‘ઝૌક’, શેખ મોહંમદ ઇબ્રાહીમ (જ. 1787; અ. 1854) : પ્રતિષ્ઠિત ઉર્દૂ કવિ. તેઓ આખરી મુઘલ બાદશાહ બહાદુરશાહ ‘ઝફર’ના ઉસ્તાદ હતા. ‘ઝૌક’ તેમનું તખલ્લુસ અને ‘ખાકાનીએ હિન્દ’, ‘મલિકુશ્શોરા’, અને ‘ઉમદતુલ ઉસ્તાઝીન ખાન બહાદુર’ તેમના ખિતાબો હતા. તેમના નામની આગળ સામાન્ય રીતે લખાતો-બોલાતો શબ્દ ‘શેખ’ સૂચવે છે કે તેઓ ઉચ્ચ કુટુંબના હતા. તેમના પિતા શેખ મોહંમદ રમઝાન એક પ્રામાણિક અને વફાદાર સિપાહી હતા.
પડોશમાં રહેતા હાફિઝ ગુલામરસૂલ પાસેથી ‘ઝૌક’ કુરાનેશરીફ શીખ્યા હતા. હાફિઝસાહેબ કવિ પણ હતા અને આસપાસના લોકો તેમની પાસેથી કવિતા વિશે માર્ગદર્શન મેળવતા હતા. ‘ઝૌક’ને પણ બાળપણથી કવિતા પ્રત્યે રસ જાગ્યો અને તેમણે કવિતા રચવાની શરૂઆત કરી. કવિતામાં ઉચ્ચ કોટિની નિપુણતા પ્રાપ્ત કરવા ‘ઝૌક’ જાણીતા ઉસ્તાદ શાયર શાહ નસીર પાસેથી માર્ગદર્શન મેળવવા લાગ્યા. શાહ નસીર સિદ્ધ કવિ હતા. શરૂઆતમાં ‘ઝૌક’ તેમનાથી ખૂબ પ્રભાવિત થયા. તેમની શૈલી અને અભિવ્યક્તિનાં ‘ઝૌક’ ઘણાં વખાણ કરતા. પરંતુ કાવ્યરચનાની બાબતમાં ‘ઝૌક’ જેમ જેમ આગળ વધતા ગયા તેમ તેમ આ ઉસ્તાદ-શાગિર્દ વચ્ચેનું અંતર વધતું ગયું. છેવટે બંને એકબીજાના હરીફ તરીકે સાહિત્યિક ઇતિહાસના પાને નોંધાયા છે. ‘ઝૌક’ની ખ્યાતિ દિવસે દિવસે વધવા માંડી, તેમની ગઝલોની ગુંજ શાહી દરબાર સુધી પહોંચી. દિલ્હીના સુલતાન અકબરશાહ બીજાએ તેમને દરબારમાં નિમંત્ર્યા. તેમના અવસાન પછી બહાદુરશાહ ‘ઝફર’ના ઉસ્તાદ હોવાના કારણે તેઓ ‘કવિશિરોમણિ’ના સ્થાને બિરાજ્યા.
‘ઝૌક’ને ઉર્દૂના ઉસ્તાદ શાયર માનવામાં આવે છે. ઓગણીસમી સદીના વિખ્યાત કવિઓમાં તેમનું સ્થાન સર્વોચ્ચ ગણાયેલ છે. રૂઢિપ્રયોગો, ભાષાસૌંદર્ય અને પ્રાસ તેમની ગઝલોના વિશિષ્ટ ગુણો છે. અરબી-ફારસી ભાષાના તેઓ જ્ઞાતા હતા. ‘ઝૌક’ના કસીદા એટલે કે પ્રશસ્તિકાવ્યો ઉપર શિષ્ટમાન્ય ફારસી કવિઓની અસર છે તેથી તેમની ગઝલો કરતાં તેમના કસીદાનું વિશેષ મહત્વ સ્વીકારવામાં આવ્યું છે.
મોહિયુદ્દીન બૉમ્બેવાલા