ઝુનઝુનુ : રાજસ્થાન રાજ્યનો જિલ્લો અને જિલ્લાનું વડું મથક. ભૌગોલિક સ્થાન : 28o 08´ ઉ. અ. અને 75o 24´ પૂ. રે..
પૂર્વ દિશાએ હરિયાણા, વાયવ્ય ખૂણે ચુરુ, પશ્ચિમ અને દક્ષિણે સીકર જિલ્લાઓ આવેલા છે. જિલ્લાના ઉદેપુર, ખેતરી અને ચીરવા ત્રણ તાલુકાઓ છે. જિલ્લાનું ક્ષેત્રફળ 5,928 કિમી. અને વસ્તી 21,39,658 (2011) છે. જિલ્લામાં દર ચોકિમી.દીઠ 800 માણસોની વસ્તી છે. મોટાભાગની વસ્તી ગ્રામવિસ્તારમાં રહે છે.
જિલ્લાનો મોટો ભાગ ડુંગરાળ છે. ડુંગરો અરવલ્લીના ફાંટા છે. ડુંગરોની સામાન્ય ઊંચાઈ 300થી 450 મી. છે. ઊંચામાં ઊંચો ડુંગર લોહગામ પાસે આવેલો છે, જેની ઊંચાઈ 1051 મી. છે. અગ્નિખૂણાનો ભાગ રેતાળ છે. કેટલાક વિસ્તારમાં રેતીના ઢૂવા આવેલા છે, જે ખસતા રહે છે અને તેથી ખેતીને નુકસાન થાય છે.
જિલ્લામાં સૌથી લાંબી કાંતલી નદી ઉત્તરથી દક્ષિણ તરફ વહે છે. દોહન, ચન્દ્રાવતી, સુખનદી તથા લોહગામ પાસેની નદીઓ વહેળા જેવી છે, ચોમાસા સિવાય આ નદીઓમાં પાણી હોતું નથી. ખેતરીથી 11 કિમી. દૂર આવેલ અજિતસાગર બંધના પાણીનો ઉપયોગ સિંચાઈ માટે થાય છે. આ સિવાય સીકરી, કાળા તળાવ અને પોંખ તળાવ નાનાં તળાવો છે.
આ પ્રદેશ અર્ધસૂકો છે. સરેરાશ તાપમાન 42° સે. રહે છે. પણ સૌથી વધુ તાપમાન ક્યારેક 49° સે. થઈ જાય છે. સૌથી ઓછું રાત્રિનું તાપમાન ડિસેમ્બર અને જાન્યુઆરીમાં 12° સે. રહે છે.
જિલ્લામાં બાવળ અને બોરડી જેવાં કાંટાવાળાં વૃક્ષો અને ઘાસનાં બીડો આવેલાં છે. ખીજડો, રોહિડો, લીમડો, પીપળો, વડ ઉપરાંત થોડાં આંબાનાં વૃક્ષો જોવા મળે છે.
જંગલી પશુઓમાં ભુંડ, વાંદરાં, લોંકડી, શિયાળ, જરખ વગેરે છે. પાળેલાં પશુઓમાં ગાય, બળદ, ઘેટાં, બકરાં, ઘોડાં, ઊંટ, ગધેડાં વગેરે છે. મારવાડી ઓલાદનાં ઘેટાંનું ઊન ગાલીચા બનાવવા વપરાય છે.
અહીંની જમીન જોધપુર જેવી રેતાળ છે. કેટલેક સ્થળે રેતીનું પ્રમાણ 60%થી વધુ છે. ડુંગરાળ પ્રદેશની જમીન ઓછી ઉપજાઉ ને હલકી હોય છે. ક્યાંક લોહયુક્ત લાલ માટી પણ જોવા મળે છે.
ક્વાર્ટ્ઝાઇટ, આરસ, શિસ્ટ, ગ્રૅનાઇટ, ફિલાઇટ, કૅલ્સાઇટ અને તાંબું નીકળે છે. ખેતરીની તાંબાની ખાણ જાણીતી છે. આ ઉપરાંત ફ્લોરાઇટ, નિકલ અને ચૂનાના પથ્થરો થોડા પ્રમાણમાં મળે છે.
જિલ્લામાં બાજરી, જુવાર, મગ, મઠ, એરંડા મુખ્ય પાક છે. જ્યાં સિંચાઈની સગવડો છે ત્યાં ઘઉં થાય છે.
લોકોનો મુખ્ય ધંધો ખેતી અને પશુપાલન છે. આ ઉપરાંત ખનન પ્રવૃત્તિ થોડા પ્રમાણમાં છે. ઝુનઝુનુ, ચિડાવા, નવલગઢ, સૂરજગઢ, ખેતરી, પિલાની, બિસાઉ વગેરે વેપારી કેન્દ્રો છે.
જિલ્લા મથક નજીકના ચુરુ, જયપુર, સીકર વગેરે સાથે રાજ્ય અને જિલ્લા માર્ગ દ્વારા જોડાયેલું છે. પાકા રસ્તાઓનું તથા રેલવેનું પ્રમાણ ઓછું છે.
પિલાનીમાં બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી છે. તે સિવાય અન્ય ઉચ્ચશિક્ષણની સંસ્થાઓ પણ આવેલી છે. નવલગઢમાં પણ કૉલેજ છે. રાણી સતી, રામદેવજી, નોહાપીર વગેરેના મેળા ભરાય છે. ખેતરીમાં જૂનો કિલ્લો અને મહેલ જોવાલાયક છે.
આઝાદી પછી ખેતરી, બીસો, નવલગઢ, મંડાવા અને ઉદયપુરવટીની જાગીરો મળીને આ જિલ્લો બન્યો. તે પૂર્વે આ સમગ્ર પ્રદેશ જયપુર રાજ્યનો ભાગ હતો. શહેરની વસ્તા 1,18,473 (2011) છે.
શંકરલાલ ત્રિવેદી