ઝિયા, ખાલિદા (જ. 15 ઑગસ્ટ 1945, નોઆખલી) : બાંગ્લાદેશનાં વડાંપ્રધાન. શાલેય કક્ષા સુધીનો અભ્યાસ કર્યા બાદ 1958માં લશ્કરના સૈનિક ઝિયાઉર રહેમાન સાથે તેમનાં લગ્ન થયાં. ઝિયાઉર રહેમાને 1976માં લશ્કરી બળવા દ્વારા સત્તા હાંસલ કરી અને 1977માં તેઓ બાંગ્લાદેશના પ્રમુખ બન્યા. 1981માં તેમની હત્યા બાદ તેમનાં પત્ની ખાલિદા રાજકારણમાં પ્રવેશ્યાં. 1984થી તેઓ ઝિયાઉર રહેમાન દ્વારા સ્થાપિત બાંગ્લાદેશ નૅશનલ પાર્ટીનાં નેત્રી બન્યાં. જનરલ ઇર્શાદના શાસન હેઠળ તેમણે ઘણી વાર જેલ વેઠી. 1990માં તેમણે જનરલ ઇર્શાદના ભ્રષ્ટ શાસન વિરુદ્ધ જનઆંદોલન છેડ્યું. આથી બાંગ્લાદેશમાં ચૂંટણીઓ યોજવાનો કાર્યક્રમ નક્કી થયો. ડિસેમ્બર, 1990માં ચૂંટણીઓ યોજાઈ અને તેમનો પક્ષ વિજેતા બન્યો. ડિસેમ્બરની આ ચૂંટણીમાં તેઓ પાંચ વિવિધ વિસ્તારોમાંથી ચૂંટણી લડ્યાં અને પાંચેય બેઠકો પર વિજયી નીવડ્યાં. માર્ચ, 1991માં તેઓ બાંગ્લાદેશનાં નવમા અને પ્રથમ મહિલા વડાંપ્રધાન બન્યાં.
વડાંપ્રધાન તરીકેના પાંચ વર્ષના શાસનકાળ દરમિયાન લોકપૃચ્છા દ્વારા પ્રમુખની સત્તાઓ પર કાપ મૂક્યો અને સંસદીય પદ્ધતિને મજબૂત બનાવી. આ લોકપૃચ્છામાં 84 ટકા લોકોએ સંસદીય પદ્ધતિની તરફેણ કરી હતી. ભ્રષ્ટાચારી ઇર્શાદ વિરુદ્ધ ડિસેમ્બર, 1994થી તેમણે વ્યાપક અભિયાન છેડ્યું, વિરોધપક્ષોએ સંસદનો બહિષ્કાર કર્યો. 1996માં ચૂંટણીઓ જાહેર કરવામાં આવી. આ ચૂંટણીમાં તેમની બાંગ્લાદેશ નૅશનલ પાર્ટી પરાજિત થઈ અને અવામી લીગને બહુમતી મળતાં તેમણે વડાંપ્રધાનપદનો હોદ્દો છોડ્યો. ઑક્ટોબર, 2001ની ચૂંટણીમાં તેમની બાંગ્લાદેશ નૅશનલ પાર્ટીનો પ્રચંડ બહુમતી સાથે વિજય થતાં તેઓ હાલ બાંગ્લાદેશનાં વડાંપ્રધાનપદે આવ્યાં છે.
આ સરકારની મુદ્દત 29 ઑક્ટોબર, 2006માં પૂરી થઈ. પછી સપ્ટેમ્બરના અંતમાં 2007માં રખેવાળ (caretaker) સરકાર તેમના નેતૃત્વ હેઠળ રચવામાં આવેલી. ડિસેમ્બર, 2008ની ચૂંટણીઓને અંતે અવામી લીગને બહુમતી મળી. તેથી અવામી લીગ અને તેના સાથી પક્ષોએ મળી સરકારની રચના કરી ત્યારે હસીના શેખ વડાપ્રધાન બન્યા. 1991-96, 2001-06 તેઓ વડાપ્રધાન-પદ પર હતા. વધુમાં તેઓ બાંગ્લાદેશની રખેવાળ સરકારના વડા પણ હતા.
2012માં તેમણે ભારતની સાઉદી અરેબિયાની અને ચીનની મુલાકાત લીધી હતી. મે, 2011માં ન્યુ જર્સી (અમેરિકા) રાજ્યની સેનેટને તેમને ‘ફાઇટર ફોર ડેમોક્રેસી’ના બહુમાનથી નવાજ્યા હતા. ન્યુ જર્સી રાજ્યએ પ્રથમ વાર આ પ્રકારના સન્માનનો પ્રયોગ કર્યો હતો.
વાસ્તવમાં 15 ઑગસ્ટ તેમનો જન્મદિન મનાય છે; પરંતુ શાલેય પ્રમાણપત્ર અનુસાર 9 ઑગસ્ટ, 5 ઑગસ્ટ લગ્નના પ્રમાણપત્ર અને 19 ઑગસ્ટ તેમના પાસપોર્ટ અનુસારની જન્મતારીખો છે.
રક્ષા મ. વ્યાસ