરમાંથી કાળક્રમે ‘મહાજન ડાક’ તરીકે ઓળખાતી પદ્ધતિ અસ્તિત્વમાં આવી. યુરોપમાં પણ મધ્યયુગને અંતે આંતરરાષ્ટ્રીય વેપાર વધતાં ઝડપી સંદેશાવ્યવહારની જરૂરિયાત ઊભી થઈ. આમાંથી મુસાફરો અને પત્રોને વહન કરતા ‘કોચ’ (ઘોડાગાડી) અસ્તિત્વમાં આવ્યા. ઇટાલી, ઑસ્ટ્રિયા વગેરે દેશોમાં ખાનગી રાહે ટપાલવ્યવસ્થા ઘણી વ્યવસ્થિત ગોઠવાઈ ગઈ. સોળમી સદીમાં ઇટાલીના ટૅક્સી પરિવારે વિકસાવેલી ખાનગી ટપાલસેવામાં 20,000 ખેપિયાઓ કાર્યરત હતા.

રાજ્યના નિયંત્રણ હેઠળની ટપાલસેવા ફ્રાન્સના લુઈ 11માએ ઈ. સ. 1477માં શરૂ કરી. આમાં 230 ઘોડેસવાર હતા. ઇંગ્લૅન્ડમાં હેન્રી આઠમાએ 1516માં ‘માસ્ટર ઑવ્ ધ પોસ્ટ’ની નિમણૂક કરી. કૉલકાતામાં ક્લાઇવ લૉઇડે 1766માં પોસ્ટલ રાઇટરને રોજ રાત્રે સરકારી નિવાસે આવીને ટપાલની આવન-જાવનની ચકાસણી કરવાનો હુકમ કર્યો. શરૂઆતમાં તો માત્ર શાસકીય સંદેશાઓનું વહન થતું. પણ ખેપિયાઓ મનસ્વી ફી ઉઘરાવી ખાનગી ટપાલ લઈ જતા. આમાંથી ખાનગી ટપાલને પણ ફી લઈને સેવાઓ આપવાનું નક્કી થયું. ફ્રાન્સમાં 1627માં જુદાં જુદાં શહેરોમાં પોસ્ટ-ઑફિસોની સ્થાપના થઈ; ફીનું ધોરણ અને સમયપત્રક બહાર પડ્યાં. બ્રિટનમાં 1635માં ટપાલસેવા જાહેરજનતા માટે અસ્તિત્વમાં આવી. વૉરન હેસ્ટિંગ્ઝે 31 માર્ચ 1854માં પોસ્ટ-માસ્ટર જનરલની નિમણૂક કરીને બે આનાની ટિકિટમાં પત્રની 100 માઈલ(160 કિમી.)ની સફર અધિકૃત કરી. થોડા સમયમાં જ ટપાલવહન દ્વારા એકાધિકારને કારણે રાજ્યની સુરક્ષા  અને તિજોરી બંને ક્ષેત્રે ફાયદા સ્પષ્ટ થવા લાગતાં રાજ્ય દ્વારા ખાનગી ટપાલસેવા પર પ્રતિબંધ મુકાયો. પણ સાહસિક વેપારીબુદ્ધિ છટકબારી શોધીને અવનવી સેવાઓ શરૂ કરતી; જેમ કે, 1680માં વિલિયમ ડોકવ્રા દ્વારા લંડન શહેરમાં તે જ દિવસે વિતરણ કરનારી ‘પેની પોસ્ટ’. આની એક લાક્ષણિકતા હતી પોસ્ટિંગનાં સ્થળ અને સમયની સ્પષ્ટ છાપ, જે આજે પણ વપરાશકારોનું પ્રથમ ધ્યાન ખેંચે છે.

ભારતમાં જ્યાં ઈસ્ટ ઇન્ડિયા કંપની અને પાછળથી બ્રિટિશ સામ્રાજ્યના તાબાનો વિસ્તાર હતો ત્યાં ઇમ્પિરિયલ પોસ્ટ અસ્તિત્વમાં આવી. અન્યત્ર જમીનદારો અને દેશી રાજ્યો પોતપોતાની ટપાલસેવા ચલાવતાં. ગુજરાતનાં જૂનાગઢ, મોરબી, જસદણ, વઢવાણ, રાજકોટ જેવાં દેશી રાજ્યોને પોતાની ટપાલસેવા હતી. જિલ્લાની ટપાલસેવા જિલ્લા-કલેક્ટરને અધીન રહેતી. તે પોતાની મુનસફી પ્રમાણે ટપાલદર નક્કી કરી પોસ્ટમાસ્ટર જનરલની મંજૂરી મેળવતા. ટપાલસેવા માટે જમીનદારો કે પ્રજા પાસેથી કર વસૂલ કરવામાં આવતો. ટપાલ-વિતરણની જવાબદારી પોલીસ કે ગ્રામ-ચોકિયાતે ફરજિયાત કરવી પડતી. આથી લગભગ 15 % ટપાલ વિતરણ થયા વિનાની પડી રહેતી.

શરૂઆતમાં ટપાલનો દર પત્રની સફરના અંતર પર આધારિત હતો. જુદાં જુદાં સ્થળે દર પણ બદલાતો રહેતો અને પરિવહન માટે દર પણ બદલાતો રહેતો. આથી વ્યવહારમાં ગણતરી બહુ જ ગૂંચવાડાભરી હતી. વળી, ટપાલસેવા મોંઘી પણ ખૂબ પડતી હતી, તેથી સામાન્ય જનને દુર્લભ હતી. આ પરિસ્થિતિમાંથી ટપાલસેવાને બહાર કાઢવાનું શ્રેય બ્રિટિશ ટપાલસેવા અને તિજોરીના સચિવ રોલાન્ડ હિલને ફાળે જાય છે. એમના ‘Post Office Reforms; Its Importance and Practicability’ને આધારે ટપાલદરમાં ક્રાંતિકારી ફેરફાર થયા, જે માત્ર બ્રિટને જ નહિ પણ અનેક દેશોમાં અને દેશ દેશ વચ્ચેના વ્યવહારોમાં પણ અપનાવાયા. આ મુજબ 1804માં સમાન દર અને પત્ર પોસ્ટ કરતાં પહેલાં દરની ચુકવણીની પ્રથા અમલમાં આવી. આ સુધારાને કારણે ટપાલવ્યવહારમાં ઝડપ અને કરકસર આવ્યાં અને સામાન્ય જનને સેવા સુલભ બની.

રેલવેની શરૂઆતે ટપાલસેવાની કાર્યપદ્ધતિમાં ક્રાંતિકારી ફેરફાર આણ્યા. દરેક પોસ્ટ-ઑફિસ બીજા શહેરની પોસ્ટ-ઑફિસ માટે બૅગ અથવા પૅકેટ બનાવતી, જે ગાર્ડના ડબામાં અપાય. ટ્રાફિક વધતાં ગાર્ડના ડબાની બાજુના ડબાનો ઉપયોગ શરૂ થયો. સ્ટેશન પ્રમાણે બૅગ-પૅકેટ જુદાં કરવામાંથી રેલવે મેઇલ સર્વિસની શરૂઆત થઈ. 1838માં લંડન–પ્રેસ્ટન વચ્ચે અને 1863માં અલ્લાહાબાદ-કાનપુર વચ્ચે આ સેવાની શરૂઆત થઈ. સદીના અંત સુધીમાં ભારત, બ્રિટન, યુરોપના કેટલાક દેશો અને અમેરિકામાં રેલવે-મેઇલ-સર્વિસના બહોળા ઉપયોગ દ્વારા 500થી 700 કિમી.નું અંતર કાપીને બીજે દિવસે પત્રનું વિતરણ શક્ય બન્યું. ટપાલસેવાની ઝડપ અને વિશ્વસનીયતા બંને વધી ગયાં.

રેલવે જેટલાં ક્રાંતિકારી નહિ પણ અસરકારક પરિણામો વિમાની સેવાઓના ઉપયોગથી આવ્યાં. ટપાલવહન માટે તેનો સૌપ્રથમ ઉપયોગ ભારતમાં 21 ફેબ્રુઆરી, 1911ના અલ્લાહાબાદ–નૈની વચ્ચે થયો. 1920માં મુંબઈ–કરાંચી વચ્ચે નિયમિત વ્યવહાર શરૂ થયો. 1929માં ઇમ્પીરિયલ ઍરવેઝ દ્વારા ભારત–બ્રિટન વચ્ચે આંતરરાષ્ટ્રીય વ્યવહાર શરૂ થયો.

મુખ્યત્વે રાજ્યમાર્ગો, ધોરી માર્ગો અને વ્યાપારનાં કેન્દ્રોને ટપાલસેવાનો ફાયદો મળ્યો. એને ગામડાંઓમાં લઈ જવાનું માન ફ્રાન્સના ટપાલતંત્રને મળે છે. 1929માં ગ્રામીણ સેવા શરૂ કરીને આજે ભારતમાં દર 3000ની વસ્તીના ગામને કે ગ્રામજૂથને પોસ્ટ-ઑફિસ અને 500ની વસ્તીને પત્રપેટી મળી છે. વિતરણવ્યવસ્થા દરેક ગામને છે.

વિવિધ સ્થળોની ટપાલપેટીઓ ખોલવાનો નિયત સમય હોય છે તે મુજબ ટપાલ એકત્રિત કરી રેલવેની મેઇલ-સર્વિસમાં પહોંચાડાય છે. નિયત સમય વીતી ગયા પછી ગાડી ઊપડવાના સમય પહેલાં કોઈ ટપાલ રવાના કરવા ઇચ્છે તો લેટ-ફીની ટિકિટો લગાડીને તેમ કરી શકે છે.

સરનામાવાળા પત્ર પર જરૂરી ટિકિટ લગાડેલી ન હોય અથવા અપૂરતી લગાડેલી હોય તો દંડસહિત રકમ મેળવીને તે પત્ર પહોંચાડાય છે. જો કોઈ વ્યક્તિ ટપાલ સ્વીકારવા ઇચ્છતી ન હોય તો તે પરત કરી શકે છે અને મોકલનારને તે પાછી પહોંચાડાય છે. અયોગ્ય સરનામાને લીધે અને મોકલનારનું નામ ન હોય ત્યારે તે પત્ર ડી.એલ.ઓ. [હવે આર.એલ.ઓ.(Return Letter Office)]માં પહોંચાડાય છે અને ત્યાંથી લખનાર કે જેને મોકલવામાં આવ્યો હોય તે વ્યક્તિને પહોંચાડવા પ્રબંધ કરવામાં આવે છે.

સરકારી પત્રવ્યવહારમાં જે ટિકિટ વપરાય છે તે સર્વિસ ટિકિટ સામાન્ય જનસમુદાય માટેની ટિકિટોથી ભિન્ન હોય છે. તેવા પત્ર પર પહેલાં O.H.M.S. અને હવે OIGS (On Indian Government Service)નો સિક્કો લગાડવામાં આવે છે.

યુનિવર્સલ પોસ્ટલ યુનિયન (યુ.પી.યુ.) : અઢારમી–ઓગણીસમી સદીના યુરોપીય સામ્રાજ્યવાદનું લક્ષ્ય વ્યાપાર હતું. રેલવે અને આગબોટે માલના પરિવહનમાં અકલ્પ્ય ઝડપ અને પરિવર્તન આણ્યાં હતાં; પણ સંદેશવ્યવહારમાં અડચણો ઘણી હતી. દરેક દેશને પોતપોતાનાં ચલણ, માપતોલની પદ્ધતિ, ટપાલના દરો અને નિયંત્રણો અલગ. પરિણામે પત્ર કે પાર્સલને જુદા જુદા દેશોમાંથી પસાર થતી વખતે ચૂકવવાપાત્ર દરની ગણતરીમાં અપાર ગૂંચવાડા થતા હતા. આના નિવારણ  અર્થે પહેલ કરી  અમેરિકાના પોસ્ટ-માસ્ટર જનરલે. 1863ના મેમાં અમેરિકા સહિત  યુરોપના દેશો થઈ 15 રાષ્ટ્રોનું એક સંમેલન પૅરિસમાં મળ્યું. પરિસ્થિતિ હલ કરવા બાબતે મૂળભૂત સિદ્ધાંતો નક્કી કર્યા પણ તેને આકાર આપવામાં બીજાં દસ વર્ષ નીકળી ગયાં. અંતે, ઉત્તર જર્મન ફેડરેશનના નિદેશક હેનરિક વાન સ્ટેફનના પ્રયત્નોથી બર્નમાં પહેલી પોસ્ટલ કૉંગ્રેસ મળી અને જનરલ પોસ્ટલ યુનિયનની સ્થાપના અંગે 9 ઑક્ટોબર, 1874ના રોજ સંધિ થઈ. આ દિવસ વિશ્વ ટપાલ દિવસ તરીકે ઓળખાય છે.

1લી જુલાઈ, 1875ના દિવસે જનરલ પોસ્ટલ યુનિયનની સ્થાપના થઈ, જેનું 1878માં ‘યુનિવર્સલ પોસ્ટલ યુનિયન’ એવું નામાભિધાન થયું. સમયાંતરે પત્ર ઉપરાંત બીજી સેવાઓને પણ આવરી લેવામાં આવી; જેમ કે, મનીઑર્ડર (1878), પાર્સલ પોસ્ટ (1885), પોસ્ટલ ચેક (જાયરો, 1920), સેવિંગ્ઝ બૅંક (1957) વગેરે. આ સંધિ અન્વયે સર્વ દેશો માટે, સમાન નિયમો અસ્તિત્વમાં આવ્યા. ટપાલની હેરફેરમાં દેશની અને વિદેશની – એવું વર્ગીકરણ દૂર થયું. વજન પર આધારિત ટપાલદર અને પત્રનું કદ નક્કી થયાં. જેટલી ટપાલ આવે, તેટલી જાય એમ અરસપરસ(receprocity)નો સિદ્ધાંત સ્વીકારીને, પોસ્ટેજ મોકલનાર દેશ જ રાખે અને જ્યાંથી પસાર થાય તે દેશને હેરફેરનો દર (transit charge) આપે એવું નક્કી થવાથી ગણતરી સરળ બની. તેથી આંતરરાષ્ટ્રીય વ્યવહાર સરળ બન્યો.

જનરલ પોસ્ટલ યુનિયનના સભ્યો માત્ર સ્વતંત્ર દેશો જ હોવા છતાં ભારતે 1875માં સભ્યપદ માટે અરજી કરી. ભારત સભ્ય બને તો સમાન દરનું હકદાર બને, પરિણામે ગ્રૅટબ્રિટનને વાર્ષિક 22,500 પાઉન્ડની આવક ગુમાવવી પડે. આથી ગ્રેટબ્રિટનના દબાણને કારણે બ્રિટન સાથે એક ખાસ હેરફેરના દરની જોગવાઈ (transit rate) સાથે જુલાઈ, 1876માં ભારતને સભ્યપદ મળ્યું. આ વિશેષ જોગવાઈ દસ વર્ષ પછી અન્ય સભ્યોના દબાણને કારણે દૂર થઈ.

આજે (1996) યુ.પી.યુ.ના સભ્યદેશોની સંખ્યા 189 પર પહોંચી છે. આંતરરાષ્ટ્રીય ટપાલના દર, વિવિધ દેશો વચ્ચે ટપાલની આપ-લે તથા તેને સંબંધિત નાણાકીય લેતી-દેતીના નિયમો ઉપરાંત આ સંસ્થા વિકસતા દેશોને તજ્જ્ઞો અને સલાહકારોની ઉપલબ્ધિ કરાવે છે. તાલીમ માટે નાણાકીય અને સંસ્થાકીય મદદ આપે છે. યંત્રો અને ટૅક્નૉલૉજી વસાવવા અને વધારવા સહાય કરે છે. મુખ્ય તો ટૅક્નૉલૉજીના વિકાસ અને બદલાતા સંજોગોની ટપાલસેવાના કામકાજ પર પડનારી અસરોનો અભ્યાસ અને તેને અનુરૂપ પ્રતિભાવ વિશે તે સતત કાળજી રાખે છે.

આગામી વલણો (trends) : ટપાલસેવા પર વર્ષોથી સરકારનો એકાધિકાર રહ્યો છે. એ અધિકાર છે તો માત્ર પત્ર પૂરતો જ મર્યાદિત, પરંતુ આ પ્રશ્ર્ને પણ ખળભળાટ શરૂ થયો છે. સિંગાપોર જેવો દેશ આને માટે આગ્રહી નથી. વળી, સંદેશાવ્યવહારનાં અન્ય સાધનો જેવાં કે ટેલિફોન, ફૅક્સ, ઇન્ટરનેટ વગેરેના વિકાસ સાથે પત્ર સાથે સંકળાયેલા દેશની સુરક્ષા અને તિજોરીની આવકના ખ્યાલો જર્જરિત થઈ ગયા છે. ઉપરાંત મુક્ત અર્થતંત્રની હવામાં નિયંત્રણો દૂર થવા લાગતાં એકાધિકાર અપ્રસ્તુત થવા લાગ્યો છે.

આવો જ બીજો પ્રશ્ન છે સંસદ અને સરકારના ટપાલસેવા પરના પૂર્ણ અંકુશનો. ટપાલસેવાને સરકારના નિયંત્રણની બહાર કાઢીને સ્વતંત્ર કંપનીના માળખામાં ગોઠવીને વિકાસ સાધવાનું ઘણાં તંત્રોને ઉચિત લાગ્યું છે. અમેરિકામાં 1970માં ટપાલસેવા સરકારના એક વિભાગ તરીકે છૂટી પડીને કંપનીમાં ફેરવાઈ. તે પછી બ્રિટન, સિંગાપોર, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ, મલેશિયા, ઝામ્બિયા એમ અનેક દેશોએ પરિવર્તન કરીને કાર્યદક્ષતા ઘણી વધારી છે. પરંપરાગત વહીવટી માળખામાંથી આધુનિક કૉર્પોરેશનનું માળખું અને મનોવૃત્તિ કેળવી વપરાશકારોને સંતોષ આપવાનું વલણ વધતું જાય છે.

ટપાલસેવાને જાહેર હિતની સેવા ગણીને એનું માળખું અને એની સેવાઓની કિંમત ગોઠવવામાં આવી છે. સંસદ અને સરકારનો ટપાલસેવાના દર બાબતે પૂર્ણ અંકુશ રહ્યો છે. આને કારણે ટપાલતંત્ર ગૂંગળાવનારી નાણાકીય તાણ અનુભવે છે. છેલ્લાં થોડાં વર્ષોમાં એને બજાર સાથે જોડવાનું, સેવાને બદલે પ્રોડક્ટ ગણવાનું અને નફા-નુકસાનના ખ્યાલ સાથેની વ્યૂહાત્મક બજારનીતિ  અપનાવવાનું વલણ સ્પષ્ટ થતું જાય છે. ઑસ્ટ્રેલિયા-ન્યૂઝીલૅન્ડ જેવા વિકસિત અને ઝામ્બિયા જેવા વિકાસશીલ દેશોએ વહીવટી માળખું અને નાણાકીય અભિગમ બદલીને નફાના ધોરણે કુશળતાથી ટપાલસેવાની ગોઠવણ કરી છે. નફાના સિદ્ધાંતનો સ્વીકાર અને સંપૂર્ણ નાણાકીય સ્વાયત્તતાની દિશામાં ઝડપથી ગતિ થઈ રહી છે. ટપાલસેવાને ધંધાદારી રીતે વિકસાવીને બજારનાં પરિબળો પ્રમાણે સેવાઓ ગોઠવવાનું એક પરિણામ એ પણ છે કે લાયક ઉમેદવારની શોધ રાષ્ટ્ર્ના સીમાડાઓ બહાર પણ શક્ય બની છે; જેમ કે, ન્યૂઝીલૅન્ડના ટપાલ કૉર્પોરેશનના વડા થવાનું માન ઑસ્ટ્રેલિયનને મળ્યું છે.

યુ.પી.યુ.એ વિશ્વના સૌ દેશોને એક તાંતણે બાંધીને મજબૂત ગઠબંધન કર્યું છે અને ટપાલસેવામાં એક વિશ્વને સાકાર કર્યું છે, પણ બજારનાં દબાણો અને ઉપભોક્તાના સંતોષ તેમજ ઝડપ અને કાર્યદક્ષતાની અપેક્ષાઓની માત્રામાં જેમ દેશો વચ્ચે અંતર વધવા લાગ્યું તેમ યુ.પી.યુ.નાં જોડાણોમાં તડ પડવા માંડી. અંતે ઝડપી અને વિશ્વસનીય સેવાની ખાતરી આપતી ઈ.એમ.એસ.(Express Mail Service), અર્થાત્ સ્પીડ પોસ્ટ સેવા બાબતે જર્મની, સ્વીડન, ફ્રાન્સ અને નેધરલૅન્ડે પોતાનો અલગ ચોકો રચીને ખાનગી કંપની સાથે સહકાર સાધ્યો છે. હાલ તો અહીં પૂર્ણવિરામ છે; પણ ઉપભોક્તાઓની અપેક્ષાઓ અને બજારનાં બદલાતાં દબાણો સાથે નાટ્યાત્મક ફેરફારોની શક્યતા નકારી શકાય નહિ.

શહેરોના વિકાસ સાથે વસ્તીનો વધારો અને ગીચતા ટપાલસેવા માટે પડકારરૂપ નીવડી રહ્યાં છે. શિક્ષણના વ્યાપ અને માહિતીના આદાનપ્રદાન સાથે ઉપભોક્તાઓની વધેલી અપેક્ષાઓને સંતોષવા ગ્રાહકનીતિમાં વ્યૂહાત્મક ફેરફારો અને કાર્યદક્ષતા વધારવાનું કપરું કામ સૌ ટપાલતંત્રોએ બહુ ઓછા સમયમાં કરવું પડશે. યાંત્રિકીકરણ અને ટૅક્નૉલૉજીના ઉપયોગનો વધારો માત્ર પ્રશ્નોનું નિરાકરણ આણી શકે તેમ નથી; જેમ કે, સૉર્ટિંગ મશીન વસાવવા માત્રથી સૉર્ટિંગની ઝડપ વધી જતી નથી. પત્રો અને સ્ટેશનરી મશીનને અનુરૂપ કાગળનાં, અમુક જ કદનાં અને અમુક જ જાતનાં પૅકેજિંગ ધરાવતાં હોવાં જોઈએ. સરનામું પણ અમુક રીતે જ લખેલું હોવું જોઈએ. આને માટેનું ઘોષણાપત્ર જલદીથી બહાર પાડી શકાય છે, પણ લોકોની ટેવો ઝડપથી  બદલી શકાતી નથી. લોકકેળવણીનું કામ તાત્કાલિક ધ્યાન માગે છે.

સંદેશાવ્યવહાર બજારનાં વલણોના અભ્યાસમાં જણાયું છે કે  આંતરરાષ્ટ્રીય વ્યાપારના વિકાસ સાથે ટપાલ ટ્રાફિકમાં ઉછાળો આવ્યો છે. અર્થતંત્રના વિકાસ સાથે ધંધાકીય ટપાલમાં તેજી આવી છે. સાથે જ ખાનગી ટપાલસેવા પૂરી પાડનારી પેઢીઓની સંખ્યા વધી છે. પરિણામે વપરાશકર્તા, અર્થાત્ ગ્રાહક તરફ સૌનું ધ્યાન કેન્દ્રિત થયું છે. ઉપભોક્તાને અનુરૂપ સેવાઓની ગોઠવણી કરવી એ સૌ ટપાલસેવા માટે ચાવીરૂપ બની રહ્યું છે. કદાચ પહેલી જ વાર ઉપભોક્તા માટે આટલી અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે. તેને પરિણામે ગ્રાહક સૌ સેવાઓના કેન્દ્રસ્થાને આવી જશે એ નિશ્ચિત છે.

વિશ્વના કેટલાક પ્રગતિશીલ દેશોની ટપાલસેવાની સરખામણીએ ભારતમાં પ્રાપ્ત થતી ટપાલસેવા સંતોષપ્રદ છે તે નીચેની સારણી  ઉપરથી જોઈ શકાશે :

દેશ પોસ્ટઑફિસદીઠ વિસ્તાર (ચોકિમી.) પોસ્ટઑફિસદીઠ જનસંખ્યા
ભારત 21.47 5523
યુ. કે. 12.46 2952
યુ.એસ.એ. 238.05 6542
જાપાન 15.40 5096
ગુજરાત 21.90 4643

વિજયા શેઠ

રક્ષા મ. વ્યાસ