ઝિગ્લર, કાર્લ (જ. 26 નવેમ્બર 1898, હેલ્સા, જર્મની; અ. 12 ઑગસ્ટ 1973, મ્યૂલહાઇમ, જર્મની) : રસાયણશાસ્ત્રનો 1963નો નોબેલ પુરસ્કાર ગુલિયો નાટ્ટા સાથે સંયુક્તપણે મેળવનાર જર્મન રસાયણશાસ્ત્રી. આ ઇનામ તેમને બહુલક પ્લાસ્ટિકનાં રસાયણ તથા ટૅકનૉલૉજીના વિકાસ માટે મળેલું. કાર્લના પિતા લ્યૂથરપંથી પાદરી હતા.
ઝિગ્લરે 1923માં માર્બર્ગ યુનિ.માંથી પીએચ.ડી.ની પદવી મેળવ્યા બાદ હાઇડલબર્ગ તથા હાલેમાં શૈક્ષણિક કાર્ય કર્યું. 1943માં તેઓ મૅક્સ પ્લૅન્ક ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર નિમાયા. રબરના સંશ્ર્લેષણમાં થતી પ્રક્રિયાઓ તેમણે સૌપ્રથમ 1928માં સમજાવી. લિથિયમનાં કાર્બનિક સંયોજનો ઉપરના તેમના સંશોધને ગ્રીન્યાર પ્રક્રિયકો કરતાં વધુ સક્રિય સંયોજનો મેળવી આપ્યાં. ચક્રીય કાર્બનિક સંયોજનો ઉપરનું તેમનું સંશોધન કૃત્રિમ કસ્તૂરી બનાવવામાં ઉપયોગી નીવડ્યું છે.

કાર્લ ઝિગ્લર
બીજા વિશ્વયુદ્ધ પછી તેમણે તેમનું સંશોધન કાર્બ-ઍલ્યુમિનિયમ સંયોજનો ઉપર કેન્દ્રિત કર્યું. કાર્બનની શૃંખલાને ઍલ્યુમિનિયમ પરમાણુ સાથે જોડવાના તેમના પ્રયત્નો (1953) દરમિયાન તેમણે ઇથિલીનનું 1-બ્યુટિનમાં પરિવર્તન કર્યું. આ શોધ આગળ વધારતાં હાઇડ્રોકાર્બનનાં લાંબી શૃંખલારૂપનાં બહુલકો બનાવવામાં ઉપયોગી નીવડી. તેમણે શોધી કાઢ્યું કે ઝિર્કોનિયમ એસિટિલ એસિટોનેટને ટ્રાઇઇથાઇલ ઍલ્યુમિનિયમમાં ઉમેરતાં ખૂબ ઊંચા અણુભારવાળું પૉલિઇથિલીન મળે છે. ટ્રાઇઆલ્કીલ ઍલ્યુમિનિયમ અને ટાઇટેનિયમ ક્લોરાઇડનો સંયોગ એટલો બધો ક્રિયાશીલ હતો કે ઇથિલીનનું પરિવેશી (ambient) તાપમાને તથા દબાણે દ્રાવકની હાજરીમાં બહુલીકરણ થઈ શક્યું.
આ સંશોધન દ્વારા તેમને નવાં ઉદ્દીપકો મળ્યાં, જે ઇથિલીનના તથા બ્યુટેડિયેનનાં દીર્ઘ શૃંખલાયુક્ત બહુલકો બનાવવામાં અતિ ઉપયોગી નીવડ્યાં.
ઝિગ્લરના સંશોધનને લીધે જ સંશ્લિષ્ટ પ્લાસ્ટિક, રેસાઓ, રબર તથા ફિલ્મ બનાવવાના ક્ષેત્રે ક્રાંતિકારી ફેરફારો થયા.
સંશોધનમાંથી તેમણે વ્યવસાયી તરીકે સારી કમાણી કરી અને મૅક્સ પ્લૅન્ક (કૈસર વિલ્હેમ) ઇન્સ્ટિટ્યૂટ(મ્યૂલહાઇમ)ને ઝિગ્લરફંડ તરીકે 4 કરોડ માર્ક આપવા ઉપરાંત ઝિગ્લર પૉલિઇથિલીન પ્રક્રિયા દ્વારા મળતી રૉયલ્ટીમાંથી આ ફંડને અવારનવાર મદદ કરતા રહ્યા.
જગદીશ જ. ત્રિવેદી