ઝવેરી બહેનો : મણિપુરી નર્તનક્ષેત્રની કલાકાર બહેનો. ઝવેરી બહેનોમાં સૌથી નાનાં તે દર્શના (જ. 1939). બીજી 3 બહેનોનાં નામ નયના (1927–1986), રંજના (1930–) તથા સુવર્ણા (1935). ચારેય બહેનો નાની વયમાં મણિપુરી નૃત્યશૈલીની સુકુમારતા, મૃદુતા તથા ભક્તિસભરતાથી પ્રભાવિત થઈ તેના પ્રત્યે આકર્ષાઈ. એવામાં સર્જક પ્રતિભાવાળા ગુરુ બિપિનસિંહને ગુરુ રૂપે મેળવવા તેઓ ભાગ્યશાળી થયાં. 1949માં મણિપુરની પ્રથમ  યાત્રા કરી ત્યાંના કલારસિક વાતાવરણમાં નૃત્યકલા શીખવાનો પ્રારંભ કર્યો. 10 વર્ષની સાધનાને અંતે 1958માં ત્યાં ગોવિંદજી મંદિરમાં મણિપુર બહારના સર્વપ્રથમ કલાકાર તરીકે આત્મસમર્પણ કરવાનો અવસર સાંપડ્યો.

ત્યારબાદ ગુરુ બિપિનસિંહના પ્રેરણા અને માર્ગદર્શનથી મણિપુરી નર્તન પર પ્રભુત્વ સિદ્ધ કરી તેમણે તેનું પારંપરિક અને શાસ્ત્રીય સ્વરૂપ જાળવીને મંદિરની બહાર મંચ ઉપર પ્રસ્તુત કરવાનું અભિયાન આરંભ્યું. મંચ પર સાર્વજનિક કાર્યક્રમો, પ્રવચનો, લેખો, પુસ્તકો, રેડિયો તથા ટેલિવિઝન ઉપર કાર્યક્રમો એમ વિવિધ રૂપે તેમણે દેશમાં મણિપુરી નર્તનનો મહિમા સમજાવ્યો. પૂર્વ ભારતની આ મહાન શાસ્ત્રીય નૃત્યશૈલી તે વીસરાય તે પહેલાં તેમના અને અન્ય ઝવેરી બહેનોના પરિશ્રમથી ગૌરવપૂર્ણ પુન:પ્રતિષ્ઠા પામી. આ સૌ બહેનો માટે પરદેશોમાં કાર્યક્રમો પ્રસ્તુત કરવાના પ્રસંગો વધવા લાગ્યા. ભારત સરકારનાં સાંસ્કૃતિક પ્રતિનિધિમંડળો, પત્રકાર-પરિષદો તથા વર્તમાનપત્રો દ્વારા આશરે 40 વર્ષ સુધી પ્રસાર કર્યો.

બીજી બાજુ, નૃત્યમાં શિક્ષણ અને સંશોધનના કાર્યને વેગ આપવા ગુરુ બિપિનસિંહ તથા કલાવતીદેવીના સાથથી ઝવેરી બહેનોએ મણિપુર, કૉલકાતા અને મુંબઈમાં મણિપુરી નર્તનાલય નામની સંસ્થા સ્થાપી. તેમાં અમેરિકાના ફૉર્ડ પ્રતિષ્ઠાનની આર્થિક સહાયનો લાભ મળતાં પ્રવૃત્તિનો વિસ્તાર શક્ય બન્યો અને નૃત્યશાસ્ત્રનાં 7 પુસ્તકોનું પ્રકાશન, શિક્ષણ માટે વીડિયો ટેપ જેવી અદ્યતન સામગ્રીનું નિર્માણ, દુર્લભ જૂનાં પુસ્તકોની જાળવણી તથા માઇક્રો-રેકર્ડિંગની વ્યવસ્થા જેવી પ્રવૃત્તિઓ હાથ ધરી શકાઈ.

મણિપુરી નર્તનક્ષેત્રે ઉત્તમ યોગદાન તથા નિપુણતા માટે આ શૈલીના મહાન ગુરુઓ અમુદાન શર્મા, અતંબાસિંહ, અમૂલીસિંહ આદિ તરફથી પ્રમાણપત્રો મેળવ્યાં. નયના ઝવેરીને 1978માં કેન્દ્રની સંગીતનાટક અકાદમીનો તથા 1980માં ગુજરાત રાજ્યની સંગીતનાટક અકાદમીનો પુરસ્કાર મળ્યો. તે 1986માં મણિપુર અકાદમીનાં ફેલો નિમાયાં. ઝવેરી બહેનોને આ સિવાય કલાક્ષેત્રની વિવિધ સંસ્થાઓએ અનેક પ્રકારે સન્માન્યાં.

ચાર ઝવેરી બહેનો સમાન રીતે મણિપુરી નર્તનક્ષેત્રે સક્રિય થઈ. તેમાં સૌથી નાનાં દર્શના ઝવેરી અત્યારે પણ સક્રિય છે. મોટી બહેનોની જેમ રુચિ જાળવી-વધારી અદભુત કૌશલ પ્રાપ્ત કર્યું. 1958માં હજુ 19 વર્ષની જ વયે સાર્વજનિક કાર્યક્રમોમાં આગળ પડતો ભાગ લઈ તેઓ મણિપુરી નર્તનની તેમની કલાથી પ્રેક્ષકોને મુગ્ધ કરતાં થયાં. શૈલીના પ્રચાર અર્થે વૃત્તપત્રોમાં લેખો લખ્યા તથા આકાશવાણી અને દૂરદર્શન પર કાર્યક્રમો આપ્યા. તેમના પ્રયત્નોને સારો પ્રતિભાવ સાંપડ્યો. મોટી સંખ્યામાં યુવતીઓ મણિપુરી નૃત્યમાં રસ લેતી થઈ. નૃત્યમાં સંશોધનર્દષ્ટિ રાખી તેમણે વિરલ શાસ્ત્રોનું અભ્યાસલક્ષી સંપાદન કરી તેના આધારે કાર્યક્રમો ઘડવામાં તથા પાઠ્યક્રમો રચવામાં વિશેષ શ્રમ લીધો. તેમણે ‘મણિપુરી નર્તન’, ‘મણિપુરી તાલપ્રકાશ’, ‘શાસ્ત્રીય મણિપુરી નૃત્ય’ આદિ પુસ્તકો માટે પ્રેરણા તથા માર્ગદર્શન પૂરાં પાડ્યાં. ગુરુ બિપિનસિંહનાં 6 પુસ્તકોની પ્રસ્તાવનાઓ લખી. ‘મણિપુરનાં નૃત્યો’ નામના ગ્રંથમાં તેમણે મહત્વનો ફાળો આપ્યો.

આવી વૈવિધ્યપૂર્ણ પ્રવૃત્તિઓ વચ્ચે તેઓ પોતે મૂળે નૃત્યાંગના છે, એ વાત વીસર્યાં નથી. મણિપુરી શૈલીના લાસ્ય અને તાંડવ બંને પ્રકારો ઉપર પ્રભુત્વ ધરાવતાં હોવા ઉપરાંત તે નિષ્ણાત મૃદંગવાદક છે. નૃત્યમાં મૃદંગવાદન વડે તાલ પુરાવી શકે છે. ‘નૃત્યવૃંદ’ના ઉપક્રમે 1982થી ભારતમાં તથા વિદેશોમાં નૃત્યના કાર્યક્રમો પ્રસ્તુત કરી રહ્યાં છે. મુંબઈ, કૉલકાતા અને મણિપુરના ‘મણિપુરી નર્તનાલય’ની વિવિધ પ્રવૃત્તિઓનું સફળ સંચાલન કરી રહ્યાં છે. પ્રશિક્ષણ ઉપરાંત પરીક્ષણ માટે પણ તેઓ સેવા આપી રહ્યાં છે. મણિપુરી નૃત્યક્ષેત્રે 1956માં તેમને ગુરુઓના આશીર્વચનપત્રો પ્રાપ્ત થયા. ત્યારથી માંડીને 1992માં ગાંધીનગરની અક્ષર પુરુષોત્તમ સેવા સંસ્થાએ સન્માન કર્યું ત્યાં સુધીમાં અમદાવાદ, ઇમ્ફાલ, કૉલકાતા, નાગપુર, મિદનાપુર, મુંબઈ, લૉસ એંજિલિસ, વડોદરા, સિલ્ચર આદિ સ્થળોની સંસ્થાઓ તથા વિદ્યાપીઠોએ તેમનું વિવિધ રીતે સન્માન કર્યું હતું. ઝવેરી બહેનો પૈકીની દર્શના ઝવેરી 2002માં ભારત સરકારના પદ્મશ્રીના ઇલકાબથી સન્માનિત થયાં છે.

ગોવર્ધન પંચાલ