ઝવેરી, કૃષ્ણલાલ મોહનલાલ (જ. 30 ડિસેમ્બર 1868, ભરૂચ; અ. 15 જૂન 1957, મુંબઈ) : ગુજરાતી સાક્ષર અને મુંબઈ સ્મૉલ કૉઝ કોર્ટના વડા ન્યાયમૂર્તિ. તેમણે ફારસીનો ઊંડો અભ્યાસ કરેલો. તેને પરિણામે એમણે ‘દયારામ અને હાફેઝ’ – એ બે કવિઓનો તુલનાત્મક અભ્યાસ દર્શાવતો ગ્રંથ લખ્યો. ગુજરાતીમાં તે તુલનાત્મક સાહિત્યનું પ્રથમ પુસ્તક છે. એમણે એમાં પ્રેમલક્ષણા–માધુર્યભક્તિ અને સૂફીવાદની ઇશ્કે હકીકી અને ઇશ્કે મિજાજીની ભાવનાનું વિશ્લેષણ કરીને, બંનેના સામ્ય તરફ ધ્યાન દોર્યું છે. એમણે બંકિમચન્દ્રના ‘કૃષ્ણાવતાર’નું પણ ગુજરાતીમાં ભાષાંતર કર્યું છે. કૃષ્ણ વિશેનું એ પહેલું સંશોધનાત્મક લખાણ છે. ગોવર્ધનરામના ‘ક્લાસિકલ પોએટ્સ ઑફ ગુજરાત’ પછી એમણે અંગ્રેજીમાં ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ‘માઇલસ્ટોન્સ ઇન ગુજરાતી લિટરેચર’ (1914) અને ‘ફર્ધર માઇલસ્ટોન્સ ઇન ગુજરાતી લિટરેચર’ (1921) આપ્યા છે.
તે ગુજરાતી સાહિત્યનો અંગ્રેજીમાં લખાયેલ પ્રથમ ઇતિહાસ છે. એ બંને ઇતિહાસ-ગ્રંથો (‘ગુજરાતી સાહિત્યના માર્ગસૂચક સ્તંભો’ અને ‘ગુજરાતી સાહિત્યના વધુ માર્ગસૂચક સ્તંભો’) તેમણે ગુજરાતીમાં પણ ઉતાર્યા છે. તેમણે વર્ષો સુધી અંગ્રેજી માસિક ‘મૉડર્ન રિવ્યૂ’માં ગુજરાતી પુસ્તકોની સમાલોચના લખી હતી. તેનું સંકલન ‘પ્રેઝન્ટ સ્ટેટ ઑવ્ ગુજરાતી લિટરેચર’ નામે પ્રસિદ્ધ થયું છે. અવસાનપર્યંત તેઓ ફાર્બસ ગુજરાતી સભાના પ્રમુખ તરીકે તેમજ મુંબઈ યુનિવર્સિટીનાં વિવિધ વિદ્યામંડળોમાં સક્રિય હતા. તેમના ગુજરાતી લેખોનો સંગ્રહ ‘કૃષ્ણલાલ ઝવેરી લેખસંગ્રહ’ ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ, તરફથી પ્રસિદ્ધ થયેલ છે.
ચન્દ્રકાન્ત મહેતા