ટપકાંવાળી ઇયળ : શ્રેણી રોમપક્ષ(Lepidoptera)ની ફૂદીની કેટલીક ઇયળાવસ્થાની જીવાત. કુળ નૉક્ટયુડી. આ જીવાત ભૂખરા રંગની સફેદ ધાબાવાળી અને કાળા માથાવાળી તથા શરીરે કાળાં અને બદામી રંગનાં ટપકાં ધરાવતી હોવાથી તે ટપકાંવાળી ઇયળ અથવા કાબરી ઇયળ અથવા પચરંગી ઇયળના નામે ઓળખાય છે. તેનો ઉપદ્રવ કપાસ અને ભીંડાના પાકમાં જોવા મળે છે. તે ઉપરાંત અંબાડી, હૉલિહૉક, શેરિયાં અને કાંસકી જેવા છોડ પર પણ જોવા મળે છે. ગુજરાતમાં આ જીવાતની બે જાતિઓ જોવા મળે છે : એકમાં ફૂદીની પહેલી પાંખની જોડ સફેદ હોય છે અને તેમાં ફાચર આકારનો લીલા રંગનો પટ્ટો હોય છે, જ્યારે બીજી જોડની પાંખ આછા સફેદ રંગની હોય છે. તેને એરિયાસ ફેબ્રિયા (Earias fabria) તરીકે ઓળખવામાં આવે છે. જે ફૂદીની પાંખની પહેલી જોડ પૂરેપૂરી લીલા રંગની હોય છે, તેને એરિયાસ ઇન્સુલાના તરીકે ઓળખવામાં આવે છે. પુખ્ત ફૂદાની પહોળાઈ વિસ્તરેલ પાંખો સાથે 25 મિમી. હોય છે. ઇયળ 15થી 20 મિમી. લંબાઈની હોય છે.
માદા ફૂદી ભૂરાશ પડતાં લીલા રંગનાં ગોળાકાર ઈંડાં ફૂલ, કળીઓ અને કુમળી ડાળીઓ પર છૂટાંછવાયાં મૂકે છે. ઈંડાં 3થી 5 દિવસમાં સેવાય છે. ઇયળ-અવસ્થા 9થી 16 દિવસમાં પૂરી થાય છે. પુખ્ત ઇયળ જીંડવા/શીંગમાંથી બહાર નીકળી આવી મેલા સફેદ રંગના રેશમી અસ્તરમાં કોશેટો બનાવે છે. કોશેટો-અવસ્થા 8થી 14 દિવસમાં પૂરી થાય છે.
પાકની શરૂઆતની અવસ્થામાં આ ઇયળ કુમળી ડૂંખો કોરી ખાય છે. પરિણામે ઉપદ્રવ પામેલી ડૂંખો ચીમળાઈને સુકાઈ જાય છે. ત્યારબાદ કળીઓ અને જીંડવાં/શીંગ બેસતાં ઇયળ તેમાં કાણું પાડી અંદર દાખલ થઈ હગારથી કાણું બંધ કરી દે છે અને અંદરનો ભાગ ખાય છે. આ જીવાતના ઉપદ્રવના કારણે કળીઓ, ફૂલો અને નાનાં જીંડવાં ખરી પડે છે. અસર પામેલાં જીંડવાં વહેલાં ફાટે છે તેને લીધે રદ્દી કપાસ નીકળે છે. ભીંડાના પાકમાં આ ઇયળથી નુકસાન પામેલ શીંગો વધતી અટકી જાય છે અને નાની રહે છે તથા વિકૃત બની જાય છે.
શરૂઆતમાં છોડ નાના હોય અને ઉપદ્રવ ઓછો હોય તો ચીમળાયેલી ડૂંખોને કાપી લઈ ઇયળ સહિત તોડીને નાશ કરવામાં આવે છે. પાક લીધા બાદ પાકના અવશેષોને દૂર કરે છે. જમીન પર ખરી પડેલ કળીઓ, ફૂલો અને જીંડવાંને વીણી લઈ તેનો નાશ કરવામાં આવે છે. કપાસ અને ભીંડાનો મિશ્ર પાક લેવાતો નથી. ખેતરની ફરતે ઊગેલ કાંસકી, જંગલી ભીંડી, હૉલિહૉક અને માલ્વેસી કુળની બીજી વનસ્પતિઓનો નાશ કરવો જરૂરી છે. ભીંડાનો પાક મે માસના પ્રથમ અઠવાડિયામાં વવાતાં તેમાં આ જીવાતોનો ઉપદ્રવ ઓછો જોવા મળે છે. પ્રતિકારક જાતોનું વાવેતર કરવામાં આવે છે. કાબરી ઇયળના ફૂદાની વસ્તી-માત્રા જાણવા સેક્સ ફેરોમોન ટ્રૅપનો ઉપયોગ કરી તે મુજબ પાક-સંરક્ષણનાં પગલાં લેવાય છે. એન્ડોસલ્ફાન 0.07 %, ક્વીનાલ ફૉસ 0.05 %, કાર્બારિલ 0.2 %, મૉનોક્રોટોફૉસ 0.036 %, ડીડીવીપી 0.05 % પૈકી કોઈ પણ એક કીટનાશી દવાનો છંટકાવ જરૂરિયાત મુજબ વારાફરતી કરવામાં આવે છે. આ સિવાય કપાસના પાકમાં ફેનવલરેટ (0.015 %), સાયપરમેથીન (0.01 %) અને પરમેથીન (0.015 %) પૈકી કોઈ પણ એક સિન્થેટિક પાયરોપ્રોઇડ સમૂહની કીટનાશી દવાના ફક્ત બે છંટકાવ ફૂલભમરી-અવસ્થાએ કરવામાં આવે છે. ટ્રાઇકોગ્રામા ઇવેન્સેન્સ (Trichogramma evenescens) નામની ભમરી આ જીવાતનાં ઈંડાં પર પરજીવી તરીકે નોંધાયેલ છે. જ્યારે એપાન્ટેલીસ, માઇક્રોબ્રેકૉન બ્રેવિકોર્નિસ, રોગાસ એલિગરેન્સિસ વગેરે ઇયળોનાં ઈંડાં પરજીવી તરીકે નોંધાયેલાં છે. આ પરજીવીઓ કાબરી ઇયળનું કુદરતી રીતે નિયંત્રણ કરે છે.
પરબતભાઈ ખી. બોરડ
ધીરુભાઈ મનજીભાઈ કોરાટ