જૌનપુર : ઉત્તરપ્રદેશ રાજ્યમાં આવેલો જિલ્લો, શહેર અને જિલ્લાનો વિસ્તાર : 4038 ચોકિમી. જિલ્લાનું વડું મથક. 25° 44´ ઉ. અક્ષાંશ અને 82° 41´ પૂ. રેખાંશ પર વારાણસીથી વાયવ્ય ખૂણામાં ગોમતી નદીના કાંઠે તે આવેલું છે. જિલ્લાની પૂર્વે આઝમગઢ, દક્ષિણે વારાણસી અને સંત રવિદાસનગર ઉત્તરે ફૈઝાબાદ, વાયવ્ય ખૂણે સુલતાનપુર નૈર્ઋત્યે અલ્લાહાબાદ અને પશ્ચિમે પિથોરગઢ જિલ્લા આવેલા છે. સમગ્ર જિલ્લો સપાટ છે. ગંગાના મેદાનનો તે ભાગ છે. પૂરને લીધે અવારનવાર જમીનનું ધોવાણ થાય છે. સમુદ્રથી દૂર આવેલો હોઈને અહીં આબોહવા વિષમ છે. ઉનાળો અને શિયાળો આકરા હોય છે. મે માસમાં 41°થી 45° સે. તાપમાન રહે છે. શિયાળામાં સૌથી ઓછું તાપમાન 10° સે.થી 17° સે. રહે છે. ઉનાળા અને શિયાળા તથા રાત્રિ અને દિવસના તાપમાનમાં ઘણો તફાવત રહે છે. આશરે 1000થી 1250 મિમી. વરસાદ પડે છે. ગંગાની નહેરોથી સિંચાઈ થાય છે. વસ્તી 44,76,072 (2012). રેલ અને સડકમાર્ગે રાજ્યનાં ગાઝીપુર, અલ્લાહાબાદ, લખનૌ, ફૈઝાબાદ, ગોરખપુર વગેરે શહેરો સાથે સંકળાયેલું છે. તે ખાસ કરીને કૃષિ બજારકેન્દ્ર તરીકે વિકાસ પામ્યું છે. તેની આસપાસના ભાગોમાં ફૂલોના બગીચા આવેલા છે. અત્તર અને અન્ય સુગંધિત દ્રવ્યો તથા ફળફળાદિ અને શાકભાજીના વ્યાપારનું તે મુખ્ય કેન્દ્ર છે. ત્યાં ગોરખપુર યુનિવર્સિટી સાથે સંલગ્ન કૉલેજો છે.
કેટલીક મસ્જિદો ઉપરાંત સોળમી સદીમાં બંધાયેલો ગોમતી નદી પરનો પુલ જોવાલાયક છે.
જૌનપુર જિલ્લો ગંગાના ફળદ્રૂપ મેદાનોમાં આવેલો છે સિંચાઈની સુવિધાવાળા મોટા ભાગના વિસ્તારો ખેતી હેઠળ છે. ડાંગર, મકાઈ, જવ અને શેરડી જેવા પાકો મુખ્ય છે. જિલ્લાના શાહગંજ ખાતે ખાંડની મિલ છે.
ઇતિહાસ : શહેરની સ્થાપના અગિયારમી સદીમાં થઈ. પણ તે પછી ગોમતી નદીના ભારે પૂરથી તેનો વિનાશ થયો. 1360માં ફિરોઝશાહ તુઘલુકે તેને ફરીથી વસાવ્યું. તે સમયમાં બંધાયેલો કિલ્લો ત્યાં હજુ છે. જૌનપુર રાજ્યનો સ્થાપક મલિક સરવર મૂળ ફિરોઝશાહ તુઘલુકના પુત્ર મુહમ્મદનો હબસી ગુલામ હતો. તેને 1389માં વજીરપદ પ્રાપ્ત થયું અને તેને ‘ખ્વાજા જહાન’(પૂર્વનો રાજા)નો ઇલકાબ આપવામાં આવ્યો. છેલ્લા તુઘલુક સુલતાન મુહમ્મદે તેને ‘મલિક ઉસ શર્ક’નો ઇલકાબ આપ્યો અને પૂર્વ ભારતનો સૂબો નીમ્યો. 1394માં તેણે ઇટાવા, કોઇલ અને કનોજનો બળવો દબાવી દીધો અને અવધ, કનોજ, બહરીચ, સંદીલ, દલમાઉ અને બિહાર પરગણાં જીતી લીધાં. પશ્ચિમમાં કોઇલથી પૂર્વમાં તિરહુત અને બિહાર સુધીનો ગંગાની ખીણનો પ્રદેશ તેના કબજા નીચે હતો. બંગાળનો શાસક પણ તેને ખંડણી આપતો હતો. 1399માં તેનું મૃત્યુ થયું. તેણે સ્વતંત્રતા જાહેર કરી ન હતી.
મલિક સરવરના અનુગામી તેના દત્તકપુત્રે સુલતાન મુબારકશાહનું નામ ધારણ કર્યું હતું. તેણે સ્વતંત્રતા જાહેર કરતાં, મુહમ્મદ તુઘલુકના શક્તિશાળી વજીર મલ્લુ ઇકબાલખાને 1400માં જૌનપુર ઉપર ચડાઈ કરી. બંને પક્ષો વચ્ચેના યુદ્ધનો નિર્ણાયક અંત આવે તેમ ન હોવાથી સુલેહ થઈ અને બંને લડનારા તેમની રાજધાનીઓમાં પાછા ફર્યા. મુબારકશાહનું 1402માં મૃત્યુ થયું.
મુબારકશાહનો અનુગામી તેનો પુત્ર ઇબ્રાહીમ શમ્સ-ઉદ્-દીન નામ ધારણ કરીને જૌનપુરની ગાદીએ બેઠો. દિલ્હીના સુલતાન મુહમ્મદ તુઘલુકે અને તેના વજીર મલ્લુ ઇકબાલે જૌનપુર ઉપર ફરી ચડાઈ કરી. વજીરના સ્વભાવથી કંટાળીને સુલતાને નાસી જઈને, કનોજમાં આશ્રય લીધો અને મલ્લુ ઇકબાલખાન લડ્યા વિના જ દિલ્હી પાછો ફર્યો. સુલતાન મુહમ્મદ મલ્લુ ઇકબાલખાનના મૃત્યુ પછી 1405માં દિલ્હી પાછો ફર્યો. 1407માં સુલતાન ઇબ્રાહીમે દિલ્હીના સુલતાન પાસેથી કનોજ જીતી લીધું અને દિલ્હી તરફ પ્રયાણ કર્યું. પણ ગુજરાતનો સુલતાન મુઝફ્ફરશાહ દિલ્હીની મદદે આવે છે તેવી અફવા સાંભળી ઇબ્રાહીમશાહ જૌનપુર પાછો ફર્યો. તેના 14 વરસના શાસન દરમિયાન તેણે સાહિત્ય, કલા અને સંગીતને પ્રોત્સાહન આપ્યું. જૌનપુરના સુલતાને બયાના 1427માં અને કાલ્પી 1428 અને 1431માં જીતવા પ્રયત્ન કર્યા પણ તે નિષ્ફળ ગયો. દિલ્હીનો સુલતાન જૌનપુર ઉપર ચડી આવતાં ઇબ્રાહીમશાહ જૌનપુર પાછો ફર્યો અને તેણે માળવાના સુલતાન હોસંગશાહની મદદ માગી. હોસંગશાહે કાલ્પી જીતી લીધું. ઇબ્રાહીમશાહનું મૃત્યુ 1440માં થયું. તેના ચાળીસ વરસના શાસન દરમિયાન જૌનપુર વિદ્યાકેન્દ્ર બન્યું. કેટલીક સુંદર ઇમારતો, મસ્જિદ વગેરે અસ્તિત્વમાં આવ્યાં.
ઇબ્રાહીમખાનના અનુગામી મહમૂદશાહે બંગાળ, કાલ્પી અને માળવા ઉપર ચડાઈ કરી. માળવા અને જૌનપુર વચ્ચે મુસ્લિમ સંતની દરમિયાનગીરીને લીધે સંધિ થઈ. 1452માં બહલુલ લોદીને દૂર કરવા લડાઈ થતાં જૌનપુરની હાર થઈ. રાજા કરણે બહલોલ લોદીની સંમતિથી શમસાબાદ પર હુમલો કરતાં જૌનપુર અને દિલ્હી વચ્ચે ફરી લડાઈ થઈ. દિલ્હીનો સેનાપતિ કુત્બખાન પકડાયો અને સુલતાન મહમૂદનું 1547માં મરણ થતાં યુદ્ધ અનિર્ણાયક રહ્યું.
મહમૂદના મૃત્યુ પછી ભીખન મુહમ્મદશાહે શમસાબાદ ઉપર દિલ્હીનો હક્ક સ્વીકારતાં બંને રાજ્યો વચ્ચે સુલેહ થઈ. મુહમ્મદશાહને તેના 4 ભાઈઓ પૈકી કોઈ રાજ્ય પડાવી લેશે એવો ભય લાગતાં કુત્બખાનનું કાસળ કાઢી નાખવામાં આવ્યું. બાકીના ભાઈઓએ બળવો કર્યો અને કનોજમાં ભેગા થઈને હુસેનખાનને હુસેનશાહ તરીકે સુલતાન જાહેર કર્યો. ભાઈઓ સાથે લડતાં સુલતાન મુહમ્મદશાહનું મૃત્યુ થયું.
હુસેનશાહે તિરહુત જીતી ઓરિસા ઉપર હુમલો કર્યો. એને ઓરિસાના રાજાએ 30 હાથી, 100 ઘોડા અને કીમતી વસ્તુઓની ભેટ આપતાં જૌનપુર સાથે સુલેહ થઈ. હુસેનશાહે ગ્વાલિયરને ઘેરો ઘાલ્યો અને ખંડણી સ્વીકારીને સુલેહ કરી. હુસેનશાહે તેમની બેગમની ભંભેરણીથી દિલ્હી ઉપર ચડાઈ કરી. બહલુલ લોદીએ માળવાની મદદ માગી પણ માળવાના સુલતાનનું મરણ થતાં તેની મદદ મળી નહિ. જૌનપુરનું લશ્કર દિલ્હી નજીક આવી પહોંચતાં દિલ્હી આસપાસનો 30 માઈલ સુધીનો પ્રદેશ તેના કબજામાં રહે અને ખંડણી આપે તે શરતે તેણે જૌનપુર સાથે સુલેહ કરી.
લોદી વંશના છેલ્લા સુલતાન અને હુસેનશાહના સસરાએ બહલુલ લોદીને કારણે બદાયુંમાં આશ્રય લેવો પડ્યો હતો. તેથી હુસેનશાહે 1479માં દિલ્હી ઉપર ચડાઈ કરી પણ તે હાર્યો અને રાજ્ય ખોઈને તેણે બિહારમાં આશ્રય લીધો. અહીં રૂ. 5 લાખની આવક આપતી જાગીર તેને મળી.
બહલુલ લોદીના મૃત્યુ પછી સિકંદર લોદી ગાદી ઉપર આવ્યો. હુસેનશાહે સિકંદરના ભાઈ અને જૌનપુરના સૂબાને બળવો કરવા પ્રેર્યો પણ તેમાં હાર થતાં હુસેનશાહને સિકંદરની ચડાઈને કારણે બંગાળમાં આશ્રય લેવાની ફરજ પડી. અહીં તેનું મૃત્યુ થયું અને જૌનપુરના રાજ્યનો અંત આવ્યો.
જૌનપુરના સુલતાનોના અમલ દરમિયાન કુતબે અવધીમાં ‘મિરગાવત કથા’ લખી. આ ઉપરાંત ‘હમઝાનામા’, ‘ખમસા-ઈ-અમીર ખુશરૂ’, ‘સિકંદરનામા’, ‘શાહનામા’ તથા ફારસીમાં ‘મથનવી’ વગેરે ગ્રંથો લખાયા. જૌનપુરને ‘દારૂલ ઉલ અમન’ (આશ્રયસ્થાન) અને ‘ભારતના શીરાઝ’નાં બિરુદો મળ્યાં, દેશપરદેશના વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ માટે આવતા થયા. સુલતાનોએ સાહિત્ય અને વિદ્યાને ઉત્તેજન આપ્યું. 1559માં અકબરે શારકી જીતી લીધું. 1775માં તે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન હેઠળ આવ્યું.
બીજલ પરમાર