ઝેરૉગ્રાફી : કોઈ પણ પ્રકારના લખાણની છબીરૂપ બેઠી નકલ કરવા માટેની યાંત્રિક પ્રયુક્તિ. આવી પ્રત્યેક નકલને ઝેરૉક્સ નકલ અને યંત્રને ઝેરૉગ્રાફ કે ઝેરૉક્સ મશીન કહે છે; પ્રક્રિયા ઝેરૉગ્રાફી તરીકે ઓળખાય છે. આ પદ્ધતિમાં કૅડમિયમ સલ્ફાઇડ કે લેડ સલ્ફાઇડ જેવાં પ્રકાશ-સુવાહક (photo-conducting) રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. આવાં રસાયણોના અત્યંત બારીક ભૂકાનો સરખી જાડાઈનો લેપ એક નમ્ય પટ્ટા (flexible belt) ઉપર ચડાવવામાં આવે છે; તેને ‘ફોટો-કન્ડક્ટિવ બેલ્ટ’ કહે છે. આ પટ્ટો પ્રકાશ-સંવેદી હોય છે. પ્રકાશ-સુવાહક રસાયણનો ગુણધર્મ એ છે કે તેમની પોતાની વિદ્યુતવાહકતા ઓછી હોય છે.

આકૃતિ 1માં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુત-મોટરની મદદથી ફોટો-કન્ડક્ટિવ બેલ્ટને, ઉપરની તરફના રોલર P1 પરથી નીચેના રોલર P2 તરફ એકધારી ઝડપે ફરતો રાખવામાં આવે છે. પ્રાઇમરી ચાર્જર P વિદ્યુતવિભવ ઉત્પન્ન કરતું સાધન છે. તેની સાથે તારની ચોરસ ફ્રેમ W´1 W1 જોડેલી છે. આ ફ્રેમની W´1 W2 બાજુ બેલ્ટની નજીક પરંતુ તેનાથી અલગ આવેલી છે. પટ્ટાથી તેને લગભગ 1.25 સેમી. દૂર અને ઊંચા ઋણ વિદ્યુતવિભવે રાખવાથી, તે વિપુલ પ્રમાણમાં મુક્ત ઇલેક્ટ્રૉનનું ઉત્સર્જન કરે છે. તે પટ્ટા ઉપર પથરાઈને તેની સમગ્ર સપાટીને ઋણ વિદ્યુતભારવાળી બનાવે છે. ફોટો-કન્ડક્ટિવ રસાયણ તેના ગુણધર્મ અનુસાર આ ઋણવિદ્યુતભારને જેમનો તેમ સંગ્રહી રાખી, પટ્ટાની સમગ્ર સપાટીને ઋણવિદ્યુતભારવાહી બનાવે છે. નીચેની ધાતુની ગરગડી P2 ભૂમિસંપર્ક પામેલી હોવાથી પટ્ટા ઉપરનો પ્રારંભિક વિદ્યુતવિભવ શૂન્ય છે; અને તાર W´1 W2 નજીકથી પસાર થતો પટ્ટાનો ભાગ ઋણવિદ્યુતભારિત હોય છે. ફોટો-કન્ડક્ટિવ રસાયણના બીજા ગુણધર્મ અનુસાર પટ્ટાની વિદ્યુતભારિત સપાટી ઉપર પ્રકાશ આપાત કરતાં, પ્રકાશતીવ્રતા અનુસાર ત્યાં આગળનો ઋણવિદ્યુતભાર નષ્ટ થાય છે. વિદ્યુતભારિત પટ્ટો સરકતો સરકતો નીચેની તરફ ફ્રેમવર્ક F1 F2 F3 F4 માં આવે ત્યારે તેમાં સમાવિષ્ટ થતા પટ્ટાના D´ ક્ષેત્રફળ જેટલા ભાગ ઉપર લેન્સ L તથા શટર S વડે કોઈ દસ્તાવેજ Dનું તેજસ્વી પ્રતિબિંબ ફોકસ કરવામાં આવે છે. દસ્તાવેજમાંના લખાણના કાળા અક્ષરો તથા શબ્દો અને લીટીઓ વચ્ચેનો ખાલી શ્ર્વેત ભાગ, D´ ઉપર ઓછાવત્તા વિદ્યુતભાર રૂપે નોંધાઈ જાય છે. કાળા અક્ષરોના લખાણ ભાગનો વિદ્યુતભાર જેમનો તેમ રહે છે, જ્યારે શબ્દો અને લીટીઓ વચ્ચેનો શ્વેત ભાગ જ્યાં ફોકસ થાય છે ત્યાં આગળ પટ્ટા D´ ઉપરનો વિદ્યુતભાર નષ્ટ થાય છે.

આકૃતિ 1 : ઝેરૉક્સ મશીનનો સિદ્ધાંત

મૂળ દસ્તાવેજ કે લખાણમાં, લખાણ ઉપરાંત ઓછીવત્તી કાળાશ વડે રચાયેલું કોઈ ચિત્ર હોય તો તે ચિત્ર પણ ઓછાવત્તા વિદ્યુતભારવાળી સપાટી રૂપે અંકિત થાય છે. બેલ્ટ ઉપર મૂળ લખાણ ફોકસ કરવાના સમયને એક્સ્પોઝર સમય કહે છે; તેને લખાણમાંના કાળા તેમજ છાયાવાળા ભાગને અનુરૂપ ઓછોવત્તો રાખી શકાય છે. એક્સ્પોઝ થયેલા બેલ્ટ ઉપર લખાણ તેમજ ચિત્ર ઓછાવત્તા વિદ્યુતભાર રૂપે અંકિત થાય છે. લખાણને પ્રકાશિત કરવા માટે વપરાતા ફોટોગ્રાફિક લૅમ્પ L1 L2 એવા છે કે તેમને વિદ્યુત-સ્રોત સાથે જોડતાં, ફક્ત 1/150 સેકન્ડ પૂરતો જ તેજસ્વી ઝબકારો આપી આપોઆપ બંધ થઈ જાય છે. આવા ફોટો ફ્લૅશ-લૅમ્પ વાપર્યા હોય ત્યારે પ્રકાશના સમયને નિયંત્રિત કરવા માટે શટર Sની જરૂર રહેતી નથી. તેથી મશીનમાં લખાણ માટેની જગ્યાએ લખાણ રાખીને, મશીનને ચાલુ કરતાં ફોટોબેલ્ટ વિદ્યુતભારિત થઈ, F1 F2 F3 F4 આગળ આવે કે તરત જ યોગ્ય ક્ષણે લૅમ્પ L1 L2 પ્રકાશિત થઈ, બેલ્ટને ઍક્સ્પોઝ કરે છે અને ફોટો બેલ્ટ પર ઓછાવત્તા થતા વિદ્યુતભારને અનુરૂપ લખાણની છાપ નોંધાય છે.

આકૃતિ 2 : વ્યવહારુ ઝેરૉક્સ યંત્રની રચના

સરળતા ખાતર આકૃતિ 1માં ફોટો-બેલ્ટને ઊર્ધ્વ સમતલમાં સરકતો દર્શાવેલો છે. સામાન્ય કૅમેરામાં રાખેલી ફોટોગ્રાફિક પ્લેટ ઉપર જે રીતે એક્સ્પોઝરની ક્રિયા થતી હોય છે તે આકૃતિ 1માં દર્શાવી છે. આધુનિક ઝડપી ઝેરૉક્સ મશીનનું યથાતથ સ્વરૂપ આકૃતિ 2માં દર્શાવ્યું છે.

ફોટો-બેલ્ટરોલર R1 R2 R3 R4 R5 ઉપરથી પસાર થતો હોય છે; અને તે અંત વગરનો હોવાથી તીર A વડે દર્શાવેલ દિશામાં સતત ફરતો રહે છે. પટ્ટો સાફ કરતા રોલર R6 આગળથી સાફ થયેલો પટ્ટો પ્રાઇમરી ચાર્જર P આગળ આવતાં, તેની સમગ્ર સપાટી સમાન ઋણ-વિદ્યુતભારિત બની, રોલર R1 ઉપરથી ફ્રેમ F F માં આવે છે. પટ્ટાના ભ્રમણ દરમિયાન તેનો ફ્રેમ F F આગળનો ભાગ જ પ્રતિબિંબ ગ્રહણ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. ઝેરૉક્સ મશીનને કદમાં નાનું બનાવવા માટે લખાણ રાખવાની કાચની તકતી, યંત્રના બંધ આવરણ ઉપર જ કાચની બારી રૂપે હોય છે. ફોટો ફ્લૅશ-લૅમ્પ L1 L2 પ્રકાશિત થઈ, ઝબકારો થાય ત્યારે લખાણનું તેજસ્વી પ્રતિબિંબ, અરીસા M1 M2 તથા લેન્સ સિસ્ટમની મદદથી બેલ્ટના F F ભાગ ઉપર પડે છે. તેની સાથે જ પટ્ટાને ફેરવતી વિદ્યુત મોટર ચાલુ થાય છે અને પટ્ટો એક ચોરસ ડબામાં ગોઠવેલાં બે વર્તુલાકાર બ્રશની સામેથી પસાર થાય છે. ડબા Tને ટોનિંગ-સ્ટેશન કહે છે. તેમાં અમુક ઊંચાઈ સુધી અત્યંત સૂક્ષ્મ કાર્બન-કણ ભરેલા હોય છે. આ કાર્બન-કણ પટ્ટાના ઋણવિદ્યુતભારિત ભાગ ઉપર ચોંટી જાય તેને માટે તેમને ધનવિદ્યુતભારિત કરેલા હોય છે. ફરતા બ્રશના તાંતણા કાર્બન-કણને ફોટો-બેલ્ટ ઉપર પાથરે છે અને પટ્ટા ઉપર જ્યાં ઋણ વિદ્યુતભાર હોય ત્યાં આ કણ ચોંટી જાય છે. પ્રબળ ઋણવિદ્યુતભાર ધરાવતા પટ્ટાના ભાગ ઉપર કાર્બન-કણ વધારે ગાઢા સ્તર રૂપે ચોંટી જાય છે. હવે પટ્ટા ઉપર લખાણ તેમજ તેમાંનું ચિત્ર દેખાવા લાગે છે. રોલર R2માંથી પસાર થયા બાદ પટ્ટો એક વધારાના તેજસ્વી લૅમ્પ L3 આગળથી પસાર થાય છે તેના કારણે પટ્ટા ઉપરનો રહ્યોસહ્યો વિદ્યુતભાર ઊડી જાય છે. ઉપરાંત પટ્ટાની સપાટી ઉપર ચોંટેલા કાર્બન-કણને, ફરતા બ્રશના તાંતણા ખેરવી નાખે છે. હવે બેલ્ટ ઉપર મૂળ લખાણનું શ્યામ-શ્વેત ચિત્ર ઊપસેલું હોય છે જેને કાગળ ઉપર છાપી લઈ કાગળ બહાર કાઢવામાં આવે છે. તેને માટે ABC પેટીમાં રાખેલા કાગળના જથ્થામાંથી, કાગળ બહાર આવી ઇલેક્ટ્રિક મોટર વડે યોગ્ય ઝડપે ફરતો ફરતો રોલર R7, R8, R9, R10, R11 R12, R13, R14, R15, R16, R17 વચ્ચે પકડાઈ બહાર આવે છે. આ પ્રક્રિયા દરમિયાન સૌપ્રથમ R9 ઉપરથી આવતો કાગળ R3 આગળ ફોટો બેલ્ટના સંપર્કમાં આવે છે, જેથી બેલ્ટ ઉપરના કાર્બન-કણ કાગળ ઉપર ચોંટી જઈ લખાણનું ચિત્ર કાગળ ઉપર આવે છે. દબાણ કરતી પટ્ટીની મદદથી ચોંટવાની ક્રિયા બરાબર થાય છે. રોલર R3 ટ્રાન્સફર-ચાર્જર કહેવાય છે. તે કાગળ ઉપર ઋણ વિદ્યુતભાર ઉત્પન્ન કરે તે પ્રમાણે ગોઠવેલું હોવાથી, પટ્ટા ઉપરના ધનવિદ્યુતભારિત કાર્બન-કણ કાગળ સાથે સખત રીતે ચોંટી જવાની ક્રિયા સારી રીતે થાય છે. હવે કાગળ આગળ વધતાં તે, ફોટો-બેલ્ટથી છૂટો પડે છે અને ફ્યૂઝિંગ રોલર તરીકે ઓળખાતા બે રોલર R12 R13 વચ્ચેથી પસાર થાય છે, ત્યાં બંને રોલર વચ્ચે તે દબાય છે. વળી R12-R13 રોલર થોડા ગરમ કરેલા હોવાથી કાર્બનનાં ટોનર રજકણો કાગળ ઉપર સખત રીતે ચોંટી જઈ જરૂરી નકલ આપે છે. કન્વેયર બેલ્ટની મદદથી કાગળ આગળ વધીને મશીનની બહાર આવે તે પહેલાં સ્વયંચાલિત છરી વડે યોગ્ય માપમાં કપાઈને, છાપેલી નકલો બહાર મળે છે.

હવે R3 ઉપરથી આગળ વધતાં ફોટો-બેલ્ટનું છાપ ઉપસાવવાનું કાર્ય પૂરું થયેલું હોવાથી, પ્રબળ લૅમ્પ L4ના પ્રકાશ દ્વારા તેની ઉપરનો રહ્યોસહ્યો વિદ્યુતભાર નષ્ટ કરવામાં આવે છે. રોલર R5, R6 કાર્બન-કણોને દૂર કરી, બીજી વખતના ઉપયોગ માટે ફોટો-બેલ્ટને સાફ કરી વિદ્યુતભારરહિત બનાવે છે; જેથી પટ્ટો ફરીથી પ્રાઇમરી ચાર્જર P આગળ પસાર થઈ ઉપર વર્ણવેલી પ્રક્રિયાનું પુનરાવર્તન થાય છે.

વિશિષ્ટ પ્રકારના ઝેરૉક્સ મશીન વડે રંગીન લખાણ કે ચિત્રની ઝેરૉક્સ નકલ મૂળ રંગમાં જ પ્રાપ્ત થાય છે. મૂળ ચિત્રને પ્લેટની ઉપર મૂકી લૅમ્પ L1L2 આગળ લાલ રંગનું ફિલ્ટર રાખી ઉપર પ્રમાણેની ક્રિયા વડે લાલ રંગની ઝેરૉક્સ નકલ મેળવવામાં આવે છે. તે વખતે ટોનિંગ સ્ટેશન Tમાં લાલ રંગના રજકણો વાપરવામાં આવે છે. ત્યારબાદ લૅમ્પ આગળ લીલા રંગના ફિલ્ટર તથા લીલા રંગના ટોનિંગ કણ વાપરી લીલા રંગની નકલ મેળવવામાં આવે છે. છેવટે વાદળી ફિલ્ટર અને વાદળી રંગના ટોનિંગ કણ વાપરી તેની ઉપર જ વાદળી રંગની નકલ મેળવવામાં આવે છે. લાલ, લીલો અને વાદળી પ્રાથમિક રંગ હોવાથી ઝેરૉક્સ નકલમાં ત્રણે રંગનું યોગ્ય પ્રમાણમાં મિશ્રણ થઈ અસલ રંગો જેવી જ ઝેરોક્સ નકલ મળે છે. રંગીન ઝેરોક્સમાં વારાફરતી લાલ, લીલા અને વાદળી ફિલ્ટર વાપરવાં પડતાં હોઈ આખી ક્રિયા ખાસો સમય માગી લે છે. પ્રતિલિપિના કદમાં વધઘટ કરવાની વ્યવસ્થા પણ કરી શકાય છે.

સૂ. ગિ. દવે