ઝફરનામા (ઝફરનામાએ તિમુરી) (1424) : ફારસી ભાષાનો ઐતિહાસિક ગ્રંથ. તેમાં બે વિભાગમાં મુઘલ સમ્રાટ બાબરના છઠ્ઠા પૂર્વજ સમ્રાટ તિમુર વિશેનો સંપૂર્ણ ઇતિહાસ છે.
તેનો કર્તા ઇતિહાસકાર શરફુદ્દીન અલી યઝદી, આરંભિક તિમુરી યુગનો વિદ્વાન સાહિત્યકાર, લેખક અને કવિ હતો. તિમુરના પાલ્યપુત્ર સમ્રાટ શાહરૂખના શાસનકાળ(1408થી 1447)માં તેને ખૂબ ખ્યાતિ પ્રાપ્ત થઈ હતી. તેણે પોતાનું ઘણુંખરું જીવન શાહરૂખ અને તેના પુત્ર મિરઝા ઇબ્રાહીમ સુલતાનને ત્યાં વિતાવ્યું. તે પછી એક વિદ્વાન તરીકે અધ્યાપનકાર્ય કર્યું. ‘ઝફરનામા’ વાંચતાં સમજાય છે કે તે પોતાના સમયમાં પ્રચલિત જ્ઞાન-વિજ્ઞાનમાં પારંગત હતો.
આમ તો ફારસી ભાષામાં ‘ઝફરનામા’ નામનાં ચાર પુસ્તકો છે, જગવિખ્યાત વિદ્વાન અબુઅલી સીનાના નામે એક ‘ઝફરનામા’ બોલાય છે, જે ન્યાયી નૌશીરવાનના પંતપ્રધાન બુઝુર્ગ મિહિરના આચારપ્રધાન વિચારો પર આધારિત છે. તે પછી હમદુલ્લાહ મુસ્તવફીએ ‘શાહનામા’ના અનુકરણમાં 1334માં એક મહાકાવ્ય ‘ઝફરનામા’ની રચના કરી, જેમાં દોઢ લાખ પંક્તિઓ છે. નિઝામુદ્દીન શામીએ 1404માં તિમુરની આજ્ઞાથી એક ‘ઝફરનામા’ની રચના કરી હતી. શરફુદ્દીન અલી યઝદીનું ‘ઝફરનામા’ નિઝામ શામીના ‘ઝફરનામા’ પછીની કૃતિ છે અને તેમાંથી તેને ઘણી સહાય મળી છે, પરંતુ શરફુદ્દીન યઝદીની પ્રસંગોચિત તાર્દશ વર્ણનશક્તિ અને જુદી જ ઢબની રજૂઆતના પ્રતાપે બીજાં ત્રણ ઝફરનામાંઓ નામશેષ થઈ ગયાં. શરફુદ્દીન યઝદીના ‘ઝફરનામા’ની લોકપ્રિયતા વધી.
‘ઝફરનામાએ તિમુરી’ અતિ ઉત્તમ શૈલી અને વિશિષ્ટ વિગતો ધરાવતો લોકપ્રિય ઐતિહાસિક ગ્રંથ છે. તેમાં સમકાલીન બનાવો તથા પ્રસંગોનું તાર્દશ નિરૂપણ છે, અને તેમાં મૂળ વિશ્વાસપાત્ર સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પુસ્તકની ભાષા આડંબરી કે અલંકારયુક્ત નહિ પણ સાદી અને સરળ છે. ‘ઝફરનામા’ની મર્યાદા એટલી જ છે કે તેમાં રાજપ્રશંસા કે વ્યક્તિપૂજાને અગ્રસ્થાન આપવામાં આવેલું છે. બાબર પોતે પણ ‘ઝફરનામાએ તિમુરી’નું અધ્યયન કરતો.
‘ઝફરનામા’માં સ્પષ્ટ રીતે રાજસત્તા અને રાજકારણ પર માનવ સંસ્કારોના પ્રભુત્વની વાત છે. તિમુરના વ્યક્તિત્વનાં ઉમદા પાસાંને તેમાં પ્રસ્તુત કરાયાં છે. અમીર તિમુરે ભયંકર લડાઈઓમાં, વ્યૂહરચના અને શૂરવીરતાના પ્રતાપે, એવાં અજોડ પરાક્રમો કર્યાં હતાં કે લગભગ 8 રાજ્યોનું નિકંદન કાઢી નાખેલું; પરિણામે કેટલાક આરબ, ઈરાની, ભારતીય, તુર્ક અને યુરોપિયન ઇતિહાસકારોના એકતરફી મંતવ્ય પ્રમાણે તિમુર ઘાતકી, ક્રૂર અને અત્યાચારી હતો; પરંતુ તે દિગ્વિજયી સરસેનાપતિ હોવા ઉપરાંત ઉદાર, વિદ્યાને ઉત્તેજન આપનાર અને વિદ્વાનોનો આશ્રયદાતા પ્રતાપી શહેનશાહ પણ હતો તેવું આમાં પ્રતિપાદન છે.
‘તુઝુકે તિમુરી’માં તિમુરની પ્રતિભાના સાચા ગુણ સચોટ રીતે પ્રસ્તુત કરવાના કારણે ‘ઝફરનામા’નું મહત્વ અનેકગણું વધી ગયું છે.
મહેમૂદહુસેન મોહમદહુસેન શેખ