ઝાલાવાડ : રાજસ્થાનના 33 જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો અને જિલ્લામથક. તે પૂર્વ રાજસ્થાનમાં મધ્યપ્રદેશની સરહદે આવેલ છે. તેની પૂર્વ દિશાએ રાજસ્થાનનો બરન જિલ્લો અને મધ્યપ્રદેશનો ગુના જિલ્લો, દક્ષિણે મધ્યપ્રદેશનો રતલામ જિલ્લો, ઉત્તર દિશાએ રાજસ્થાનનો કોટા જિલ્લો અને પશ્ચિમે મધ્યપ્રદેશનો મંદસોર જિલ્લો આવેલા છે. આમ ઝાલાવાડની ત્રણ બાજુએ મધ્યપ્રદેશના જિલ્લાઓ આવેલા છે. કોટા જિલ્લાનું વિભાજન કરીને ઝાલાવાડ જિલ્લો બનાવાયો છે. આ જિલ્લાનું ક્ષેત્રફળ 6219 ચોકિમી. છે. 2011માં જિલ્લાની વસ્તી 14,11,327 હતી. અગાઉ ઝાલા રજપૂતો શાસક હોવાથી જિલ્લાને ઝાલાવાડ નામ મળ્યું છે.
આ જિલ્લાનો થોડો ભાગ ઉચ્ચ પ્રદેશ છે. ડુંગરો અને સાંકડી ખીણોનો તે પ્રદેશ છે. આ જિલ્લાના ડુંગર વિંધ્યાચળના ફાંટા રૂપે છે. જૂના ખડકોમાંથી વિવિધ ખનિજો મળે છે. લાવાના ખડકોનો બનેલો ભાગ ટ્રૅપ તરીકે ઓળખાય છે. બે ધારોની હારમાળા ઝાલરાપાટણ પાસેથી પસાર થાય છે; તેને મુકન્દરાશ્રેણી કહે છે. આ સિવાય ડગથી પુરાવા સુધી નાનામોટા ડુંગરોની હારમાળા આવેલી છે. જિલ્લાનો દક્ષિણનો અડધો ભાગ ઉચ્ચપ્રદેશ છે. સમગ્ર પ્રદેશની સરેરાશ ઊંચાઈ 600 મી. છે. પંચપહાડ અને ઝાલરાપાટણ વચ્ચે મધ્યનું મેદાન છે. આવું બીજું સપાટ મેદાન કાનપુર નજીક આવેલું છે. જિલ્લાની જમીન કાળી અને મધ્યમ કાળી છે. કપાસના પાક માટે તે અનુકૂળ છે. તે ભેજ સાચવી રાખે છે.
જિલ્લાની બધી નદીઓ ઉત્તર તરફ વહે છે અને ચંબલ કે યમુનાને મળે છે. ચંબલ ચોરાસીગઢ પાસે રાજસ્થાનમાં પ્રવેશે છે અને 866 કિમી. સુધી કોતરોમાં થઈને વહે છે.
ઝાલાવાડ સમુદ્રથી દૂર આવેલ છે તેથી ઉનાળો અને શિયાળો આકરા હોય છે. ઝાલાવાડનું સરેરાશ દૈનિક તાપમાન 36° સે. છે પણ તે વધીને મે માસમાં 42° સે.થી 45° સે. થઈ જાય છે. ડિસેમ્બર માસમાં રાત્રિનું સરાસરી તાપમાન 16° સે. રહે છે. વરસાદ 1000 મિમી. જેટલો પડે છે. ઝાલાવાડની વસ્તી 66,919 (2011) છે.
આ જિલ્લામાં મોસમી પ્રકારની આબોહવા હોઈને સૂકાં પર્ણપાતી પ્રકારનાં વૃક્ષો જોવા મળે છે. વન્ય પશુઓમાં સાબર, ચીતળ, કાળિયાર, જંગલી ભુંડ, છીંકારા અને દીપડા છે. પાળેલાં પશુઓનું પ્રમાણ સારું છે.
ખડકો અને ખનિજોમાં બેસાલ્ટ, રેતીખડકો અને ચૂના ખડકો, લેટરાઇટ, તાંબું, કૅલ્સાઇટ વગેરે મળે છે. ખેતરીની તાંબાની ખાણો આ જિલ્લામાં આવેલી છે.
ભવાનીમંડીમાં કાપડની મિલ છે. આ સિવાય રંગાટીકામ, છાપકામ, ડાંગર ભરડવાની મિલો, તેલની મિલો, ચિનાઈ માટીનાં વાસણો બનાવવાના, ચામડાં કમાવવાના તથા પગરખાં બનાવવાના, તાંબા-પિત્તળનાં વાસણો બનાવવાના ઉદ્યોગો છે. સોનાચાંદીનાં ઘરેણાં બનાવવાનો ગૃહઉદ્યોગ પણ છે.
ઝાલાવાડ મુંબઈ-દિલ્હીની બ્રૉડગેજ રેલવેનું મથક છે. રતલામ, કોટા, ઇંદોર, ઉજ્જૈન વગેરે સાથે તે ભૂમિ-માર્ગે સંકળાયેલું છે.
ઇતિહાસ : આઝાદી પૂર્વે ઝાલાવાડ માત્ર 2074 ચોકિમી. વિસ્તાર ધરાવતું દેશી રાજ્ય હતું. દેશી રાજ્યની ઉત્તરે કોટા, પશ્ચિમે મધ્યપ્રદેશનાં ગ્વાલિયર અને ઇંદોર રાજ્યો; પૂર્વ દિશાએ ઇંદોર રાજ્ય તથા પશ્ચિમે સીતામાઉ, જાવરા, દેવાસ વગેરે પ્રદેશ હતા. મુઘલકાળ દરમિયાન આ પ્રદેશ માળવાનો ભાગ હતો. માંડુના રાજાએ (માળવા) રાઘવેન્દ્ર ઝાલાને આ પ્રદેશની જાગીર આપી હતી. પંદરમી સદીમાં હળવદના (ધ્રાંગધ્રા) ભાયાત રાજધર ઝાલા રિસાઈને અહીં આવ્યા હતા. તેની નવમી પેઢીએ માધોસિંહ ઝાલા થઈ ગયા. તેણે કોટાના રાજાની સેવા સ્વીકારી હતી અને તે બદલ તેને જાગીર મળી હતી. 1707 પછી મુઘલ શાસનના પડતીના ગાળામાં આજુબાજુનો પ્રદેશ હસ્તગત કરાયો હશે.
1838માં કોટાના દીવાન જાલિમસિંગના પૌત્ર મદનસિંહને કોટાના રાજા સાથે ઝઘડો થયો. તે ટાળવા અંગ્રેજ સરકારે વચ્ચે દરમિયાનગીરી કરીને કોટા રાજ્યનો રૂ. 12 લાખની ઊપજવાળો પ્રદેશ મદનસિંહને અપાવ્યો. આમ, 1838માં મદનસિંહ નવા ઝાલાવાડ સંસ્થાનનો રાજા થયો અને અંગ્રેજોએ તેને ‘રાણા’ની પદવી આપી. મદનસિંહે તે બદલ રૂ. 80,000 ખંડણી આપવા તથા અંગ્રેજ સરકારને મદદ આપવા સ્વીકાર્યું. 1845માં પૃથ્વીસિંહ તેનો અનુગામી થયો. તેણે અંગ્રેજોને 1857ના બળવા વખતે સહાય કરી હતી. 1897માં ગાદીએ આવેલ જાલિમસિંહે પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ સરકારને સહાય કરી હતી. 1948માં રાજા હરિશ્ર્ચંદ્રના શાસન દરમિયાન ઝાલાવાડ રાજ્યનું દેશી રાજ્યોના રાજસ્થાન સંઘમાં વિલીનીકરણ થયું.
શંકરલાલ ત્રિવેદી