ઝ્યુગેન : પાષાણટોપ અથવા પાષાણસ્તંભ. આ પ્રકારના ટોપનો નીચેથી ઉપર તરફનો ભાગ નરમ ખડકવાળો હોય અને ઉપર તરફનો આચ્છાદિત ભાગ સખત ખડકથી બનેલો હોય ત્યારે તેમની ઓછીવત્તી સખતાઈને કારણે ઉપરનું આવરણ ઓછું ઘસાય છે અને નીચેનો ભાગ ઝડપથી ઘસાઈ કે કોતરાઈ જવાથી અંદર તરફનો ઢોળાવ રચાય છે; પરિણામે બિલાડીના ટોપ આકારનો લાક્ષણિક

ઝ્યુગેન

ઢબનો અંતર્ગોળ વળાંક તૈયાર થાય છે, જેને પાષાણટોપ તરીકે ઓળખાવાય છે. આવા ટોપ ક્યારેક એક તરફ વધુ લંબાયેલા હોય છે, જે પવનની દિશાનું સૂચન કરે છે. આ પ્રકારના પાષાણટોપની રચના મોટેભાગે વનસ્પતિવિહીન કે ભેજવિહીન પ્રદેશમાં એટલે કે રણ/અર્ધરણ જેવી શુષ્ક/અર્ધશુષ્ક આબોહવામાં વધુ શક્ય બને છે.

ગિરીશભાઈ પંડ્યા