ઝાઁ મરી ગુસ્તાવ લ ક્લેઝિયો (જ. 13 એપ્રિલ 1940, નાઇસ, ફ્રાન્સ) : 2008નો સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર મેળવનાર ફ્રેન્ચ સાહિત્યકાર. પિતા બ્રિટિશ અને માતા ફ્રેન્ચ. પૂર્વજો બ્રિટાનીમાંથી ઇલ દ ફ્રાન્સ(આજનું મોરિશિયસ)માં અઢારમી સદીમાં વસાહતી તરીકે આવેલા. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન પરિવારને એકમેકથી છૂટાં પડવાનું થયું. પિતાને પોતાની પત્ની અને બાળકોને નાઇસ નગરમાં રાખવાં પડ્યાં. માત્ર આઠ વર્ષની વયે ક્લેઝિયો માતા-પિતા સાથે નાઇજિરિયા ગયા. બ્રિટિશ લશ્કરમાં પિતા સર્જન હતા.
ક્લેઝિયો બ્રિસ્ટૉલ યુનિવર્સિટીમાં 1958થી 1959 દરમિયાન હતા; જોકે નાઇસના ઇન્સ્તિત્યૂત દ´ એત્યુદ લિતરેરમાંથી સ્નાતકની ઉપાધિ પ્રાપ્ત કરી હતી. કેટલાંક વર્ષો લંડન અને બ્રિસ્ટૉલમાં ગાળ્યાં પછી તેઓ યુનાઇટેડ સ્ટેટ્સમાં શિક્ષક તરીકે નિયુક્ત થયા હતા. 1967માં લશ્કરી સેવા માટે તેમને થાઇલૅન્ડ મોકલવામાં આવ્યા હતા. ત્યાં બાળ-વેશ્યાગીરીની સામે વિરોધ કરવા માટે તેમને મિલિટરી-સેવામાંથી રુખસદ આપવામાં આવી હતી, પણ સાથે સાથે અધૂરી સેવા પૂરી કરવા માટે મેક્સિકો મોકલવામાં આવ્યા હતા. 1970થી 1974 દરમિયાન પનામામાં એમ્બેરા-વુનાન ઇન્ડિયન્સ સાથે રહ્યા હતા.
1964માં યુનિવર્સિટી ઑવ્ ઍક્સ-એન-પ્રોવેન્સમાં ‘હેનરી મિશો’ પર મહાનિબંધ લખી તેમણે ‘માસ્ટર’ની ઉપાધિ મેળવી હતી. 1983માં મેક્સિકોના પ્રાચીન ઇતિહાસ પર સંશોધન કરી પીએચ.ડી.ની ઉપાધિ યુનિવર્સિટી ઑવ્ પર્પિગ્નેનમાંથી મેળવી હતી. 1975માં તેમણે જીમિયા નામનાં મોરોક્કન સન્નારી સાથે 35 વર્ષની વયે લગ્ન કરેલું. 1990થી દંપતીએ આલ્બુકર્ક, ન્યૂ મેક્સિકો, મોરિશિયસ અને નાઇસમાં વસવાટ કર્યો છે.
દુનિયાની કેટલીક યુનિવર્સિટીઓમાં ક્લેઝિયોએ અધ્યાપન કર્યું છે. દક્ષિણ કોરિયામાં સિયોલની એવહા વિમન્સ યુનિવર્સિટીમાં 2007થી 2008ના બે સેમેસ્ટર માટે તેમણે ફ્રેન્ચ ભાષા અને સાહિત્ય વિષયનું અધ્યાપન કર્યું છે.
માત્ર સાત વર્ષની નાજુક વયે ક્લેઝિયોએ લખવાનું શરૂ કરેલું. તેમનું પ્રથમ લખાણ સમુદ્ર વિશે હતું. ફ્રેન્ચ સાહિત્યના અભ્યાસ પછી 23મે વર્ષે લખેલ ‘લ પ્રોસેસ વર્બલ’ (‘ધી ઇન્ટરોગેશન’) માટે તેમને 1963માં ‘પ્રિક્સ રેનોદોત’ ઇનામથી નવાજવામાં આવ્યા હતા.
તેમનાં 30 જેટલાં પ્રકાશનોમાં નવલકથાઓ, નિબંધો, અનુવાદો, અવલોકનો આદિનો સમાવેશ થયો છે. વધારામાં તેમણે બાળકો માટે પણ પુસ્તકો લખ્યાં છે.
લ ક્લેઝિયોએ પસંદ કરેલા વિષયોમાં ગાંડપણ, ભાષાવિજ્ઞાન, લેખન અને આધુનિકતાનો સમાવેશ કર્યો છે. તેમના વાચકોમાં તે પ્રયોગશીલ અને ક્રાંતિકારી લેખક તરીકે જાણીતા છે. માઇકલ ફોકોલ્ટ અને ગાઇલ્સ ડેલ્યૂઝ જેવા વિવેચકોએ તેમનાં વખાણ કર્યાં છે. શૈશવનાં સંભારણાં, કિશોરાવસ્થા અને પ્રવાસના વિષયોને ગૂંથી લેતાં તેમનાં લખાણોનો બહોળો વાચકવર્ગ ઊભો થયો છે. ફ્રાન્સની સાહિત્ય અકાદમીએ તેમને ‘પ્રિક્સ પૉલ મોરાન્દ’ના ઇનામથી નવાજ્યા છે.
2008નો સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર (આશરે રૂ. 6 કરોડ 48 લાખ) મેળવનાર આ સાહિત્યકાર ફ્રેન્ચ સાહિત્યકારોમાં ક્લૉડ સિમૉન (1985) અને ગાઓ ક્ષિંગ્જિયાન (2000) પછીના ત્રીજા છે. સ્વીડિશ અકાદમીએ લ ક્લેઝિયોને નોબેલ પુરસ્કાર આપવાની ઘોષણા કરતી વખતે નિત્ય નવા નવા માર્ગોના પ્રવાસી, કાવ્યાત્મક સાહસ, ઇન્દ્રિયગ્રાહ્ય અનુભવોથી રસાનંદ અર્પનારા, પ્રબળ સાંસ્કૃતિક પ્રભાવ તળે આવતી અને એનો મુકાબલો કરતી માનવજાતના દ્રષ્ટા એવા સર્જક તરીકે આવકાર્યા છે.
‘ધ ઇન્ટરોગેશન’, ‘ફીવર’, ‘ધ ફ્લડ’, ‘મટેરિયલ એક્સ્ટસી’, ‘ટેરા અમેટા’, ‘ધ બુક ઑવ્ ફ્લાઇટ્સ : ઍન ઍડવેન્ચર સ્ટોરી’, ‘વૉર’, ‘હાઈ’, ‘મિડ્રિઆસ’, ‘ધ જાયન્ટ્સ’, ‘જર્નીઝ બિયૉન્ડ’, ‘શિલામ બાલામ પ્રોફેસિસ’, ‘ટુ ધ આઇસબગર્સ : ઍન એસે ઑન હેનરી મિશૉક્સ’, ‘મૉન્ડો ઍન્ડ અધર સ્ટોરીઝ’, ‘ધ સ્ટ્રેન્જર ઑન ધી અર્થ’, ‘થ્રી હોલી સિટીઝ’, ‘ડેઝર્ટ’, ‘ધ રાઉન્ડ ઍન્ડ અધર કોલ્ડ હાર્ડ ફૅક્ટસ’, ‘રિલેશન દ મિકોઆકેન’, ‘ધ પ્રૉસ્પેક્ટર’, ‘દિયેગો ઍત ફ્રિડા’ (‘બાયૉગ્રાફી ઑવ્ દિયેગો રિવેરા ઍન ફ્રિડા કાહલો’), ‘જર્ની ટુ રૉડરિગ્ઝ’, ‘ધ મેક્સિકન ડ્રીમ’ (ઑર ધી ઇન્ટરપ્ટેડ થૉટ ઑવ્ અમેરિન્ડિયન સિવિલાઇઝેશન્સ), ‘સ્પ્રિન્ગ ઍન્ડ અધર સિઝન્સ’, ‘ઓન્ટિશા’, ‘વૉન્ડરિંગ સ્ટાર’, ‘પવાના’, ‘ક્વૉરન્તાઇન’, ‘ધ ગોલ્ડન ફિશ’, ‘ધ ક્લાઉડ પીપલ’, ‘સન્ગ સેલિબ્રેશન’, ‘સિરેન્દિપિટી’, ‘બર્ન્ટ હાર્ટ ઍન્ડ અધર રોમાન્સીઝ’, ‘રિવૉલ્યૂશન્સ’, ‘ધી આફ્રિકન’, ‘ઉરાનિયા’ વગેરે તેમની નોંધપાત્ર કૃતિઓ છે. તેમનાં સર્જનો માટે જેમ તેમને નોબેલ પુરસ્કાર માટે તેમ ‘પ્રિક્સ લિતરેર વેલેરી-લાર્બોદ’ (1972), ‘ગ્રાન્દ પ્રિક્સ દ લિતરેચર પૉલ-મોરૉ’ (1980, અકાદમી ફ્રાન્કાઇસ), ‘ગ્રાન્દ પ્રિક્સ જ્યાઁ ગિયોનો’ (1997), ‘પ્રિક્સ પ્રિન્સ-દ-મૉનાકો’ (1998), ‘સ્ટિગ ડેજરમાન પ્રિસેત’ (2008) વગેરેથી નવાજવામાં આવ્યા છે.
મોરિશિયસના બાળક, નાઇજિરિયાના કિશોર અને અમેરિકા-આફ્રિકા રણપ્રદેશોના ભમતારામ લ ક્લેઝિયો સાચા અર્થમાં દુનિયાના નાગરિક છે. દુનિયાના બધા ખંડોના તે લાડકવાયા છે. તે જગત-સંસ્કૃતિના વારસદાર છે. ફ્રાન્સની સંસ્કૃતિ અને તેનાં મૂલ્યોને તેઓ કુટુંબસમોવડી દુનિયામાં ઘેર ઘેર લઈ ગયા છે. તેમનું સાહિત્યિક સર્જન પશ્ચિમની ભૌતિક સંસ્કૃતિનું તીખું તમતમતું અવલોકન કરે છે તો સાથે સાથે દુનિયાના દરિદ્રનારાયણ, અશક્ત અને તરછોડાયેલાં અનેકોની ફિકર કરે છે.
વિ. પ્ર. ત્રિવેદી