ઝુનઝુનવાલા, રાકેશ

June, 2026

ઝુનઝુનવાલા, રાકેશ (. 5 જુલાઈ, 1960, હૈદરાબાદ; અ. 14 ઑગસ્ટ, 2022, મુંબઈ) : ‘ભારતીય વૉરેન બફેટ’ અને ‘દલાલ સ્ટ્રીટના નવા બિગબુલ’ તરીકે પ્રસિદ્ધ, અબજોપતિ રોકાણકાર, સ્ટૉક ટ્રેડર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. 1985માં રૂ. 5,000ના રોકાણ સાથે દલાલ સ્ટ્રીટની સફર શરૂ કરનાર ઝુનઝુનવાલાનું અવસાન થયું તે સમયે તેમના પૉર્ટફોલિયોનું મૂલ્ય 5.8 અબજ ડૉલર એટલે કે અંદાજે 50,000 કરોડ રૂપિયાથી વધારે હતું.

મારવાડી અગ્રવાલ પરિવારમાં જન્મ અને પૂર્વજોનું મૂળ રાજસ્થાનના ઝૂનઝૂનમાં હોવાથી તેઓ ઝુનઝુનવાલા કહેવાયા. પિતા રાધેશ્યામજી ઝુનઝુનવાલા સરકારી આવકવેરા અધિકારી અને માતા ઊર્મિલા ઝુનઝુનવાલા ગૃહિણી. જન્મ સમયે પિતા હૈદરાબાદમાં આવકવેરા અધિકારી તરીકે કાર્યરત, પરંતુ જન્મનાં બે વર્ષ પછી પિતાની બદલી મુંબઈ થતાં પરિવાર કાયમ માટે ત્યાં સ્થાયી થયો હતો. 1985માં મુંબઈમાંથી સીડેનહાન કૉલેજમાંથી સ્નાતકની પદવી મેળવનાર ઝુનઝુનવાલાએ બીજા જ વર્ષે 1986માં ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયામાંથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની ડિગ્રી મેળવી હતી. મોટા ભાઈ રાજેશ પણ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ હતા અને પ્રૅક્ટિસ કરતા હતા, પરંતુ રાકેશ કૉલેજકાળથી દલાલ સ્ટ્રીટ તરફ આકર્ષાયા હતા.

દલાલ સ્ટ્રીટમાં ઝંપલાવાનો નિર્ણય કર્યો એ સમયે પિતાએ બે સલાહ આપી હતી – એક, અખબારોનો નિયમિત અભ્યાસ કરવો, કારણ કે દેશવિદેશમાં બનતી ઘટનાઓથી જ શૅરબજારમાં વધઘટ થાય છે. બે, શૅરબજારમાં રોકાણ કરવા કોઈની પાસેથી રૂપિયા ઉછીના ન લેવા, સગા બાપ પાસેથી પણ નહીં. જોકે, પોતાના પિતા કે કુટુંબીજનો પાસેથી રૂપિયા ઉછીના ન લેનાર ઝુનઝુનવાલાએ પોતાના મોટા ભાઈના ક્લાયન્ટ પાસેથી રૂ. 5,000 ઉછીના લઈને 1985માં સ્ટૉક માર્કેટમાં પ્રવેશ કર્યો હતો. તેમાંથી તેમને ઉધાર આપનાર લોકોને બૅંકના ફિક્સ્ડ ડિપૉઝિટથી વધારે વળતર આપ્યું હતું. ઝુનઝુનવાલાએ શૅરબજારમાં પ્રવેશ કર્યો હતો એ સમયે સેન્સેક્સ 150 પૉઇન્ટ હતો.

શૅરબજારમાં સૌપ્રથમ મોટી સફળતા ઝુનઝુનવાલાને 1986માં મળી હતી. તાતા ગ્રૂપની કંપની તાતા ટીમના 5000 શૅરની ખરીદી રૂ. 43માં કરીને ત્રણ મહિના પછી કંપનીનો શૅર વધીને રૂ. 143ના ભાવે પહોંચ્યો એ સમયે ઝુનઝુનવાલાએ ત્રણ ગણાથી વધારે નફો કરીને પહેલી વાર મોટી સફળતાનો સ્વાદ ચાખ્યો હતો. દલાલ સ્ટ્રીટમાં પ્રવેશ કર્યાના પ્રથમ ત્રણ જ વર્ષમાં ઝુનઝુનવાલાએ 20થી 25 લાખ રૂપિયાની કમાણી કરી હતી.

યુવાવસ્થામાં હર્ષદ મહેતા બનવાનું સ્વપ્ન સેવતા ઝુનઝુનવાલા ડીમાર્ટના માલિક રાધાક્રિષ્ન દામાણીને પોતાના ગુરુ માનતા હતા. હકીકતમાં શૅરબજારમાં હર્ષદ મહેતાપ્રેરિત તેજીના તોખારમાં ઝુનઝુનવાલાએ શૉર્ટ સેલિંગ કરીને તગડી કમાણી કરી હતી. ત્યાર બાદ તેમણે તેમની પત્ની રેખા ઝુનઝુનવાલા સાથે રેર એન્ટરપ્રાઇઝ નામની પ્રાઇવેટ ઇક્વિટી કંપનીની સ્થાપના કરી હતી. રાકેશમાંથી ‘રા-Ra’ અને રેખામાંથી ‘રે-Re’ લઈને ‘RaRe’ નામ નક્કી કર્યું હતું. આ કંપનીના પૉર્ટફોલિયોમાં ટાઇટન, ક્રિસિલ, સેસાગોવા (વેદાન્તા), ઓરોબિન્દો ફાર્મા અને એનસીસી જેવી કંપનીઓના શૅર મોટી સંખ્યામાં સામેલ છે. વર્ષ 2008માં વૈશ્વિક મંદી સમયે ઝુનઝુનવાલાના પૉર્ટફોલિયોનું મૂલ્ય 30 ટકા ઘટી ગયું હતું, પરંતુ વર્ષ 2012 સુધીમાં નુકસાન સરભર થઈ ગયું હતું.

14  ઑગસ્ટ, 2022ના રોજ બીમાર પડવાથી ઝુનઝુનવાલાને મુંબઈમાં બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં સારવાર માટે ભરતી કરવામાં આવ્યા હતા, જ્યાં અંદાજે સવારે સાડા છ વાગે તેમનું અવસાન થયું હતું. મૃત્યુ માટે ડૉક્ટરોએ કિડની સાથે સંબંધિત સમસ્યાઓ અને શરીરનાં વિવિધ અંગોની એકસાથે નિષ્ક્રિયતાને જવાબદાર ગણાવી હતી. મરણોપરાંત વર્ષ 2023માં ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી એનાયત થયો હતો.

પોતાની 25 ટકા સંપત્તિનું દાન કરવાની યોજના ધરાવતા ઝુનઝુનવાલાએ કૅન્સરગ્રસ્ત બાળકોને આશ્રય આપતી સંસ્થા સેન્ડ જ્યુડ, અગસ્ત્ય ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન તથા યૌનશોષણ પર બાળકો વચ્ચે જાગૃતિ લાવવામાં મદદ કરતી અર્પણ સંસ્થાને દાન કર્યું હતું. ઉપરાંત, અશોક યુનિવર્સિટી, ફ્રૅન્ડ્સ ઑફ ટ્રાઇબલ્સ સોસાયટી અને ઑલિમ્પિક ગોલ્ડ ક્વેસ્ટ નામની સંસ્થાઓને દાન કરીને ઝુનઝુનવાલાએ વંચિત સમુદાયોના ઉત્થાન અને વિકાસ માટે પણ સારી એવી સંપત્તિનું દાન કર્યું હતું.

કેયૂર કોટક