જ્વર : (આયુર્વેદ) (તાવ) શરીરનું તાપમાન (temperature) વધવા સાથે શરીરમાં બેચેની, અંગતૂટ, ગ્લાનિ, પરસેવો ન થવો, આખું અંગ જકડાઈ જવું, કોઈ વાતમાં મન ન લાગવું અને શરીરનાં અંગો પોતાનાં નિયત કાર્યો ક્ષમતાપૂર્વક ન કરી શકે, આવાં લક્ષણો દેખાય તેવી શરીરની સ્થિતિ. શરીરનું તાપમાન 37° સે.થી વધારે હોય ત્યારે તાવ આવ્યો એમ સામાન્યપણે કહેવાય છે.
અર્થ : ‘જ્વર’ શબ્દના બે અર્થ આયુર્વેદશાસ્ત્રમાં બતાવ્યા છે : (1) સામાન્ય રોગ-વાચક અને (2) વિશિષ્ટ રોગ તાવ. સામાન્ય રીતે શરીરનું ઉષ્ણતામાન વધવું તેને જ્વર અથવા તાવ કહે છે.
પ્રત્યાત્મિક લક્ષણ અથવા લક્ષણસમુચ્ચય : કેવળ શરીરનું તાપમાન વધે તેને જ્વર ન કહેવાય પણ તાપમાન વધવા સાથે સ્વેદાવરોધ, સંતાપ, સર્વાંગગ્રહણ આ ત્રણેય સાથે હોય ત્યારે જ જ્વર કહેવાય. ‘સંતાપ’ શબ્દથી દેહ, ઇન્દ્રિય અને મન એ ત્રણેયનો સંતાપ લેવો જોઈએ. મન:સંતાપથી વૈચિત્ય (કોઈ પણ વિષયમાં ચિત્ત ન લાગવું), આર્તિ (બેચેની) અને ગ્લાનિ – એ લક્ષણો થાય છે. ઇન્દ્રિયસંતાપથી ઇન્દ્રિયોની વિકૃતિ (જ્ઞાનેન્દ્રિયો પોતાના વિષયો સરખી રીતે ગ્રહણ ન કરી શકે) અને દેહસંતાપથી શરીરના તાપમાનમાં વૃદ્ધિ અને કાર્ય ન થઈ શકવું એ લક્ષણો ગ્રહણ થાય છે. સંક્ષેપમાં દેહ-ઇન્દ્રિય મનસ્તાપ હોય ત્યારે જ જ્વર કહેવાય છે.
જ્વરના ભેદ : મુખ્યત્વે દોષાનુસાર 8 ભેદ કરવામાં આવ્યા છે : (1) વાતજ્વર, (2) પિત્તજ્વર, (3) કફજ્વર; દ્વિદોષજ એટલે બે દોષ પ્રકુપિત થઈને જ્વર ઉત્પન્ન કરે તે, (4) વાતપિત્તજ્વર, (5) પિત્તકફજ્વર,
(6) કફવાતજ્વર; અને ત્રણેય દોષો એકસાથે પ્રકુપિત થઈને જ્વર ઉત્પન્ન કરે તે (7) સન્નિપાતજ્વર; આ ઉપરાંત (8) આગન્તુકજ્વર એટલે કે બાહ્ય કારણોથી ઉત્પન્ન થતો જ્વર.
સન્નિપાતજ્વરના દોષીના તર-તમભેદથી 13 ભેદ પાડી શકાય છે. ‘ભાવપ્રકાશ’માં તર-તમભેદ ઉપરાંત મુખ્ય લક્ષણો ઉપરથી સન્નિપાતજ્વરના 39 ભેદો અન્યગ્રંથો (જેમાંથી કેટલાક ગ્રંથો ઉપલબ્ધ નથી)માંથી એકત્રિત કર્યા છે.
આગન્તુક જ્વરના મુખ્યત્વે 4 ભેદો છે : (1) અભિઘાતજ, (2) અભિષંગજ, (3) અભિચારજ અને (4) અભિશાપજ.
આ ઉપરાંત શાસ્ત્રકારોએ ભિન્ન ભિન્ન ર્દષ્ટિથી જ્વરના બીજા ભેદો પણ બતાવ્યા છે; જેમ કે, (1) અધિષ્ઠાનની ર્દષ્ટિએ બે ભેદ : (i) શારીર અને (ii) માનસ. (2) તાપમાનની ર્દષ્ટિએ 2 ભેદ : (i) સૌમ્ય અને (ii) આગ્નેય. (3) સાધ્યાસાધ્યત્વર્દષ્ટિએ 2 ભેદ : (i) સાધ્ય અને (ii) અસાધ્ય. (4) વેગની ર્દષ્ટિએ 2 ભેદ : (i) અન્તર્વેગ અને (ii) બહિર્વેગ. (5) ઋતુ અનુસાર 2 ભેદ : (i) પ્રાકૃત અને (ii) વૈકૃત. (6) દોષકાલ-બલાબલભેદથી 5 પ્રકાર : (i) સંતત, (ii) સતત, (iii) અન્યેદ્યુષ્ક, (iv) તૃતીયક અને (v) ચતુર્થક. (7) આશ્રયભેદથી 7 પ્રકાર : (i) રસસ્થિત, (ii) રક્તસ્થિત, (iii) માંસસ્થિત, (iv) મેદ:સ્થિત, (v) અસ્થિસ્થિત, (vi) મજ્જાગત અને (vii) શુક્રગત. (8) કારણભેદથી 8 પ્રકાર : એક દોષજ (i) વાતજ્વર, (ii) પિત્તજ્વર અને (iii) કફજ્વર : ત્રિદોષજ દ્વંદ્વજ (iv) વાતપિત્તજ્વર, (v) પિત્તક્ફજ્વર, (vi) કફવાતજ્વર, (vii) સન્નિપાતજ્વર અને (viii) આગન્તુક જ્વર.
જ્વરનું અધિષ્ઠાન : મન અને આખું શરીર જ્વરનું અધિષ્ઠાન છે. એટલે કે જ્વર ઉત્પન્ન થાય ત્યારે મન અને શરીર બન્ને વિકૃત થાય છે.
અન્તર્વેગજ્વરમાં તાપમાન વધારે હોય કે ન હોય પણ અન્તર્દાહ વધારે થાય, તૃષ્ણા, પ્રલાપ (delirium), શ્વાસકષ્ટ, ભ્રમ, સન્ધિ-અસ્થિશૂલ, દોષ અને મલની અપ્રવૃત્તિ આ લક્ષણો થાય છે.
બહિર્વેગજ્વરમાં તાપમાન વધારે હોય છતાં પણ તૃષ્ણા આદિ લક્ષણો મૃદુ હોય છે.
પ્રાકૃત અને વૈકૃત જ્વર : દોષપ્રકોપની નિશ્ચિત ઋતુ હોય છે. વસંતમાં કફપ્રકોપ, શરદમાં પિત્તપ્રકોપ અને વર્ષામાં વાતપ્રકોપ થાય છે. વસંત અને શરદમાં ઉત્પન્ન થયેલ ક્રમશ: કફજ્વર અને પિત્તજ્વર સાધ્ય છે. બીજા દોષથી ઉત્પન્ન થયેલ જ્વર કષ્ટસાધ્ય છે. વર્ષામાં વાતજ્વર કષ્ટસાધ્ય છે.
દોષકાલબલાબલથી એટલે કે દોષ પ્રકુપિત થવાના (બલ કે અબલ) થોડા કે વધારે પ્રમાણ પ્રમાણે જે જ્વર ઉત્પન્ન થાય તે. આ જ્વરને વિષમજ્વર પણ કહેવાય છે. સંતત જ્વર 7, 10 કે 12 દિવસ સુધી અણઉતાર રહે છે. તેમાં સાતે ધાતુ, મૂત્ર, પુરીષ અને ત્રણે દોષોનો એકસાથે પ્રકોપ થાય છે.
સતતજ્વર આખા દિવસમાં બેવાર ઉત્પન્ન થાય છે. આ જ્વરના દોષો રક્તધાતુસ્થિત હોય છે.
અન્યેદ્યુષ્ક જ્વર આખા દિવસમાં એક વાર દરરોજ ઉત્પન્ન થાય છે.
તૃતીયક જ્વર એકાંતરે ઉત્પન્ન થાય છે.
ચતુર્થક જ્વર ચોથિયો અથવા તરિયો તાવ કહેવાય છે. એટલે કે એક દિવસ જ્વર આવે, પછી બે દિવસ તાવ ન હોય; ફરી એક દિવસ જ્વર ઉત્પન્ન થાય.
આ ઉપરાંત તૃતીયક વિપર્યય અને ચતુર્થક વિપર્યય નામના જ્વર થાય છે. તેમાં બે દિવસ જ્વર હોય, એક દિવસ જ્વર ન હોય, ફરી બે દિવસ જ્વર થાય.
ઉપરના જ્વરોમાં દોષો ધાતુઓમાં પ્રવેશીને પડ્યા રહે છે. દોષપ્રકોપકાલે જ્વર ઉત્પન્ન થાય છે.
સંચયકાલ (incubation period) : મહર્ષિ ચરકે સંચયકાલનું સુંદર ઉદાહરણ આપ્યું છે. જેવી રીતે જમીનમાં પડેલું કે વાવેલું બીજ યોગ્ય સમયે ઊગી નીકળે છે, તેવી રીતે દોષો ધાતુમાં લીન થઈને પડ્યા રહે છે. યોગ્ય કાલે એટલે કે પ્રકોપકાલે જ્વર ઉત્પન્ન કરે છે.
ધાતુગત જ્વર : દોષો ધાતુઓમાં જઈ ધાતુની દૂષિતતા ઉત્પન્ન કરી જ્વર ઉત્પન્ન કરે છે. ધાતુઓ 7 છે. રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર. દરેક ધાતુની દૂષિતતાનાં લક્ષણો ભિન્ન ભિન્ન હોય છે.
દોષજ જ્વર : 8 પ્રકારના હોય છે. દોષાનુસાર લક્ષણો ઉત્પન્ન કરે છે.
જ્વર સંપ્રાપ્તિ : સંપ્રાપ્તિ એટલે શરીરમાં વાતપિત્તકફ દૂષિત થઈ તેમનું પ્રસરણ થાય અને રોગોની ઉત્પત્તિ કરે ત્યાં સુધીની ક્રમપૂર્વકની ગતિ. જ્વરમાં દોષો આમાશયમાં પ્રકુપિત થાય છે. કોષ્ઠાગ્નિને બહાર કાઢી દોષો રસધાતુમાં ભળી જઈ રસ સાથે પરિભ્રમણ કરીને, શરીરમાં જે સ્થાને એકઠા થાય ત્યાં વિકૃતિ કરી જ્વરને ઉત્પન્ન કરે છે. મહર્ષિ ચરક અનુસાર સંપ્રાપ્તિ એટલે દોષોનો આમાશયમાં પ્રવેશ → ઉષ્મા સાથે મિલન → આદ્ય આહાર ધાતુરસમાં મિલન → રસ-સ્વેદવહ સ્રોતોનો અવરોધ, અગ્નિમાંદ્ય → ઉષ્માનો આખા શરીરમાં ફેલાવો → જ્વરોત્પત્તિ. સ્વેદવહ સ્રોતોનો અવરોધ થવાથી પરસેવો વળતો નથી.
જ્વરની ત્રિવિધ અવસ્થા : જ્વરની ત્રણ અવસ્થા છે : (1) આમ, (2) પચ્યમાન અને (3) નિરામ.
(1) આમાવસ્થા : આમ એટલે અપક્વ અવસ્થા. દોષોનો સંચય અને પ્રકોપ થાય ત્યારે આરંભે તે અપક્વ અવસ્થામાં હોય છે. આ અવસ્થામાં દોષો અપક્વ હોવાથી સ્રોતો રોધ કરે છે.
આમાવસ્થાનાં લક્ષણો : જ્વર અવિસર્ગી, બળવાન હોય છે. દોષોની પ્રવૃત્તિ થતી નથી. મલ જીર્ણ હોતો નથી એટલે કે આમ હોય છે. આ ઉપરાંત અરુચિ, અવિપાક, ઉદરગૌરવ, હૃદયની અશુદ્ધિ, તન્દ્રા, આલસ્ય, લાળ પડવી, હૃલ્લાસ, ક્ષુધાનાશ, મુખની વિરસતા, ગાત્રોની સ્તબ્ધતા, સુપ્તતા અને ગુરુતા, બહુમૂત્રતા, ગ્લાનિ વગેરે.
(2) પચ્યમાનાવસ્થા : એટલે જ્વરોત્પાદક દોષો પચવા લાગે તે અવસ્થા.
પચ્યમાનાવસ્થાનાં લક્ષણો : જ્વરવેગમાં વધારો, મલપ્રવૃત્તિ, તૃષ્ણા, પ્રલાપ, શ્વાસકષ્ટ, ભ્રમ, ઉત્ક્લેશ વગેરે.
(3) નિરામાવસ્થા : જ્યારે જ્વરોત્પાદક દોષોનો સંપૂર્ણ પાક થઈને જ્વર ઊતરવા લાગે તે અવસ્થા.
લક્ષણો : જ્વરની મૃદુતા, જ્વરોત્પાદક દોષોની નિવૃત્તિ. આ ઉપરાંત ક્ષુધાવૃદ્ધિ, ક્ષામતા, ગાત્રલઘુતા વગેરે. સામાન્ય રીતે 8 દિવસમાં દોષોનો પાક થાય છે.
જ્વરમુક્તિ : જ્વરમુક્તિ બે રીતે થાય છે : (i) અદારુણ જ્વરમોક્ષ અને (ii) દારુણ જ્વરમોક્ષ.
(i) અદારુણ જ્વરમોક્ષ : દોષવશાત્ જ્વરવેગ ઉત્પન્ન કરી, ક્રમપૂર્વક જ્વરમુક્તિ થાય છે. આ રીતે જ્વરમોક્ષ સામાન્ય રીતે ચિરકારી દોષોમાં થાય છે.
(ii) દારુણ જ્વરમોક્ષનાં લક્ષણો : આખા શરીરે સ્વેદ વળે છે. અતિ ઉષ્ણ અંગમાંથી શીતાંગ (શરીર ઠંડું પડી જવું) થાય છે. શરીર કંપે છે. દ્રવમલ દોષ અને શબ્દ સાથે વેગપૂર્વક નીકળે છે. (મૂત્ર પણ નીકળી જાય છે.) આ ઉપરાંત કૂજન, વમન, ચેષ્ટા (સનેપાત જેવા હાવભાવ), શ્વાસાધિક્ય, વિવર્ણતા, બેભાન અવસ્થા, વિસંજ્ઞતા, મોઢું ક્રોધમાં હોય એવું લાલ થઈ જાય છે. આ વખતે વૈદ્યના યોગ્ય ઉપચાર અને દોષપાકથી જ્વર ઊતરે તો રોગી બચી જાય છે.
જ્વરનાં પૂર્વરૂપો : શ્રમ, અરતિ, વિવર્ણતા, વિરસતા (મોઢું બગડી જવું), નયનાપ્લવ (આંખમાંથી પાણી પડવાં), શીત, વાત, આતપની વારંવાર ઇચ્છા થવી, જૃમ્ભા (બગાસાં આવવાં), અંગમર્દ (શરીર તૂટવું), ગુરુતા, રોમહર્ષ, અરુચિ, મૂર્છા, અપ્રહર્ષ અને શીત (ઠંડી) લાગવી. આ સામાન્ય પૂર્વરૂપો છે.
વિશિષ્ટ પૂર્વરૂપમાં વાતજ્વરમાં જૃમ્ભા, પિત્તજ્વરમાં આંખો બળવી અને કફજ્વરમાં અરુચિ થાય છે.
વાતજ્વરનાં લક્ષણો : ધ્રુજારી, જ્વરનો વિષમ વેગ, કંઠ અને ઓષ્ઠ-શોષ, નિદ્રાનાશ, ક્ષવથુ, સ્તમ્ભ (શરીર જકડાઈ જવું), ગાત્રોમાં રૂક્ષતા, માથામાં સણકા, ગાત્રશૂલ, હૃત્શૂલ, મુખમાં સ્વાદરહિતતા, મલ ગંઠાઈ જવો, શૂલ, હાંફ અને બગાસાં થાય છે.
પિત્તજ્વરનાં લક્ષણો : જ્વરનો વેગ તીક્ષ્ણ હોય, અતિસાર, નિદ્રાલ્પતા, વમન, કંઠ-ઓષ્ઠ-મુખ અને નાકમાં પાક, સ્વેદ, પ્રલાપ, મુખમાં કડવાશ, મૂર્ચ્છા, દાહ, મદ, તૃષા તથા પુરીષ-મૂત્ર-નેત્ર જરા પીળાં થવાં.
કફજ્વરનાં લક્ષણો : જ્વરનો વેગ સ્તિમિત (અલ્પ) હોય, શરીર સ્તિમિતતા (ભીનું કપડું વીંટાળ્યું હોય એવું લાગવું), આલસ્ય, મુખમાધુર્ય, સ્તમ્ભ, તૃપ્તિ, મૂત્ર-પુરીષ સફેદ હોવાં, ગૌરવ, શીતતા, ઉત્ક્લેશ, રોમહર્ષ, અતિનિદ્રા, શરીર બહુ ઊનું ન હોય, લાલાસ્રાવ, અપાચન, સળેખમ, કાસ વગેરે.
વાતપિત્તજ્વરનાં લક્ષણો : તૃષ્ણા, મૂર્ચ્છા, ભ્રમ, દાહ, સ્વપ્નનાશ, શિર:શૂલ, કંઠ-આસ્યશોષ, વમન, રોમહર્ષ, તમ: પર્વભેદ, બગાસાં વગેરે.
વાતકફજ્વરનાં લક્ષણો : સ્તિમિતતા, પર્વભેદ, નિદ્રા, ગૌરવ, શિરોગ્રહ, પ્રતિશ્યાય, કાસ, આખા શરીરે પરસેવો, જ્વરનો મધ્યવેગ,
કફપિત્તજ્વરનાં લક્ષણો : મુખ લિપ્ત (ચીકણું) અને કડવાશ, તન્દ્રા (ઘેન), મોહ, કાસ, અરુચિ, તૃષા, વારંવાર દાહ કે ઠંડી લાગવી.
સન્નિપાતજ્વરનાં લક્ષણો : ઘડીકમાં દાહ અને ઘડીકમાં ઠંડી, અસ્થિ-સન્ધિ અને શિરમાં શૂલ, આંખમાંથી સ્રાવ થાય અને તે મેલી લાગે, લાલ થાય કે ભુગ્ન થાય, કાનમાં અવાજ આવે અને શૂલ(પીડા) થાય, ગળામાં તણખલાં (શૂક) લાગ્યા જેવું લાગે, જીભ પરિદગ્ધ અને ખર લાગે, શરીરનાં અંગો પીડિત થાય, કાસ, શ્વાસ, ગળફા, ક્યારેક રક્તમિશ્રિત ગળફા, શિર આમથી તેમ હલાવ્યા કરે (લોડન), નિદ્રાનાશ, છાતીમાં શૂલ, સ્વેદ, મૂત્ર, પુરીષની લાંબે વખતે અલ્પપ્રવૃત્તિ, કંઠકૂજન, શરીર પર કોઢ, મંડલ, લાલ કે શ્યામ રંગના કોઢ, સ્રોતોમાં પાક, ઉદરગુરુતા, મૂકતા તથા દોષોનો લાંબે વખતે પાક થાય છે.
સન્નિપાતજ્વરના તત્સમ ભેદથી 13 પ્રકારો થાય છે. આ ઉપરાંત ભાવપ્રકાશમાં તન્માન્તરથી બીજા 13-13 ભેદો બતાવ્યા છે. એવી રીતે એકંદરે 39 પ્રકારના સન્નિપાતજ્વર બતાવ્યા છે. આ બધા પ્રકારના સન્નિપાતજ્વરમાંથી કેટલાક જ્વર દરમિયાન થતા ઉપદ્રવો છે. એટલે કે ઉપદ્રવયુક્ત સન્નિપાતજ્વર લાગે છે; જેમ કે, શીતાંગ સન્નિપાતજ્વર, તન્દ્રિક સન્નિપાતજ્વર (ટાઇફૉઇડ ફીવર), પ્રલાપક સન્નિપાતજ્વર (જ્વરયુક્ત પ્રલાપ), કર્કટક-સન્નિપાતજ્વર વગેરે.
આગન્તુક જ્વર 4 પ્રકારે થાય છે : અભિઘાત, અભિષંગ, અભિચાર, અને અભિશાપ.
અભિઘાત એટલે બાહ્ય અભિઘાત જેવા કે શસ્ત્ર, લોષ્ટ વગેરેનો માર. અભિઘાતથી વાયુ પ્રકુપિત થઈને રક્તની દુષ્ટિ કરે છે. તેથી વ્યથા, શોથ, વૈવર્ણ્ય, પીડાયુક્ત જ્વર ઉત્પન્ન થાય છે.
અભિષંગમાં (1) કામ, શોક, ભય, ક્રોધ વગેરે માનસ કારણો, (2) ભૂતાભિષંગ, (3) વિષવૃક્ષમાંથી આવતા વાયુની ગંધ વગેરેનો સમાવેશ થાય છે.
કામ, શોક, ભયથી વાયુનો પ્રકોપ, ક્રોધથી પિત્તનો પ્રકોપ અને ભૂતાભિષંગથી ત્રણેય દોષો પ્રકુપિત થાય છે. ભૂતાભિષંગથી જે ભૂતનો અભિષંગ (વળગાડ) થયો હોય તેનાં લક્ષણો ઉત્પન્ન થાય છે. વિષવાળાં વૃક્ષોમાંથી આવતા પવન તેમજ અન્ય વિષથી અભિષંગ થાય તોપણ જ્વર વગેરે રોગો ઉત્પન્ન થાય છે. આમાં વિષઘ્ન ચિકિત્સા કરવી પડે છે.
સિદ્ધ પુરુષોના અભિચાર (મંત્ર, હોમ, આદિ) તથા અભિશાપથી ઘોર અને દુ:સહ સન્નિપાતજ્વર થાય છે. આ કર્મ અનેક રીતે થતાં હોવાથી લક્ષણો અને ચિકિત્સા જુદી જુદી હોય છે પણ તેમાં ચિત્ત ઇન્દ્રિય અને શરીરમાં આર્તિ (પીડા, દુ:ખ) થાય જ છે. નિદાન પણ અનુમાનથી કરવામાં આવે છે; જેમ કે, અભિચાર અને શાપનો પ્રયોગ જોઈને, સાંભળીને કે પ્રશમ(પ્રતિયોગ)થી અનુમાન કરવામાં આવે છે.
વિષમજ્વર : આ જ્વરો દોષપ્રકોપકાલના બલાબલ પ્રમાણે ઉત્પન્ન થાય છે. પાંચ પ્રકારના જ્વર છે. સંતત, સતત, અન્યેદ્યુષ્ક, તૃતીયક અને ચતુર્થક.
સંપ્રાપ્તિ : જ્વર ઊતરી ગયા પછી અને જ્વર આવ્યા વગર પણ શરૂઆતથી અલ્પ દોષ જ્યારે અહિત આહાર-વિહારથી પ્રકુપિત થઈને કોઈ એક ધાતુમાં સ્થિત થાય ત્યારે વિષમજ્વર ઉત્પન્ન થાય છે.
સતત જ્વર આખો દિવસ શરીરમાં રહે છે, દશ કે બાર દિવસ સુધી ઊતરતો નથી. દોષોનું અધિષ્ઠાન સાતે ધાતુ, મૂત્ર, પુરીષ અને ત્રણેય દોષો છે એટલે તેને દ્વાદશાશ્રય કહેવાય છે. આટલી સમયમર્યાદામાં રસ આદિ ધાતુની શુદ્ધિ થાય તો જ્વર શાન્ત થઈ જાય છે અને અશુદ્ધિ રહે તો મારી નાખે છે. જો અલ્પશુદ્ધિ થાય તો એકાદ દિવસ અવ્યક્ત જ્વર રહે છે અને ફરી પાછો જ્વર ઉત્પન્ન થાય છે. તે જ્વર લાંબા સમય સુધી રહે છે અને તે કષ્ટસાધ્ય (દુર્લભોપશમ) રહે છે.
સતત જ્વર રક્તધાતુસ્થિત છે અને તેમાં દરરોજ બે વાર જ્વર ઉત્પન્ન થાય છે.
અન્યેદ્યુષ્ક જ્વર માંસધાતુસ્થિત દોષથી ઉત્પન્ન થાય છે. કેટલાક મેદોધાતુસ્થિત માને છે અને આખા દિવસમાં એક વખત આવે છે.
તૃતીયક જ્વર મેદ:સ્થિત દોષથી થાય છે. કેટલાક અસ્થિગત દોષથી ઉત્પન્ન થતો માને છે. જ્વર એકાંતરે દિવસે આવે છે.
ચતુર્થક જ્વર અસ્થિ-મજ્જાગત દોષથી થાય છે. તેને તરિયો તાવ કહેવાય છે એટલે કે એક દિવસ જ્વર આવે; વચ્ચેના બે દિવસ જ્વર ન હોય, ફરી એક દિવસ આવે.
મહર્ષિ ચરકે આ જ્વરોને ‘દોષકાલબલાબલાત્’ બતાવ્યા છે. એટલે કે આખા દિવસમાં જે સમયે જે દોષની વૃદ્ધિ થતી હોય તે સમયે જ્વર ઉત્પન્ન થાય, જે સમયે દોષનો પ્રશમ થાય ત્યારે જ્વર ઉત્પન્ન ન થાય અથવા જ્વર શાન્ત થાય.
આ જ્વરમાં ‘પ્રત્યનીક’ અથવા ‘પ્રત્યનીક બલ’ શબ્દ વાપર્યો છે. પ્રત્યનીક એટલે વિરોધી. કાલ, પ્રકૃતિ અને દૂષ્ય એ ત્રણ દોષપ્રકોપને પ્રત્યનીક હોય છે. એટલે કે કાલ પ્રત્યનીક હોય તો દોષો જ્વર ઉત્પન્ન ન કરી શકે. દૂષ્ય જો પ્રત્યનીક હોય એટલે કે દૂષ્ય બળવાન હોય તોપણ જ્વર ઉત્પન્ન ન થાય અને પ્રકૃતિ એટલે શરીર સંહનન જો સુર્દઢ હોય તોપણ જ્વર ઉત્પન્ન ન થાય. શરીરની રોગપ્રતિકારશક્તિ-(વ્યાધિ-ક્ષમત્વ અથવા ઇમ્યુનિટી)નો આધાર આ ત્રણ ઉપર રહેલો છે.
ઋતુ, અહોરાત્ર, દોષ, મન, કાલ અને પ્રાક્તન કર્મનાં બળાબળથી જ્વર ઉત્પન્ન થાય છે.
ધાતુગત જ્વર : ધાતુગત દોષો તે તે ધાતુની દૂષ્ટિ કરીને, તે તે ધાતુદૂષ્ટિનાં લક્ષણો ઉત્પન્ન કરે છે.
પુનરાવર્તક જ્વર : જ્વરનો ફરી ફરીને વેગ આવવો (ઊથલો મારવો). જ્વર હોય ત્યારે કે જ્વર ઊતરી ગયા પછી, જ્યાં સુધી બળ (રોગપ્રતિકારશક્તિ કે દેહ, અગ્નિ, મનોબળ) ન આવે ત્યાં સુધી અહિત આહારવિહારનું સેવન ન કરવું જોઈએ. જો સેવન કરવામાં આવે તો પુનરાવર્તક જ્વર ઉત્પન્ન થાય છે. અહિત આહારવિહારમાં નીચેનાનો સમાવેશ થાય છે.
આહાર : વિદાહી, ગુરુ, અનારોગ્ય અન્નપાન, વિરુદ્ધ ભોજન વગેરે.
વિહાર : વ્યાયામ, વ્યવાય, સ્નાન, ચંક્રમણ, અતિચેષ્ટા વગેરે.
પુનરાવર્તક જ્વર પોતાનો પ્રભાવ બે રીતે બતાવે છે : (1) સજ્વર એટલે કે જ્વર ઊથલો મારે અને (2) અજ્વર એટલે જ્વર ઉત્પન્ન ન થાય પણ શરીરમાં બીજા રોગો ઉત્પન્ન કરે તે.
સજ્વર પુનરાવર્તક જ્વર : બળ આવ્યા પહેલાં જો અહિત સેવન કરવામાં આવે તો જે દોષો પૂરેપૂરા નીકળી ન ગયા હોય તે સ્વલ્પ અપચારથી પણ પ્રકુપિત થઈને રોગીને ચિરકાલ સુધી ક્લેશ આપે છે, દુર્બળતા લાવે છે, તેજવિહીન બનાવીને રોગીને મારી પણ નાખે છે.
અજ્વર પુનરાવર્તક જ્વર : જ્યારે ધાતુઓમાં મલ(દોષ)નો પાક થાય ત્યારે જ્વર ઉત્પન્ન ન થાય પણ દીનતા, સોજો, ગ્લાનિ, પાંડુતા, અન્નાભિલાષ, કંડૂ, અરુષ (ફોડકી), કોઠ, પિટિકા, અગ્નિમાંદ્ય તથા એવા બીજા પણ રોગો ઉત્પન્ન કરે છે કારણ કે દોષોનો નિર્ઘાત (હરણ) પૂર્ણ રૂપે થયો હોતો નથી.
બીજા રોગોમાં પણ દોષનિર્હરણ, પથ્યાપથ્ય અને બળનું ધ્યાન રાખવું જરૂરી છે.
પ્રલેપક જ્વર : આની ગણતરી સ્વતંત્ર જ્વર તરીકે નથી પણ રાજ્યક્ષમા(ક્ષય)માં જ્વર ઉત્પન્ન થાય છે. તેમાં ઘર્મથી એટલે કે તાપથી શરીર જાણે લેપાયું હોય એવું ચકચકિત, ગુરુતાવાળું અને મંદજ્વરવાળું હોય છે.
વાતબલાસક જ્વર : નિત્યમંદ જ્વર, રૂક્ષતા, શોથ, સ્તબ્ધાંગતા, અને કફભૂયિષ્ઠ રોગી હોય છે.
જીર્ણ જ્વર : દેહધાતુઓ દુર્બળ થવાથી જીર્ણ જ્વર ઉત્પન્ન થાય છે અથવા જ્વર જીર્ણ થાય છે. જીર્ણજ્વરમાં મુખ્ય દોષ વાયુ હોય છે. કારણ કે જ્વરોત્પાદક પિત્ત રૂક્ષ છે; રૂક્ષ પિત્તથી શરીર રૂક્ષ થાય છે. રૂક્ષતા વધે ત્યારે વાયુનો પ્રકોપ થાય છે. વાયુનું શમન સ્નેહથી થાય છે. મુખ્ય સ્નેહ તરીકે ઘીનો ઉપયોગ કરવામાં આવે છે.
જ્વરનાં સાધ્ય–અસાધ્ય લક્ષણો : સાધ્ય જ્વર: બળવાન માણસને થયેલો, અલ્પદોષયુક્ત જ્વર અને ઉપદ્રવરહિત જ્વર સાધ્ય છે.
જ્વરનાં અસાધ્ય લક્ષણો : બહુ હેતુથી અથવા બળવાન કારણોથી ઉત્પન્ન જ્વર, બહુ લક્ષણવાળો જ્વર તથા જે જ્વરમાં શીઘ્ર ઇન્દ્રિયનાશ થાય તે જ્વર અસાધ્ય છે.
જ્વરથી ક્ષીણ થયેલ, જ્વરમાં શોથ આવી જાય, ગંભીર પ્રકારનો જ્વર હોય, દીર્ઘકાલથી (ચિરકાલી) ઉત્પન્ન થયેલ જ્વર તથા જે જ્વરમાં વાળમાં સેંથી પડે તે અસાધ્ય છે
ગંભીર જ્વરની વ્યાખ્યા : જે જ્વરમાં અન્તર્દાહ, તૃષ્ણા, મળમૂત્રઅવરોધ, શ્વાસ અને કાસ હોય તેને ગંભીર જ્વર કહેવાય.
જે જ્વર શરૂઆતથી જ વિષમ હોય અથવા જે ચિરકાલી જ્વર હોય, રોગી ક્ષીણ હોય અને અતિરૂક્ષ હોય તેને ગંભીર જ્વર મારી નાખે છે.
જે જ્વરમાં સંજ્ઞાનાશ હોય, તમ:પ્રવેશ હોય, જે સ્થિતિમાં પડ્યો હોય તે જ સ્થિતિમાં સૂતો રહે, શરીર ઠંડું લાગે છતાં અંદરથી ગરમ હોય તેને પણ જ્વર મારક બને છે.
જે જ્વરમાં રોમહર્ષ થાય, આંખમાં રક્ત આવે, હૃદયમાં તીવ્ર પીડા થાય અને મોંએથી જ શ્વાસ લે તે પણ મારક બને છે.
હતપ્રભ (શરીરનું તેજ નષ્ટ થયું હોય તેવો), હતેન્દ્રિય, (ઇન્દ્રિય કામ ન કરતી હોય તેવો), ક્ષીણ, અરુચિ, તીક્ષ્ણ વેગવાળા રોગીને ગંભીર જ્વર અસાધ્ય છે.
જ્વરમુક્તનાં લક્ષણો : સ્વેદ, ગાત્રલઘુતા, શિર પર કંડૂ, મુખપાક, ક્ષવથુ, અન્ન લેવાની ઇચ્છા થાય ત્યારે રોગીને જ્વરમુક્ત માનવો.
જ્વરચિકિત્સા : તરુણ જ્વરની ચિકિત્સા : અપથ્ય : દિવાસ્વપ્ન, સ્નાન, અભ્યંગ, મૈથુન, ક્રોધ, પ્રવાત (સીધો પવન), વ્યાયામ, કષાય-પાન અને અન્ન અપથ્ય છે.
ચિકિત્સાક્રમ : લંઘન, સ્વેદ, કાલ (જ્વરના દોષ પાકવા માટે જોઈતો સમય), જવ કે ચોખાની રાબ, તિક્ત રસ, પાચન.
લંઘન : ગુણ-દોષનો ક્ષય થાય છે, અગ્નિ પ્રદીપ્ત થાય છે, જ્વર ઊતરે છે, શરીરલઘુતા, ક્ષુધાવૃદ્ધિ થાય છે.
પ્રાણ એટલે કે બલનો વિરોધ ન થાય (બલ ટકી રહે) ત્યાં સુધી લંઘન કરાવવું જોઈએ કારણ કે આરોગ્ય બળથી ટકી રહે છે અને આરોગ્ય માટે ચિકિત્સા કરવી જોઈએ.
લંઘન કોને ન કરાવવું : ક્ષય, શુદ્ધવાત, ભય, ક્રોધ, કામ, શોક અને શ્રમથી ઉત્પન્ન થયેલ જ્વરમાં લંઘન ન કરાવવું. બાકી બધા જ તરુણ જ્વરોમાં લંઘન કરાવવું જ જોઈએ.
જલ : સાદું પાણી ન આપવું જોઈએ. પણ વાતકફજ્વરમાં ઉષ્ણ પાણી આપવું જોઈએ, જ્યારે મદ્યોત્થજ્વર કે પિત્તજ્વરમાં તિક્ત દ્રવ્યથી સિદ્ધ શૃતશીત (ઉકાળીને ઠંડું કરેલું) જલ આપવું જોઈએ.
આ જલ દીપન, પાચન, જ્વરઘ્ન, સ્રોત:શુદ્ધિકર, શોધન, બલ્ય, રુચિકર, સ્વેદકારક અને શિવ (કલ્યાણકારી) છે.
તેવી રીતે ષડંગપાનીય પણ આપી શકાય. ષડંગપાનીય એટલે મુસ્તા, પર્પટક, ઉશીર, ચંદન, વાળો અને સૂંઠથી પકાવેલું પાણી.
વમન : જો દોષ કફપ્રધાન હોય, ઉત્ક્લિષ્ટ એટલે બહિર્મુખ હોય, આમાશયસ્થિત ઉત્ક્લિષ્ટ હોય તો જ વમન કરાવવું જોઈએ.
પણ જો દોષો અનુપસ્થિત (બહાર ન નીકળે તેવા) હોય તો વમન કે વિરેચન ન આપવું જોઈએ. છતાં જો આપવામાં આવે તો હદદ્રોગ, શ્વાસ, મલમૂત્રાવરોધ અને ભ્રમ ઉત્પન્ન કરે છે. જો સર્વદેહમાં વ્યાપ્ત આમદોષ હોય કે ધાતુસ્થિત આમદોષ હોય તો ક્યારેક પ્રાણનાશ પણ કરે છે. જેવી રીતે કાચા ફળમાંથી રસ નીકળતો નથી અને ફળનો નાશ થાય છે, તેમ આમદોષ બહાર નીકળતા નથી અને રોગીનો નાશ એટલે કે મૃત્યુ થાય છે.
યવાગૂપાન : લંઘન કે વમનના સમ્યક્ યોગનાં લક્ષણો ઉત્પન્ન થાય ત્યારે ઔષધિસિદ્ધ રાબથી ભોજનની શરૂઆત કરવી જોઈએ. યવાગૂથી અગ્નિ પ્રદીપ્ત થાય છે; ભેષજ (ઔષધ) સંયોગથી પાચનમાં લઘુ, અગ્નિદીપન, વાત, મૂત્ર, પુરીષ અને દોષોનું અનુલોમન કરે છે; દ્રવ અને ઉષ્ણ હોવાથી સ્વેદ ઉત્પન્ન કરે છે, તૃષા શાન્ત કરે છે; આહાર હોવાથી પ્રાણ ટકાવી રાખે છે; સર ગુણથી લઘુ છે; જ્વરસાત્મ્ય (જ્વર માટે હિતકર) હોવાથી જ્વરઘ્ન છે.
યવાગૂનિષેધ : મદ્યોત્થ જ્વરમાં મદાત્યય, નિત્ય મદ્યપાન કરનારને, ગ્રીષ્મ ઋતુમાં, પિત્તકફપ્રધાન જ્વરમાં, ઊર્ધ્વગ રક્તપિત્ત વગેરેમાં યવાગૂ ન આપવી.
(રાબ)
તર્પણ : ઉપર્યુક્ત જ્વરોમાં લાજસક્તુ અથવા જ્વરઘ્ન ફળોના રસથી મધ અને સાકર સાથે તર્પણ આપવું જોઈએ.
જ્વરઘ્ન ફળો : દ્રાક્ષ, દાડમ, ખજૂર, પ્રિયાલ, પસૂષક (ફાલસા) વગેરે.
તર્પણ જીર્ણ થયા પછી સાત્મ્ય અને બલ પ્રમાણે પાતળો મગનો યૂષ કે જાંગલ પશુપક્ષીનો માંસરસ આપી શકાય. (યૂષ = ઓસામણ)
કષાયપાન : ત્યારબાદ પાચન કે શમન કષાય આપવા જોઈએ.
કષાય એટલે ક્વાથ; કષાયનો બીજો અર્થ ‘તૂરો રસ’ થાય છે. કષાયરસ પ્રધાન કષાય(ક્વાથ) ન આપવા જોઈએ. કષાયરસ સ્તંભન ગુણપ્રધાન હોવાથી, દોષો બદ્ધ થાય છે, દોષોનું સ્તંભન થાય છે અને પાચન થતું નથી માટે કષાયરસ આપવો નહિ પણ બીજા રસથી ખાસ કરીને તિક્ત(કડવા)રસપ્રધાન ક્વાથ આપવો જોઈએ.
ભોજન માટે અમ્લ કે અનમ્લયૂષ કે માંસરસ જ્વર શાંત થાય ત્યાં સુધી આપવાં જોઈએ. આ ચિકિત્સા દશ દિવસ સુધી કરવી.
ત્યારબાદ કફ મંદ (અલ્પ) થાય, વાતપિત્તજ્વર હોય અને દોષો જો સંપૂર્ણ રીતે પરિપક્વ થયા હોય તો ઘૃત આપવું, પણ જો કફપ્રધાનતા હોય, લંઘનના સમ્યક્ યોગનાં લક્ષણો ન દેખાતાં હોય એટલે કે લંઘનના અયોગનાં લક્ષણો હોય તો ઘૃતપાન ન કરાવવું પણ કષાય આપવું; લઘુઅન્ન કે માંસરસ આપવાં. આ પ્રયોગથી બલ ઉત્પન્ન થાય છે અને દોષોના નિગ્રહ માટે બલ(વ્યાધિક્ષમત્વ)ની જરૂર રહે છે.
વાતપિત્તજ્વરમાં દાહ અને તૃષ્ણા હોય, મલ બદ્ધ અથવા અતિસાર દોષ હોય અને આમરહિત દોષ હોય તો પય:પાન (દૂધ) આપવું જોઈએ. કેટલાક આચાર્યોના અભિપ્રાય પ્રમાણે બદ્ધદોષ(વિબંધ)માં ગાયનું દૂધ અને પ્રચ્યુત દોષ (અતિસાર) હોય તો બકરીનું દૂધ આપવું જોઈએ. બકરીનું દૂધ સંગ્રાહી છે.
શોધન–ચિકિત્સા : ઉપરની ચિકિત્સાથી જો જ્વર શાન્ત ન થાય અને જો રોગીનાં બળ, માંસ અને અગ્નિ ક્ષીણ ન હોય તો વિરેચન આપવું.
નિરૂહ (ઍનિમા) : પણ જો રોગી જ્વરથી ક્ષીણ હોય તો વમન કે વિરેચન ન આપવું જોઈએ. તેવા રોગીને ચીકાશરહિત પ્રવાહીની બસ્તિ આપીને મલનિર્હરણ કરવું જોઈએ. નિરૂહ બસ્તિથી બળ ટકી રહે છે, અગ્નિ પ્રદીપ્ત થાય છે, જ્વર શાન્ત થાય છે, પ્રસન્નતા ઉત્પન્ન થાય છે, રુચિ ઉત્પન્ન થાય છે. પરિપક્વ દોષોને તરત જ બહાર કાઢે છે. જો પિત્તાશયગત પિત્ત કે પિત્તકફ હોય તો સ્રેસન આપવું. પક્વાશયગત ત્રણે દોષોને બસ્તિ (ઍનિમા) બહાર કાઢે છે;
અનુવાસન બસ્તિ : જીર્ણ જ્વર હોય, કફ અને પિત્ત ક્ષીણ થયા હોય, અગ્નિ પ્રદીપ્ત થયો હોય અને મળ જો રૂક્ષ હોય અને વિબદ્ધ હોય તો અનુવાસન બસ્તિ આપવી.
શિરોવિરેચન : શિરોગૌરવ, શિર:શૂલ, ઇન્દ્રિયો વિબદ્ધ (પોતાનું કાર્ય બરાબર ન કરતી હોય) હોય અને જીર્ણજ્વર હોય તો શિરો- વિરેચન આપવું.
અભ્યંગ આદિ બાહ્ય ચિકિત્સા : બહિર્માર્ગગત જ્વર (શરીર ગરમ રહેતું હોય) હોય તો શીત-ઉષ્ણ ઔષધના ભેદ કરી, તે ઔષધિસિદ્ધ તેલથી અભ્યંગ, પ્રદેહ, ક્વાથથી પરિષેક અને અવગાહન કરાવવું જોઈએ.
વિષમજ્વરની ચિકિત્સા : સામાન્ય રીતે વિષમજ્વરમાં આગંતુકનો અનુબંધ હોય છે. ચિકિત્સા સંશોધન, જ્વરાગમન પૂર્વ, જ્વર મધ્યમાં અને બાહ્ય ચિકિત્સા એટલે કે દૈવવ્યપાશ્રય ચિકિત્સા કરવી પડે છે.
શોધનચિકિત્સા : વાતપ્રધાન વિષમજ્વરમાં અનુવાસન, આસ્થાપન-બસ્તિ, સ્નિગ્ધ-ઉષ્ણ અન્નપાન આપવાં જોઈએ.
પિત્તપ્રધાન વિષમજ્વરમાં ઔષધિથી સંસ્કારિત દૂધ અથવા ઘીથી વિરેચન, તિક્ત અને શીત ઔષધિ તથા અન્નપાન આપવાં.
કફપ્રધાન વિષમજ્વરમાં વમન, પાચન, રૂક્ષ અન્નપાન, લંઘન, કષાયરસપ્રધાન અને ઉષ્ણ ઔષધિ અને અન્નપાન આપવાં જોઈએ.
જ્વર આગમન પૂર્વ ઔષધિ : દોષ વગેરેના ભેદ પાડી નીચે પ્રમાણે ચિકિત્સા કરવી જોઈએ :
સુરાપાન, ષટ્પલઘૃત, ગુડૂચી સ્વરસ, ઘી પાઈને વમન કરાવવું, આસ્થાપન જમવા પહેલાં તેલ અને લસણ મિશ્ર કરી ખવરાવવાં વગેરે.
જ્વર મધ્યકાલ એટલે કે જ્વર વેગના મધ્યભાગમાં જ્યારે જ્વર ન હોય ત્યારે ઇન્દ્રયવ, પટોલપત્ર, કટુકી, સંતત જ્વરમાં; પટોલ, સારિવા, મુસ્તા, પાઠા, કડુ, સતત જ્વરમાં; નિમ્બ, પટોલ, ત્રિફલા, દ્રાક્ષ, મુસ્તા, ઇન્દ્રયવ, અન્યેદ્યુષ્ક જ્વરમાં; કિરાતતિક્ત (કરિયાતું), ગળો, ચંદન અને સૂંઠ તૃતીયક જ્વરમાં; અને ગળો, આમળાં, નાગરમોથ, ચતુર્થક જ્વરમાં આપવાં.
દૈવવ્યપાશ્રય ચિકિત્સા – આ જ્વર આગંતુક હોવાથી ધૂપન, નાવન, અંજન, મંત્ર વગેરે કરવાં જોઈએ.
સન્નિપાતજ્વરની ચિકિત્સા : જો ત્રણે દોષો સમપ્રમાણમાં પ્રકુપિત હોય તો કફસ્થાનની આનુપૂર્વી પ્રમાણે એટલે કે પ્રથમ કફસ્થાનની, પછી પિત્તની અને છેલ્લે વાતની ચિકિત્સા કરવી જોઈએ. જો વિષમ પ્રમાણમાં દોષ પ્રકોપ થઈને સન્નિપાતજ્વર થયો હોય તો વૃદ્ધદોષનું ક્ષયણ અને ક્ષીણ દોષની વૃદ્ધિ કરીને ચિકિત્સા કરવી જોઈએ.
ધાતુગત જ્વરની ચિકિત્સા : રસસ્થિત જ્વરમાં ઉપવાસ અને વમન કરાવવું; રક્તસ્થિત જ્વરમાં રક્તાવસેવન (રક્તમોક્ષણ), પ્રદેહ અને સંશમન (રક્તશુદ્ધિકર) ચિકિત્સા કરવી; માંસ અને મેદોગત જ્વરમાં વિરેચન અને ઉપવાસ; અસ્થિમજ્જાગત જ્વરમાં નિરૂહ અને અનુવાસન બસ્તિ આપવી જોઈએ.
જીર્ણજ્વરની ચિકિત્સા : જ્વરોત્પાદક તેજ (પિત્ત) રૂક્ષ હોય છે. રૂક્ષ તેજથી શરીર રૂક્ષ(સ્નેહાસ્વતા) થાય છે. તેથી અનુબંધમાં વાતનો પ્રકોપ થાય છે. તેને માટે (પિત્ત અને વાત બન્ને માટે) ઘી ઉત્તમ છે. ઘી પોતાના સ્નિગ્ધ ગુણથી વાયુનું શમન કરે છે; શીત ગુણથી પિત્ત અને ઉષ્માનું શમન કરે છે; ઔષધિથી સંસ્કારિત ઘૃત કફનું પણ શમન કરે છે.
જો દોષ બહુ જ પ્રબલ હોય તો સંશોધન આપવું જોઈએ. સંશોધન પછી દૂધ આપવું જોઈએ. ઔષધિસિદ્ધ દૂધ જીર્ણજ્વરનું શમન કરે છે.
પુનરાવર્તક જ્વરની ચિકિત્સા : પૂર્વે બતાવ્યું છે તેમ, પુનરાવર્તક જ્વર દોષોનો પૂર્ણ રૂપે નિર્ઘાત ન થવાથી થોડા પણ અપથ્યથી ઉત્પન્ન થાય છે. તેથી શોધન અને શમન ચિકિત્સા કરવી જોઈએ.
શોધન : મૃદુશોધન આપવું જોઈએ, આસ્થાપન બસ્તિ, લઘુ યૂષ, માંસરસ, અભ્યંગ, ઉદ્વર્તન, ધૂપન અને અંજન કરવું જોઈએ.
શમન : ઉતિક્તઘૃત, લંઘન, ઉષ્ણોપચાર કરવા જોઈએ. ખાસ કરીને જો ગુરુ અભિષ્યંદિ ભોજનથી પુનરાવર્તક જ્વર ઉત્પન્ન થાય તો લંઘન અને ઉષ્ણોપચાર ક્રમ કરવો જોઈએ.
કવાથ : કિરાતતિક્ત, તિક્તા (કડુ), મુસ્તા, પર્પટક, ગળોના ક્વાથનું લાંબા સમય સુધી સેવન કરવું જોઈએ.
કેટલાંક જ્વરઘ્ન ઔષધો :
ક્વાથ : અભયાદિ ક્વાથ, ફલત્રિકાદિ ક્વાથ, ભાર્ગ્યાદિ ક્વાથ, દશમૂળ ક્વાથ, દેવદાર્વાદિ ક્વાથ વગેરે.
ચૂર્ણો : મહા સુદર્શન ચૂર્ણ, ભૂનિમ્બાદિ ચૂર્ણ વગેરે.
ગુટિકા : ઇન્દ્રયવાદિ વટી, જ્વરઘ્ની વટી, સંજીવની વટી વગેરે.
રસૌષધ : ત્રિભુવનકીર્તિ રસ, આનંદભૈરવ રસ, સૂતશેખર રસ, ચંદ્રકલા રસ, સ્વર્ણ વસંત માલતી, પુટીપક્વ વિષમ જ્વરાન્તક લોહ વગેરે.
જ્વર પ્રધાન વ્યાધિ હોવાથી, ચિકિત્સકે સાવચેતીપૂર્વક ચિકિત્સા કરવી જોઈએ. સન્નિપાતજ્વરમાં ડૂબેલા માણસને જે વૈદ્ય બચાવે તેને પુણ્ય મળે છે.
ચં. પ્ર. શુક્લ
બળદેવપ્રસાદ પનારા