જ્યૉર્જિયા (યુ.એસ.) : યુ. એસ.નું એક સંલગ્ન રાજ્ય. તે આટલાંટિક મહાસાગરના કિનારે મિસિસિપી નદીની પૂર્વ બાજુએ 30° 25´થી 35° ઉ. અ. અને 80° 20´થી 85° 36´ પ. રે. વચ્ચે આવેલું છે. તેનું કુલ ક્ષેત્રફળ 1,49,976 ચોકિમી. છે; ક્ષેત્રફળની દૃષ્ટિએ તેનું સંઘ રાજ્યોમાં એકવીસમું સ્થાન છે.
જ્યૉર્જિયાની પૂર્વ દિશાએ દક્ષિણ કૅરોલિના અને આટલાંટિક મહાસાગર, પશ્ચિમે આલબામા રાજ્ય, ઉત્તરે ટેનેસી અને ઉત્તર કૅરોલિના તેમજ દક્ષિણે ફ્લૉરિડા રાજ્ય છે. આટલાંટિક મહાસાગર અને મેક્સિકોના અખાતના દરિયાકિનારા નજીક સી-આઇલૅન્ડ વગેરે ટાપુઓ આવેલા છે. તેની પૂર્વ-પશ્ચિમ વધુમાં વધુ લંબાઈ 515 કિમી. અને ઉત્તર-દક્ષિણ પહોળાઈ 409 કિમી. છે. આ રાજ્યનાં 159 પરગણાં છે. જાન્યુઆરી, 1788થી તેને અલગ રાજ્ય તરીકેનો દરજ્જો મળેલ છે.
દરિયાકિનારાનું મેદાન, કંબરલૅન્ડનો ઉચ્ચપ્રદેશ, બ્લુરિજ પર્વતમાળા, રિજ અને ખીણો તેમજ પીડમોન્ટનો ઉચ્ચપ્રદેશ એવા તેના કુદરતી વિભાગો છે. પીડમોન્ટનું ઊંચું આવેલું મેદાન ઍપેલેશિયન પર્વતમાળાની દક્ષિણે છે. પીડમોન્ટનો ઉત્તર અને દક્ષિણ બાજુનો પ્રદેશ અનુક્રમે 360 મી. અને 150 મી. ઊંચો છે. ઉત્તર જ્યૉર્જિયાના ઉચ્ચપ્રદેશમાંથી નદીઓ નીકળીને આટલાંટિક અને તેના અખાતને મળે છે.
જાન્યુઆરી માસમાં સૌથી વધારે ઠંડી પડે છે. અહીં સરેરાશ 4°થી 10° સે. તાપમાન રહે છે. ઍટલાન્ટામાં જુલાઈમાં 26° સે. તાપમાન રહે છે, ઑગસ્ટ માસમાં સરેરાશ 26°થી 28° સે. તાપમાન રહે છે. કિનારાની આબોહવા ગરમ અને ભેજવાળી રહે છે. વરસાદ 1234 મિમી. પડે છે.
સમશીતોષ્ણ કટિબંધના પાકો ઊગી શકે તેવી જમીન છે. દરિયાકાંઠાની જમીન રેતાળ છે. રાજ્યની 67% જમીન જંગલોથી છવાયેલી છે. અહીં સખત અને પોચું લાકડું આપતાં વૃક્ષો છે. રાચરચીલું તથા કાગળ-ઉદ્યોગને તેમાંથી કાચો માલ મળી રહે છે. આ સિવાય વિવિધ પ્રકારનાં ફૂલઝાડ થાય છે. અહીં રીંછ અને મગર પણ જોવા મળે છે.
વીકેન્સના પહાડી પ્રદેશમાં આરસપહાણની ખાણો છે. ગ્રૅનાઇટ, ચિનાઈ માટી, રંગીન માટી વધુ પ્રમાણમાં અને કોલસો, લોખંડ, સોનું, બૅરાઇટ, અબરખ, ઍસ્બેસ્ટૉસ અને બૉક્સાઇટ થોડા પ્રમાણમાં મળે છે.
નદીઓ ઉપર બંધ બાધીને જળવિદ્યુત ઉત્પન્ન કરાય છે. મેદાનવાળા ભાગમાં કૂવાના પાણીથી સિંચાઈ થાય છે. મકાઈ, મગફળી, શાકભાજી, સોયાબીન, રાઈ, ઓટ, તમાકુ, ઘઉં વગેરે મુખ્ય પાક છે. મરઘાંઉછેર અને પશુપાલન વધારે મહત્ત્વ ધરાવે છે. બીજા વિશ્વયુદ્ધ પછી ખેતીવાડી કરતા ઉદ્યોગોનો વધુ વિકાસ થયો છે અને તેને મહત્ત્વ મળ્યું છે. ખેતી, વન-આધારિત ઉદ્યોગો અને મચ્છીમારીમાં 10% લોકો રોકાયેલા છે. સુતરાઉ અને સિન્થેટિક કાપડ, પ્રક્રિયા કરાયેલ ખાદ્ય પદાર્થો, રસાયણ, પ્લાયવુડ અને કાગળ, ઍરોપ્લેન અને મોટર, તૈયાર કપડાં, યંત્રો, વીજળીનાં સાધનો, ધાતુકામ, ફર્નિચર, પથ્થર, કાચ, રબર, માટી અને પ્લાસ્ટિકની વસ્તુઓ તથા જહાજો બાંધવાના ઉદ્યોગો આવેલા છે. 800 કિમી.નો આંતરિક જળમાર્ગ છે. 1.6 લાખ કિમી.ના રસ્તા, 8000 કિમી.ની રેલવે તથા હવાઈમાર્ગ જેવાં વાહનવ્યવહારનાં સાધનો છે.
રાજ્યની રાજધાની ઍટલાન્ટા છે. સમગ્ર રાજ્યની વસ્તી 2020માં 1,07,11,908 હતી. 6થી 18 વરસ સુધી શિક્ષણ નિ:શુલ્ક અને 1916થી તે ફરજિયાત છે. 4 યુનિવર્સિટી, 22 કૉલેજો અને 58 ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ છે. ઍટલાન્ટા ખાતે યુનિવર્સિટી છે. વિવિધ પ્રકારનાં પાંચેક મ્યુઝિયમ અને પુસ્તકાલયો છે.
રાજકીય : અમેરિકાનું ઘટક રાજ્ય. નવેમ્બર, 1976માં તેનું નવું બંધારણ સામાન્ય ચૂંટણીઓ દ્વારા મંજૂર થયું અને 1977થી તે અમલમાં મુકાયું. જ્યોર્જિયા રાજ્ય અમેરિકાનાં પચાસ રાજ્યોમાંનું સૌપ્રથમ ઘટક રાજ્ય હતું જેણે 18 કે તેથી વધુ વય ધરાવતા તમામ નાગરિકોને મતાધિકાર આપવાની પહેલ કરી હતી. તેની વિધાનસભા જનરલ ઍસેમ્બ્લી તરીકે ઓળખાય છે. તેનું ઉપલું ગૃહ સેનેટ 56 સભ્યો અને નીચલું ગૃહ પ્રતિનિધિસભા 180 સભ્યો ધરાવે છે. બંને ગૃહો બે વર્ષ માટે ચૂંટાય છે. તેની બેઠકો વાર્ષિક ધોરણે યોજાય છે. પ્રત્યેક વર્ષના જાન્યુઆરી મહિનાના બીજા સોમવારે યોજાતી બેઠક 40 દિવસ ચાલે છે.
અમેરિકાની સમવાય સરકાર – કેન્દ્ર સરકારમાં તે 13 સભ્યો પ્રતિનિધિસભા માટે ચૂંટી મોકલે છે અને બે સભ્યો સેનેટમાં મોકલે છે.
શિવપ્રસાદ રાજગોર