ઝીપટો : દ્વિદળી વર્ગના ટીલિયેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Triumfetta rotundifolia Lam. (સં. ઝિંઝિટા, હિં. ચીકટી, છીરછીટા; મ. ઝિંઝરૂટ, ઝિંજુડી, ગુ.ઝીપટો, ભરવાડો, ગાડર) છે. તે નાની ઉપક્ષુપ (undershrub) 45થી માંડી 90-105 સેમી. ઊંચી વનસ્પતિ છે અને ભારતમાં લગભગ બધે જ થાય છે. પર્ણો સાદાં એકાંતરિત 3-5 શિરાઓ ધરાવતાં, વર્તુલાકાર, જાડાં, ખરસટ, 1.25 સેમી.થી માંડી 2.5-3.75 સેમી. લાંબાં અને લગભગ તેટલાં જ પહોળાં હોય છે. તેમની ઉપરની સપાટી વધારે ઘેરી લીલી અને નીચેની સપાટી આછી લીલી; પર્ણદલનો નીચેનો ભાગ ગોળ તથા પર્ણકિનારી દંતુર (toothed) હોય છે. પર્ણની બંને સપાટીએ તારાકાર રોમ હોય છે. પર્ણદંડ 1.25 સેમી. થી 2.5-3.0 સેમી. લાંબો હોય છે. ઉપપર્ણો (stipules) ત્રિકોણાકાર હોય છે. પુષ્પો ઝૂમખાંમાં બેસે છે. પ્રત્યેક ઝૂમખામાં 2-8 પીળા રંગનાં પુષ્પો હોય છે. ફળ ચણા જેવડું  તપખીરિયા રંગનું, અંડાકાર અને સફેદ રોમયુક્ત તથા પ્રાવર (capsule) પ્રકારનું હોય છે. તે અણીદાર વાંકા કાંટા (અંકુશ) ધરાવે છે. ફળમાં ભાગ્યે જ એક કરતાં વધારે બીજ હોય છે. બીજ 0.6 સેમી. જેટલાં લાંબાં, રતાશ પડતાં અને લીસાં હોય છે. ફળ ઘેટાની રુવાંટી સાથે ચોંટી જાય છે અને ઊનની ગુણવત્તામાં ઘટાડો કરે છે.

તેનાં બીજ લગભગ 8.2 % પીળું મેદીય તેલ ઉત્પન્ન કરે છે. છોડનો ઉપયોગ શામક (demulcent) તરીકે થાય છે.

આયુર્વેદ અનુસાર, તે તૂરો, તીખો, શીતળ, વૃષ્ય, બલપ્રદ, ધાવણ વધારનાર, રક્તાતિસાર મટાડનાર, તૃપ્તિકર, તરતના જખમને રૂઝવનાર તથા પરમિયાનો દાહ, ઉપદંશ, કૂતરાનું વિષ તથા નાભિગ્રંથિની ગાંઠ મટાડનારો છે. તે બળદની ખાંધનો સોજો મટાડે છે. તેનાં મૂળ પૌષ્ટિક ગણાય છે. કેટલાક ઝીપટાને વજ્રદંતી (દાંત મજબૂત બનાવનાર) પણ કહે છે.

ઝીપટોનો છોડ

કેટલાંક પુસ્તકો (દા.ત., The Wealth of India અને ‘આર્યભિષક્’)માં T. rhomboideaનો ‘ઝીપટા’ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ આ જાતિ ક્ષુપ (shrub) સ્વરૂપ ધરાવે છે. પુષ્પવિન્યાસ પર્ણની સામે ગોઠવાયેલો પરિમિત (cyme) પ્રકારનો અને પુષ્પમાં 8-15 પુંકેસરો હોય છે. T.rotundifoliaમાં પુષ્પવિન્યાસ અંતરાયિત (interrupte) કલગી (raceme) પ્રકારનો અને પુષ્પમાં 15-25 પુંકેસરો હોય છે. જોકે બંને ઔષધીય ગુણધર્મો સરખા ધરાવે છે.

પ્રકાંડની આંતરછાલ મૃદુ અને ચમકદાર રેસાઓ (સૌથી સારા રેસાની સરેરાશ લંબાઈ 2.027 મિમી, વ્યાસ 0.016 મિમી.) ઉત્પન્ન કરે છે. રેસાનો ઉપયોગ શણની અવેજીમાં થાય છે. રેસાનું ઉત્પાદન પ્રતિહેક્ટરે 500-800 કિગ્રા. જેટલું થાય છે. પ્રકાંડ વજનથી આશરે 3.5 % રેસા ધરાવે છે. પ્રકાંડને વહેતા કે સ્થિર પાણીમાં કોહડાવવામાં આવે છે અથવા પ્રકાંડમાંથી રેસાઓ પ્રાપ્ત કરવા બેથી ત્રણ સાંકડી પટ્ટીઓ ઉતારી આ પટ્ટીઓમાંથી ચપ્પા વડે વધારાનું દ્રવ્ય દૂર કરવામાં આવે છે. આ પટ્ટીઓમાંથી માછલી માટેની  શિકાર માટેની  જાળ તથા દોરડાં બનાવવામાં આવે છે. કેટલીક વાર જંગલી હાથીઓ પકડવા આ દોરડાંઓનો ઉપયોગ થાય છે.

મૂળ મરડામાં તથા છાલ અને તાજાં પર્ણો અતિસાર(diarrhoea)માં ઉપયોગી છે. વાટેલાં મૂળ આંતરડાના ચાંદામાં અને ગરમ આસવ પ્રસવ ઝડપથી કરાવવા માટે આપવામાં આવે છે. પર્ણો અને પુષ્પોનો ઉપયોગ કૃષ્ઠ (કોઢ) રોગમાં થાય છે.

દુકાળ સમયે છોડ શાકભાજી તરીકે વપરાય છે. તે 17.5 % જેટલું પર્ણ-પ્રોટીન ધરાવે છે. પર્ણો શ્લેષ્મી હોય છે. તેમનો ઉપયોગ ઢોરોને ખવડાવવામાં થાય છે.

બળદેવપ્રસાદ પનારા

બળદેવભાઈ પટેલ