ઝાગ્રોસ પર્વતમાળા : ઈરાનની નૈર્ઋત્યે આવેલી પર્વતશૃંખલાઓ. ભૌગોલિક સ્થાન : 32o 40’ ઉ. અ. અને 47o 00’ પૂ. રે. તેની લંબાઈ આશરે 1100 કિમી. અને પહોળાઈ વધુમાં વધુ 32o કિમી. છે. તે દક્ષિણ અને પૂર્વ તરફ ટર્કી અને આર્મેનિયાની સરહદોની પાર પર્શિયાના અખાત સુધી કમાનના આકારે વિસ્તરે છે. તે પ્રદેશમાં ખૂબ સીધો ઢાળ ધરાવતી સમાંતર પર્વતમાળાઓ છે અને તેમની વચ્ચે ખૂબ ઊંડી ખાઈઓ છે. મોટાભાગનાં પર્વતો અને ટેકરીઓનાં શિખરોની ઊંચાઈ 3700 મીટર કરતાં પણ વધારે છે. ઇસ્ફહાન નગરની નૈર્ઋત્યે ઝાર્ડ કુહ નામનું શિખર છે તેની ઊંચાઈ 4548 મી. છે. મોટાભાગનાં શિખરો બારે માસ હિમાચ્છાદિત હોય છે.
પર્વતમાળાના ઉત્તર અને મધ્ય વિસ્તારમાં આવેલાં ખુલ્લાં મેદાનોમાં તથા ફળદ્રૂપ ખીણોમાં ઘણા વસવાટો છે; પરંતુ દક્ષિણ તરફનો વિસ્તાર સૂકો અને ખરબચડો હોવાથી તેમાં આછા વસવાટો છે.
પર્વતમાળાના વિસ્તારની નદીઓ બારેમાસ પાણીથી ભરપૂર છે. તે પ્રદેશમાં વાર્ષિક સરેરાશ વરસાદ 1000 મિમી. જેટલો પડે છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે