ઝફરખાન અહસન (જ. આશરે 1605; અ. આશરે 1662) : મોગલકાળના હિંદુસ્તાનના એક મહત્વના ફારસી કવિ. તેમના પિતા ખ્વાજા અબુલહસન તુર્બતી અકબરના સમયમાં ઈરાનથી ભારત આવીને ઉમરાવપદ પામ્યા હતા. ઝફરખાને કાશ્મીરના સૂબેદાર તરીકે વિશિષ્ટ સેવાઓ આપી હતી અને કાશ્મીરમાં કવિઓને એકત્ર કરીને મુશાયરાઓનો રિવાજ શરૂ કર્યો હતો.
તે પ્રથમ પંક્તિના ગઝલકાર હતા. તેમના ગઝલસંગ્રહમાં 383 ગઝલો છે. તેમણે વિવિધ વિષયો ઉપર ત્રણ લાંબાં મસ્નવી કાવ્યો પણ લખ્યાં છે : (1) ‘જલ્વએ નાઝ’ : આ કાવ્યની ખૂબી એ છે કે કવિએ તેમાં હિંદુસ્તાની ફળફૂલ વગેરેનો બહોળો ઉલ્લેખ કર્યો છે. (2) ‘મયખાનએ રાઝ’ : આ મસ્નવી-કાવ્યમાં કાશ્મીરનું વિસ્તૃત વર્ણન જોવા મળે છે. (3) ‘હફત મંઝિલ’ : શાહજહાંની ફરમાયશ ઉપરથી કવિએ કાશ્મીર વિશે આ મસ્નવી લખી હતી.
અહસનની કવિતામાં એક તરફ આધ્યાત્મિક વિચારોનું નિરૂપણ છે તો બીજી તરફ લૌકિક પ્રેમનાં વિવિધ પાસાંની વિચારણા છે.
અહસનની એક કૃતિ જે હવે પ્રાપ્ય નથી અને જેનો ઉલ્લેખ ઇતિહાસનાં પુસ્તકોમાં મળે છે તે ‘મુરક્કએ ઝફરખાન અહસન’ છે. અહસનના સમકાલીન ફારસી કવિઓનો આ એક પ્રકારનો સચિત્ર જીવનપ્રસંગ-સંગ્રહ હતો. તેમાં વિવિધ કવિઓના, તેમના પોતાના હસ્તાક્ષરમાં લખેલા જીવનપ્રસંગોની સાથે સાથે તેમનાં ચિત્રો પણ હતાં.
તેમને લાહોરના મોગલપુરામાં તેમના પિતાના મકબરામાં દફનાવવામાં આવ્યા હતા.
મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી