ઝાલા, ગોકુળજી (જ. 1824; અ. 1878) : જૂનાગઢના નવાબ મહબતખાન બીજાના (1851-82) દીવાન તથા વેદાંતના પ્રખર અભ્યાસી. જૂનાગઢના વડનગરા નાગર. નવાબ મહબતખાન બીજાની સગીર વય દરમિયાન અંગ્રેજ અધિકારી કૉલસન અને ઝાલા રીજન્સી કાઉન્સિલના સભ્યો હતા.
તે ડુંગરશી દેવશીના રાજીનામા બાદ જૂનાગઢના દીવાન બન્યા. તેમણે રાજમાતા નજુબીબીના હસ્તક્ષેપને અવગણીને જૂનાગઢ રાજ્યનો કારભાર વ્યવસ્થિત કરી સુધારા દાખલ કર્યા. તેમણે સ્વતંત્ર ન્યાય કચેરીની સ્થાપના કરી સમગ્ર રાજ્યના વહીવટને 20 ખાતાંમાં વહેંચી દીધો. તેમણે જૂનાગઢ રાજ્ય આસપાસનાં રાજ્યો સાથેની સરહદી તકરારોનો ટ્રિબ્યૂનલ દ્વારા નિકાલ કર્યો અને રાજ્યમાં એકહથ્થું આપખુદ તંત્રને બદલે કાયદાનું શાસન સ્થાપ્યું. જોધો માણેક તથા મૂળુ માણેક જેવા બહારવટિયાઓને ગીરમાંથી દૂર કર્યા. રાજ્ય તરફથી દીવાનશાહી કોરી, દોકડા અને સોનાની કોરીનું ચલણ બહાર પાડ્યું. તેમણે સમગ્ર રાજ્યની કાયાપલટ કરી.
ગોકુળજીએ ‘પંચદશી’, ‘વેદાંતપરિભાષા’, ઉપનિષદો, બ્રહ્મસૂત્ર વગેરે વેદાંતના ગ્રંથો તથા અન્ય ધાર્મિક ગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો હતો. તેમણે આપેલા દાનમાંથી મુંબઈ યુનિવર્સિટીમાં એમ.એ.નો વિદ્યાર્થી વેદાન્તના આપવામાં આવેલા ચોક્કસ વિષય પર મોટો નિબંધ લખે તેને ઝાલા વેદાન્ત પ્રાઇઝ આપવામાં આવતું. ભાવનગરના દીવાન ગૌરીશંકર તથા શામળદાસ મહેતાએ તેમની પરિપાટી સ્વીકારી હતી.
શિવપ્રસાદ રાજગોર