ઝૂલુ યુદ્ધ : દક્ષિણ આફ્રિકાના પૂર્વ તરફના પ્રદેશ પર આધિપત્ય જમાવવા માટે 1879માં બ્રિટિશ લશ્કર અને તે પ્રદેશના સ્થાનિક ઝૂલુ રાજા વચ્ચે થયેલ સશસ્ત્ર સંઘર્ષ. ઓગણીસમી સદીના આઠમા દશકની શરૂઆતમાં કેટેવૅયો ઝૂલુ પ્રદેશનો રાજા બન્યો. આ સ્થાનિક રાજાએ બ્રિટિશોનું વર્ચસ્વ સ્વીકારવાને બદલે તેમનો સામનો કરવા માટે આશરે 50,000 સૈનિકોનું સશસ્ત્ર દળ ઊભું કર્યું. 1878માં બ્રિટિશોએ તેની સેના વિસર્જિત કરવા તથા ક્ષતિપૂર્તિ કરી આપવા આખરીનામું આપ્યું જેની રાજાએ અવહેલના કરી. 1879માં લૉર્ડ ચેમ્સફર્ડના નેતૃત્વ હેઠળ બ્રિટિશ લશ્કરે ઝૂલુ પ્રદેશ પર આક્રમણ કર્યું, જેનો કેટેવૅયોના સૈનિકોએ મક્કમ સામનો કર્યો. આ સશસ્ત્ર સંઘર્ષના શરૂઆતના તબક્કામાં ઝૂલુ સેનાએ આશરે 800 બ્રિટિશ સૈનિકોની ખુવારી કરી તથા મોટા પાયા પર તેમનાં શસ્ત્રો તથા દારૂગોળો જપ્ત કર્યાં. પરંતુ બ્રિટિશ લશ્કરને કુમક પ્રાપ્ત થતાં ઝૂલુ રાજાએ પલાયન કર્યું. છેવટે જુલાઈ, 1879માં ઝૂલુ રાજાએ બ્રિટિશોની શરણાગતિ સ્વીકારી તેના પરિણામે તેના પ્રદેશ પર અનૌપચારિક બ્રિટિશ શાસન દાખલ કરવામાં આવ્યું. 1897માં આ પ્રદેશ દક્ષિણ આફ્રિકાના બ્રિટિશ હકૂમત હેઠળના નાતાલ પ્રાંતમાં ભેળવી દેવામાં આવ્યો.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે