ઝૂલતી ખીણ (hanging valley) : નદીસંગમવાળી મુખ્ય ખીણ સાથે આવેલી શાખાનદીની ઊંચા તળવાળી ખીણ. શાખાનદીનો મુખ્ય નદી સાથે થતો સંગમ મોટેભાગે સમતલ સપાટી પર થતો હોય છે, પરંતુ જ્યારે મુખ્ય નદી કે હિમનદીના ખીણતળ કરતાં શાખાનદીનું ખીણતળ પ્રમાણમાં ઊંચાઈ પર રહેલું હોય અને ત્યાંથી તેનું પાણી કે હિમજથ્થો મુખ્ય ખીણમાં ઠલવાતો હોય, ઊંચાઈએ રહેલી એ પ્રકારની ખીણને ‘ઝૂલતી ખીણ’ કહે છે. સામાન્ય રીતે હિમાચ્છાદિત પર્વતીય પ્રદેશોમાં ભિન્ન ભિન્ન ઘસારાપ્રમાણને કારણે આવાં ભૂમિસ્વરૂપો તૈયાર થતાં હોય છે. વિશાળ હિમજથ્થા ધરાવતી મોટી હિમનદીઓ તેમનાં તળ જેટલી ઝડપથી ઘસી નાખે એટલી ઝડપથી આજુબાજુમાં રહેલી નાની હિમનદીઓનાં તળ ઘસાતાં હોતાં નથી. પરિણામે આ બે પ્રકારની હિમનદીઓની ખીણોની ઊંચાઈમાં તફાવત પડતો જાય છે. ઊંચાઈએ રહેલી નદીખીણ ઝૂલતી ખીણ તરીકે ઓળખાય છે. ગરમીની મોસમમાં હિમના ઓગળવાથી વહેતું પાણી નીચે રહેલી ખીણમાં ધોધ-સ્વરૂપે પડે છે. હિમનદીની જેમ જ નદીઓમાં પણ આ પ્રકારની સ્થિતિ ઉદભવી શકે છે.
ગિરીશભાઈ પંડ્યા