ઝાકિરહુસેન (જ. 9 માર્ચ 1951, મુંબઈ; અ. 15 ડિસેમ્બર 2024, સાનફ્રાન્સિસ્કો, કૅલિફૉર્નિયા, યુ.એસ.એ.) : વિખ્યાત તબલાવાદક તથા ભારતીય અને પાશ્ચાત્ય સંગીતના સ્વરકાર.

હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના પંજાબ ઘરાનાના તબલાગુરુ ઉસ્તાદ અલ્લારખાખાન કુરેશીના જ્યેષ્ઠ પુત્ર અને શિષ્ય ઝાકિરહુસેને સાત વર્ષની ઉંમરથી જાહેર પ્રસ્તુતિઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું; એટલું જ નહિ, બાર વર્ષની કુમળી કુમારવયે એમણે કલાપ્રવાસ પણ આરંભ્યો – જે માત્ર ભારત દેશમાં જ નહિ, પરંતુ પાંસઠ જેટલા દૂર-સુદૂરના દેશો સુધી પહોંચ્યો. તાલવાદ્યક્ષેત્રે એમનો અભ્યાસ, એમની મહારત અને મહાવરો ચિર સીમાઓ પાર કરી વૈશ્વિક સ્તરે નોંધાયાં. એમની પેઢીના મહાન તબલાવાદકોની હરોળમાં સ્થાન મળવાથી તેઓ સર્વત્ર અને સર્વદા પોંખાયા. ભારતીય સંગીતને વૈશ્વિક મંચ પર ઝાકિરજીએ મૂકી આપ્યું અને આપોઆપ રસિકો એમની કલા તરફ આકર્ષાયા. તબલાવાદન, સંગીતનિયોજન, સંગીતનિદર્શન, સંગીતટ્રૅક (પથ) અને અભિનયક્ષેત્રે ઉસ્તાદજીએ નવા ચીલા ચાતરીને અનેક માનાંકો સર કર્યા. સંગીતગુરુ તરીકે પણ એમણે જગત આખાને ચકિત કરી શિષ્યોને કેળવ્યા. અમેરિકાની સ્ટેન્ફર્ડ યુનિવર્સિટી સહિત અનેક સંસ્થાઓમાં આપેલું એમનું યોગદાન ચિરંજીવ રહેશે.

ઝાકિરહુસેન

ઉસ્તાદ ઝાકિરહુસેન માનતા કે ગાયન-વાદન એ બંદગીનું સાધન છે – ખુદાના આશિષ છે. યુગપ્રવર્તક એવા આ કલાકાર બુલંદીના શિખરે બિરાજેલા. અતિ વરિષ્ઠ કલાકારો – પં. રવિશંકરજી, પં. હરિપ્રસાદ ચૌરસિયા, પં. શિવકુમાર શર્મા, ઉ. અમજદઅલીખાન, પં. બિરજુમહારાજથી લઈને નવાસવા ઊગતા કલાકારોને પણ એમણે પૂરા માનસન્માનથી બિરદાવી એમની સાથે સંગત કરેલી. તો તબલાં સંગતનું સાધન હોવા છતાં ઝાકિરજીએ પૂરી તાકાતથી તેને ‘સોલો’વાદન – એકલવાદન માટે યથાયોગ્ય બનાવ્યાં. આ એકમેવ તબલાવાદક આનંદ-ઉલ્લાસ સહિત પ્રસ્તુતિ કરતા ત્યારે એમની રગેરગમાંથી તાલ અને લય પ્રગટ થતા. આખુંય અસ્તિત્વ એ ક્ષણોને તેઓ બક્ષી દેતા. ‘માણસવલા’ આ કલાકારના હાથ(આંગળીઓ) તબલાં પર, પલાંઠીભેર પગ જમીન ઉપર રહેતા અને દૃષ્ટિ ઉદગ્રીવ ! ભારતની સાંસ્કૃતિક ધરોહરને ચાહતા ઝાકિરજી તબલાંમાંથી વિવિધ નાદ પ્રગટાવી શિવ ડમરુ, શંખનાદ, સમુદ્રનાં મોજાંનો રવ, ગતિશીલ ટ્રેનનો અવાજ પ્રેક્ષકોને ચરણે અને કર્ણે પીરસતા. તેમનામાં વાદનની, સ્વભાવની અને પ્રભાવની ભવ્યતા હતી. તાલ સાથે વિલંબિત, મધ્ય અને દ્રુતલય સાથેની એમની મસ્તી કાબિલેદાદ હતી અને તેથી જ એમનું ચિરસ્મરણીય સ્મિત, વિશિષ્ટ થાપ અને વિવિધ અંગભંગિમા ભાવકોના હૃદયમાં કોતરાઈ જતાં. કલાકારના બદલાતા રાગ કે મૂડ સાથે સમાંતર પહોંચી વળતા ત્યારે એમના વાદનમાંથી સંવાદ પ્રગટતા. એમની આંગળીઓ જ્યારે થિરકી ઊઠે – ફફડી ઊઠે ત્યારે હમિંગબર્ડની પાંખો જેવી ગતિશીલ લાગે. તાલવૈવિધ્યમાં એમની તોલે કોઈ ન આવે.

ઉસ્તાદ ઝાકિરજીની પ્રસ્તુતિઓ અને લોકસંપર્ક એમને હંમેશાં જીવંત રાખતા. તબલાંસર્જન કરતા કારીગર હરિદાસ વ્હાટકરે ઝાકિરજી માટે અઢારથી વધુ વર્ષો સુધી તબલાં બનાવ્યાં. તેઓ માત્ર ઝાકિરજી માટે જ સર્જન કરતા અને એટલા માટે ખાસ તબલાં બનાવતાં શીખેલા. ઉસ્તાદજી માટે લેખિકા નસરીન મુન્ની કબીરે ‘ઝાકિરહુસેન : અ લાઇફ ઇન મ્યુઝિક’ નામનું પુસ્તક લખ્યું. એમાં નોંધેલી આ વાત ઝાકિરજીના વ્યક્તિત્વનો આયનો છે. ‘ઝાકિરજી ખાનગી બેઠકો કે સમારંભોમાં ન જતા. કૉર્પોરેટ ઇવેન્ટ, લગ્ન, બેઠકો આદિમાં લોકો ખાવા-પીવા ને મેળાવડા કરવા આવતા હોય છે. જ્યાં સંગીત ગૌણ બની જાય છે. જ્યાં સંગીત જ મુખ્ય હોય ત્યાં જવાય.’

આવા ‘હાર્ડકોર’ – મજબૂત કલાકારની સિદ્ધિને અનુલક્ષીને એમની ઉપર બનેલી દસ્તાવેજી ફિલ્મ ‘ઝાકિર ઍન્ડ હિઝ ફ્રૅન્ડ્સ’માં એમની ઝાંખી થઈ. અન્ય દસ્તાવેજી ફિલ્મ ‘ધ સ્પીકિંગ હૅન્ડ્ઝ’માં એમના હાથની કરામતની ઓળખ થઈ. ‘ઝાકિરહુસેન ઍન્ડ ધ આર્ટ ઑફ ધી ઇન્ડિયન ડ્રમ’ ફિલ્મથી તબલાંને પણ પ્રસિદ્ધિ મળી. પાશ્ચાત્ય સંગીતવિશ્વમાં પણ ઉસ્તાદજીના તાલવાદ્યની સરાહના થઈ અને પ્રત્યેક પ્રસ્તુતિ પશ્ચાદ્ એમની યશકલગીમાં પીંછું ઉમેરાતું ગયું. અગાઉની નોંધ મુજબ એમનાં આલબમોમાં નોંધપાત્ર ઉમેરા, વધારા થયા છે, એમાં શિરમોર છે : ‘ઇવનિંગ રાગાઝ’, ‘મૉર્નિંગ રાગાઝ’, ‘શાંતિ’, ‘શક્તિ’, ‘સંગમ’ આદિ. પિતાજી સાથેનું યુગલવાદન અને ‘વેણુ’ નામે પં. હરિપ્રસાદજી સાથેનું વાદન અતિ કર્ણપ્રિય બન્યું છે. તો પં. શિવકુમાર શર્માજી સાથે રાગ મધુવંતી, રાગ રાગેશ્રી, રાગ પૂરિયા કલ્યાણ – એમાં નવું છોગું ઉમેરાયેલું તેની સાક્ષી છે. ‘તબલાં બિટસાયન્સ’ સંસ્થાએ તો દુનિયાને ઘેલી કરેલી. આવી અનેક કૃતિઓ સાથે તેમના ખાસ સાઉન્ડ ટ્રૅકે બાજી મારી હતી.

ઉ. ઝાકિરહુસેનને નવાજવા માટે કોઈ પણ માન-અકરામ ઓછાં પડે, પણ ભારત સરકારે તેમને ‘પદ્મવિભૂષણ’ અને સંગીતનાટક અકાદમીનો પુરસ્કાર આપી પુરસ્કારનું સન્માન કર્યું હતું. અકાદમીએ એમને ‘રત્ન સદસ્ય’ નામે ફેલોશિપ પણ અર્પણ કરી હતી. વિશ્વભરમાં નામના મેળવનાર ગ્રેમી ઍવૉર્ડમાં તેમનું નામ સાત વાર નોંધાયેલું. જેમાંથી ચાર વાર પારિતોષિકો મળ્યાં. ‘બેસ્ટ વર્લ્ડ મ્યુઝિક આલ્બમ’ શ્રેણીમાં એકાવન ગ્રેમી ઍવૉર્ડ ઉત્સવમાં એમને પ્રથમ વાર આ સન્માનથી બિરદાવાયેલા. પ્રમુખ ઓબામાએ એમને ‘ઑલ સ્ટાર ગ્લોબલ કૉન્સર્ટ’માં વ્હાઇટ હાઉસમાં આમંત્રિત કરેલા. પ્રોફેસર તરીકે ઝાકિરજીને અમેરિકામાં ‘એન ઓલ્ડ ડોમિનિયન ફેલો’નું બિરુદ પ્રાપ્ત થયેલું. દુનિયાભરમાંથી ઉ. ઝાકિરહુસેનને અઢળક અંજલિઓ આપવામાં આવી હતી.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે

સુધા ભટ્ટ