ઝીંઝણી : ઢાલપક્ષ (coleoptera) શ્રેણીનો કુકુજિડી કુળનો એક કીટક. વૈજ્ઞાનિક નામ Orzaphilus surinamensis છે. તેના વક્ષની બાજુની બંને ધાર પર કરવતના જેવા કાકર હોવાથી તે સૉ-ટુથેડ ગ્રેઇન બીટલ તરીકે ઓળખાય છે. સૌપ્રથમ 1767માં આ કીટક નોંધાયો. પુખ્ત કીટક બદામી રંગનો, સાંકડો, ચપટો અને 2થી 3 મિમી. લાંબો હોય છે. આ કીટક ઊડી શકતો નથી, પરંતુ ખૂબ જ ચપળ હોય છે. ઇયળ લાંબી, પાછળના ભાગેથી અણીદાર, સફેદ રંગની, બદામી માથાવાળી અને શરીર પર વાળના પટ્ટાવાળી હોય છે. માદા કીટક સફેદ રંગનાં આશરે 50થી 290 જેટલાં છૂટાંછવાયાં ઈંડાં મૂકે છે. ઈંડા-અવસ્થા 3થી 5 દિવસની હોય છે. ઇયળ-અવસ્થા 3થી 4 અઠવાડિયાંમાં પુખ્ત બનતાં ભાંગેલા દાણાને ચીકણા પદાર્થોથી જોડીને કવચ બનાવી કોશેટામાં પરિણમે છે. કોશેટા-અવસ્થા 7થી 20 દિવસની હોય છે. પુખ્ત કીટક 6થી 10 માસ જીવે છે.
પુખ્ત અને ઇયળ-અવસ્થા અનાજ, લોટ, મેંદો, બિસ્કિટ, દ્રાક્ષ, મગફળી, કાજુ, તમાકુ, છીંકણી, સૂકા માંસના પદાર્થો, સૂકો મેવો વગેરેને નુકસાન કરે છે. આ જીવાત આખા દાણાને નુકસાન કરી શકતી નથી પરંતુ અન્ય કીટકોના ઉપદ્રવથી નુકસાન પામેલ દાણાનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તેથી તેને ગૌણ જીવાત (secondary pest) તરીકે ઓળખવામાં આવે છે.
પરબતભાઈ ખી. બોરડ
ધીરુભાઈ મનજીભાઈ કોરાટ