ઝિગમૉન્ડી, રિચાર્ડ ઍડૉલ્ફ

January, 2014

ઝિગમૉન્ડી, રિચાર્ડ ઍડૉલ્ફ (જ. 1 એપ્રિલ 1865, વિયેના ઑસ્ટ્રિયા; અ. 24 સપ્ટેમ્બર 1929, ગોટિન્જન, જર્મની) : આધુનિક કલિલ રસાયણમાં પાયારૂપ એવી કલિલ (colloid) દ્રાવણોની વિષમાંગ પ્રકૃતિ તેમજ એ દ્રાવણોના અભ્યાસ માટેની રીતો શોધી આપવા બદલ 1925ના વર્ષનું રસાયણશાસ્ત્રનું નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર ઑસ્ટ્રિયન રસાયણશાસ્ત્રી.

તેમના પિતા ઍડૉલ્ફ ઝિગમૉન્ડી દંતવિદ્યાના વિશારદ હતા. તેમણે વાઢકાપનાં ઘણાં સાધનોની શોધ કરી હતી અને અનેક વૈજ્ઞાનિક તથા વૈદકીય (medicinal) સંશોધનપત્રો પ્રસિદ્ધ કર્યાં હતાં. તેઓ ઇચ્છતા હતા કે તેમનાં બાળકો પણ પ્રાકૃતિક વિજ્ઞાનમાં ઊંડો રસ લે. ઝિગમૉન્ડીની ઉંમર 15 વર્ષની હતી ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. યુવાનવયે જ ઝિગમૉન્ડીને રસાયણશાસ્ત્રમાં રસ જાગ્યો હતો અને તેમણે પોતાને ઘેર જ પ્રયોગશાળા વિકસાવી પ્રયોગો કરવા માંડેલા.

રિચાર્ડ ઍડૉલ્ફ ઝિગમૉન્ડી

મ્યૂનિક યુનિવર્સિટીમાંથી 1889માં પીએચ.ડી. પદવી પ્રાપ્ત કર્યા પછી તેમણે બર્લિનમાં સંશોધનકાર્ય કર્યું અને 1893માં ઑસ્ટ્રિયાની યુનિવર્સિટી ઑવ્ ગ્રેઝની વિજ્ઞાન-વિદ્યાશાખામાં જોડાયા. ત્યાર બાદ તેઓ જેના (Jena)  ખાતે સ્કૉટ અને જેનોસનના કાચના કારખાનામાં જોડાયા અને 1900 સુધી ત્યાં જ રહ્યા. આ દરમિયાન તેમણે રંગીન અને ઝાંખા કાચનો અભ્યાસ કરીને પ્રખ્યાત ‘જેના દૂધિયા’ કાચની શોધ કરી. 1897માં તેમણે માણેક (ruby) જેવા કાચમાંના કલિલીય સોના ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું અને સોનાનું કલિલીય દ્રાવણ શોધ્યું. તેમણે જણાવ્યું કે કલિલીય કણો દ્વારા થતા પ્રકાશના વિખેરણ(scattering)ના અભ્યાસની મદદ વડે દ્રવ્યની કલિલીય અવસ્થા સંબંધી ઘણું જાણી શકાય. આ માટે તેમણે અને હેન્રિક સિન્ડેન્ટૉફે અલ્ટ્રામાઇક્રોસ્કોપની શોધ કરી (1903) અને બ્રાઉનિયન ગતિ સહિત કલિલીય કણોને લગતી કેટલીક બાબતોનો અભ્યાસ કર્યો. અલ્ટ્રામાઇક્રોસ્કોપની મદદથી કલિલી કણોને પ્રકાશનાં બિંદુઓ તરીકે જોવાનું શક્ય બન્યું. કલિલી દ્રાવણોના અભ્યાસ દ્વારા તેઓ આવા કણોના આમાપ (Sizes) મેળવી શક્યા અને તારણ કાઢ્યું કે એ કણો સ્થિરવૈદ્યુત (electrostatic) વીજભારને કારણે અલગ રહે છે.

વૈજ્ઞાનિક શોધખોળમાં વધુ સમય આપવા તેમણે કારખાનું છોડી દીધું અને 1907માં ગોટિન્જન યુનિવર્સિટીના ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇનૉર્ગેનિક કેમિસ્ટ્રીમાં પ્રાધ્યાપક અને નિયામક તરીકે જોડાયા અને 1908થી 1929 સુધી ત્યાં જ રહ્યા. 1925માં તેમને નોબેલ પુરસ્કાર  પ્રાપ્ત થયો. તેમના સંશોધને આધુનિક કલિલ-રસાયણનો પાયો નાખ્યો છે અને સોલ્સ (Sols), ઘટરસો (જેલ્સ gels), ધુમ્રો (Smokes), ધુમ્મસો (fogs), અને ફીણો (foams)ના અભ્યાસને વિકસાવવામાં મદદ કરી છે. તેમનું કાર્ય જૈવરસાયણ અને જીવાણુશાસ્ત્રમાં ઘણું મદદરૂપ નીવડ્યું છે.

1903માં તેમણે પ્રો. વિલ્હેમ મૂલરનાં પુત્રી લૉરા લ્યૂસી સાથે લગ્ન કર્યાં હતાં.

જ. દા. તલાટી