ઝેપલિન (ઝેપેલિન) : બલૂનમાં સુધારાવધારા કરીને બનાવવામાં આવેલું એક પ્રકારનું હવાઈ જહાજ. તેની આંતરિક રચના આકૃતિમાં દર્શાવી છે. 1900માં જ્યારે આજના ઍરોપ્લેનનાં પગરણ હજી થવાનાં હતાં, ત્યારે કાઉન્ટ ફર્ડિનાન્ડ વૉન ઝેપલિને જર્મનીમાં 128 મીટર લાંબું અને 27 કિમી./કલાકની ઝડપવાળું સિગાર-આકારનું અને લંબગોળ LZ-1 નામનું પહેલું ઝેપલિન જહાજ બનાવ્યું. માત્ર ત્રણ મુસાફરી પછી એનું ઉડ્ડયન બંધ કરવું પડ્યું કારણ કે તેમાં સુકાન માટેની બરાબર સગવડ ન હતી તથા તેની ઉડ્ડયનશક્તિ ધાર્યા કરતાં પ્રમાણમાં ઓછી જણાઈ.
આમાં અનેક સુધારાવધારા થતા જ રહ્યા. 1928માં જર્મનીએ સૌથી વધુ સફળ નીવડેલું LZ-127 ગ્રાફ ઝેપલિન બનાવ્યું. 1937થી તે ઊડતું રહ્યું અને 9 વર્ષમાં 16 લાખ કિમી.ના ઉયન દરમિયાન 13,000 પ્રવાસીઓને તેણે મુસાફરી કરાવી. તેની ઝડપ 130 કિમી./કલાક સુધીની હતી.
પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીએ 70 ઝેપલિન જહાજ લડાઈમાં બૉમ્બર તરીકે વાપર્યાં; તેમાંથી 53 જેટલાં નાશ પામ્યાં.
જર્મનીએ બનાવેલા ઝેપલિન જેવું જ હિન્ડેનબર્ગ દુનિયાનું સૌથી મોટું હવાઈ જહાજ હતું. 6 મે, 1937ના રોજ ઉતરાણ કરવા જતાં તેમાંનો હાઇડ્રોજન ગૅસ સળગ્યો અને 97માંથી 35 ઉતારુઓ મૃત્યુ પામ્યા. આ પછી આ પ્રકારનાં હવાઈ જહાજ નાગરિક ઉડ્ડયન માટે બંધ કરી દેવાયાં. ઍરોપ્લેનના વિકાસ પછી તેનો ઉપયોગ નહિવત્ થઈ ગયો છે.
હવે આવાં બલૂન માત્ર વિજ્ઞાપન માટે વપરાય છે.
પ્રકાશ રામચંદ્ર