ઝીલ : દ્વિદળી વર્ગના ફેબેસી કુળ(ઉપકુળ પેપિલિયોનૉઇડી)ની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Indigofera oblongifolia forsk, syn. I. paucifolia Delile (સં. ઝિલ્લ, મૃદુપત્રક, નીલ, મ. મુરકુટ, ઝિલ્લ, હિં. ઝીલ) છે. તે કાષ્ઠમય શાખિત ઉપક્ષુપ છે અને 1.2–1.8 મી સુધી ઊંચી થાય છે. તે ભારતમાં બધે જ થાય છે. તે ખરાબાવાળી જમીનમાં પણ ઊગે છે. પર્ણો રજતાભ-જીર્ણપર્ણી (argenteo-canescent) હોય છે. પર્ણિકાઓ 3-7 લંબચોરસ કે પ્રતિભાલાકાર (oblanceolate) હોય છે. પુષ્પો નાનાં, પતંગિયાકાર અને ચમકીલાં લાલ હોય છે તથા રોમિલ દલપુંજ ધરાવે છે. ફળ શિંબ (legume) પ્રકારનું, નીલાભ (glaucous) અને સ્પષ્ટપણે મણકામય (torulose) હોય છે.
તે ઘેટાં તથા ઊંટ માટે સારો ચારો ગણાય છે. દક્ષિણ ભારતમાં પંકિલ ભૂમિઓ માટે તેનો લીલા ખાતર તરીકે ઉપયોગ થાય છે.
આ વનસ્પતિ સિફિલિસરોધી (antisyphilitic) છે. તેનાં મૂળ શીતળ હોય છે. તે ક્ષુધા-સુધારક અને વાતરક્તનાશક છે તથા આમવાત (rheumatism) મટાડે છે. દૂધ સાથે ઉકાળી તેનો રેચક તરીકે ઉપયોગ થાય છે. વનસ્પતિના બધા ભાગો યકૃત અને બરોળના વિવર્ધન(enlargement)માં ઉપયોગી છે. પારાની દવા ખાવાથી થયેલ મુખપાક ઝીલનાં પાન ચાવીને ખાવાથી મટે છે. તેના પાનની લુગદી જખમ રૂઝવે છે. તેના પાનમાં મેંદીના પાન ઉમેરી વાળ પર લગાડવાથી વાળને કલપ ચડે છે. તેના પાનનો રસ ઝાડા અને સંગ્રહણી મટાડે છે. તેનો ઉકાળો પેશાબ સાફ લાવે છે. તેનાં બીજ પૌષ્ટિક હોય છે. પાનનું ચૂર્ણ ગોળ સાથે લેવાથી દમ-ઉધરસ મટે છે. તેના પ્રકાંડનો ઉપયોગ દાતણ કરવામાં થાય છે.
બળદેવપ્રસાદ પનારા
બળદેવભાઈ પટેલ