ટગબોટ : રેલવેના એન્જિન માફક બજરાઓ(barges)ને તથા સમુદ્રની મોટી ખેપ કરતી સ્ટીમરોને બારામાં ધક્કા(dock) સુધી અને બારા બહાર મધદરિયા સુધી ખેંચી લાવતું શક્તિશાળી અને ઝડપી નાનું જહાજ. કોઈ કારણસર જહાજ લાધી ગયું હોય કે તેનાં યંત્રો કામ કરતાં બંધ પડ્યાં હોય તો તેવા જહાજને સુરક્ષિત રીતે ખેંચી લાવવાનું કામ પણ તે કરે છે.

ટગબોટ

વરાળયુગના પ્રારંભમાં ઈ. સ. 1800ની આસપાસ પૅડલ-વ્હીલ (paddle  ક્ષેપણી) સંચાલિત ટગબોટ કામ કરતી હતી. 1850માં સ્ક્રૂ-સંચાલિત ટગબોટ અસ્તિત્વમાં આવી હતી. ઈ. સ. 1900થી વરાળ-એન્જિનનું સ્થાન ડીઝલ-એન્જિને લીધું હતું.

1736માં જોનાધન હલે (ગ્લૉસેસ્ટરશાયર, ઇંગ્લૅન્ડ) ન્યૂકોમેન સ્ટીમ-એન્જિન દ્વારા સંચાલિત ટગબોટ માટે પેટન્ટ લીધો હતો. સર્વ પ્રથમ બંધાયેલ ટગબોટ ‘શાર્લોટ ડુન્ડાસ’ હતી, જેનું સંચાલન વૉટ એન્જિન અને પૅડલ-વ્હીલ દ્વારા થતું હતું, તેનો ઉપયોગ સ્કૉટલૅન્ડની ફૉર્ડ નદી અને ક્લાઇડ નદીની નહેરમાં જહાજોને લાવવા – લઈ જવા થતો હતો. યુ.એસ.માં 1850માં સ્ક્રૂ પ્રોપલ્ઝનવાળી ટગબોટનો ઉપયોગ થતો હતો.

ઓગણીસમી સદી દરમિયાન ટગનું કદ એકસરખું અને સ્થિર (21 મી.થી 64 મી. સુધીનું) રહ્યું હતું. અગાઉની ટગ કરતાં હાલમાં વપરાતી ટગનું એન્જિન દસગણી વધારે શક્તિ ધરાવે છે. કેટલીક ટગનાં તો 3000 હૉ.પા.થી વધારે પાવરનાં એન્જિનો હોય છે. સામાન્ય રીતે માત્ર બારામાં જ હેરફેર કરતી ટગ 21.46 મી. લાંબી, એક સ્ક્રૂવાળી અને 1750 હૉર્સ પાવરવાળી હોય છે. ખુલ્લા સમુદ્રમાંથી લાધેલાં જહાજને કાંઠે બારામાં ધક્કા સુધી લાવવા વધારે શક્તિશાળી ટગની જરૂર પડે છે. લાધી ગયેલા જહાજને કાંઠે લાવતી ટગ 38 મી.થી 60 મી. લાંબી હોય છે અને તેનું એન્જિન 5000 હૉ.પા. સુધીનું હોય છે. આંતરિક જળમાર્ગ માટે યંત્રવિહીન બજરા(dumb barge)ને ખેંચવા ટગ વપરાય છે. રેલવેના ડબાની માફક દોરડાં કે સાંકળ દ્વારા 10થી 20 બજરાઓને ટગ ખેંચે છે. ધક્કા સુધી બજરાને કે જહાજને ખેંચી લાવતી ટગનું ખોખું (hull) સ્થિતિસ્થાપક (resilient) લાકડાનું બનેલું હોય છે, જેથી જહાજ કે ટગને ખેંચવાથી નુકસાન થતું નથી. ટગ સહેલાઈથી અવરજવર કરી શકે તે માટે તેની લંબાઈ ઓછી અને તેનો મોરો (stern) સાંકડો હોય છે. પાણી ઉપર તેના પ્રૉપેલરની સારી પકડ રહે તે માટે તેની ગતિ ધીમી હોય છે. ટેમ્સ નદીમાં ફરતી ટગો 24 મી.થી 36 મી. લાંબી હોય છે. દુનિયાના અન્ય ભાગોમાં તેનો દેખાવ, લંબાઈ વગેરે જુદાં જુદાં હોય છે.

જર્મનીની રહાઇન નદી અને યુ.એસ.ની મિસિસિપી નદીમાં લાંબા અંતર સુધી ઘણા દિવસો સુધી બજરાઓના સમૂહને ટગ ખેંચી જતી હોય છે. આવી ટગોમાં ટગના કર્મચારીઓ માટે રહેવાની તથા ખોરાક વગેરે સંઘરવાની સગવડ હોય છે. લાધી ગયેલાં જહાજોને સલામત લાવતી ટગ ખૂબ જ શક્તિશાળી અને દરિયામાં લાંબો વખત રહી શકે તેવી હોય છે. જહાજને ખેંચી લાવવા ભારે ગિયર કે ગેરવાળી ટગ હોય છે. આવી ટગમાં લોખંડના તારનાં દોરડાં, પાણી ઉલેચવાનો પંપ તથા અગ્નિ શમાવવાનાં સાધનો હોય છે. ગુજરાતમાં ઘોઘામાં 200 ટનથી 250 ટનની ટગ બંધાય છે. મુંબઈ, કૉલકાતા તથા વિશાખાપટ્ટનમમાં પણ તે જરૂર પ્રમાણે બંધાય છે. ડચ લોકો ટગના બાંધકામ માટે સમગ્ર દુનિયામાં જાણીતા છે. તેમણે 65 મી. લાંબી, 15.6 મીટરના સ્તંભવાળી 16,000 કિવૉ.ની શક્તિશાળી ‘સ્મીટ લંડન’ ટગ બાંધી હતી, જે ગમે તેવા વિશાળકાય જહાજને ખેંચી લેવા સમર્થ હતી.

શિવપ્રસાદ રાજગોર