જોષી, રસિક બિહારી (જ. 12 ફેબ્રુઆરી, 1927, નાગપુર, મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્રના સંસ્કૃત તથા હિંદીના વિદ્વાન અભ્યાસી, લેખક અને કવિ. તેમના ‘શ્રી રાધા પંચશતી’ (1993) નામના કાવ્યસંગ્રહને 1995ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. સંસ્કૃતના ખ્યાતનામ વિદ્વાનોના પરિવારમાં તેમનો જન્મ થયો હોવાથી અભ્યાસનિષ્ઠાના સંસ્કાર તેમને શૈશવથી સાંપડ્યા હતા. ‘નવ્ય વ્યાકરણ’ તથા ‘નવ્ય ન્યાય’નો અભ્યાસ કરી તેમણે વ્યાકરણમાં ‘શાસ્ત્રી’ની ઉપાધિ મેળવી. પછી તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી એમ.એ. અને પીએચ.ડી.ની ડિગ્રીઓ મેળવી. ત્યારબાદ પૅરિસની સૉર્બોન યુનિવર્સિટીમાં ડી.લિટ. કક્ષાનો અભ્યાસ કરવા માટે તેમને 1956માં સ્કૉલરશિપ મળી. પછી તેમણે વારાણસી સંસ્કૃત યુનિવર્સિટીમાંથી ‘શાસ્ત્રી’ની પદવી પ્રાપ્ત કરી. 1957માં તેમણે યુનિવર્સિટીમાં અધ્યાપનથી પોતાની કારકિર્દી શરૂ કરી. તેમણે ભારતની તેમજ પરદેશની અનેક યુનિવર્સિટીઓમાં સંસ્કૃતનું શિક્ષણ આપ્યું. આંતરરાષ્ટ્રીય સ્તરે તેમણે અનેક પાંડિત્યપૂર્ણ શોધ-નિબંધો પ્રગટ કર્યા છે. તેમણે હિંદી, સંસ્કૃત, અંગ્રેજી, ફ્રેંચ તથા સ્પૅનિશ ભાષામાં 70 જેટલા મહત્વના લેખો તથા પુસ્તકો પ્રગટ કર્યાં છે. દેશ-વિદેશની અનેક સાંસ્કૃતિક સંસ્થાઓએ તેમને માન-સન્માનથી નવાજ્યા છે. 1984માં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા સર્ટિફિકેટ ઑવ્ ઑનર; ઉત્તરપ્રદેશનો સંસ્કૃત અકાદમી ઍવૉર્ડ (1979-81) તેમને મળ્યો છે. વળી તેમને પ્રાગની ચાર્લ્સ યુનિવર્સિટીનો ‘કમેમરેશન ગોલ્ડ મેડલ’, સાહિત્ય પરિષદ ઍવૉર્ડ, દિલ્હીની સંસ્કૃત એકૅડેમીયે ઍવૉર્ડ (1989) તથા 1995ના વર્ષનો ઉપર્યુક્ત કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ એનાયત થયા છે.
તેમણે 25 ગ્રંથો આપ્યા છે. સંસ્કૃતમાં ‘મોહભંગમ્’ (1978) અને ‘શ્રી રામપ્રતાપચરિતમ્’ (1998) એ બે મહાકાવ્યો છે. ‘શ્રી રાધા પંચશતી’ (1993) એમનો કાવ્યસંગ્રહ છે. ફ્રેન્ચમાંડેલિ રિચ્યુઅલ ડિ લા ડિવોશન ક્રેશ્નૈટે’ (1959) વિવેચનગ્રંથ અને લોસ યોગસૂત્રાસ ડે પતંજલિ’ (1992) ભાષાંતર છે. હિંદીમાં : ‘રાસપંચાધ્યાયી : સંસ્કૃતિ કા અધ્યયન’ (1961) ભાષાંતર; અંગ્રેજીમાં : સ્ટડીઝ ઇન ઇન્ડિયન લૉજિક ઍન્ડ મેટાફિઝિક્સ’ (1979) વિવેચન છે. ‘ધ લક્ષ્મી સહસ્ર ઑવ્ વેંકટાઘ્વરી’ (1981) અનૂદિત ગ્રંથ છે.
તેમની પુરસ્કૃત કાવ્યકૃતિ ‘શ્રી રાધાપંચશતી’ સ્રગ્ધરા, શાર્દૂલવિક્રીડિત, વસંતતિલકા તથા ભુજંગપ્રયાત જેવા છંદો પરનું તેમનું પ્રભુત્વ દર્શાવે છે. શાસ્ત્રીય પરિવેશનું સાહજિક નિરૂપણ, શૈલી તેમજ વિષયવસ્તુની રજૂઆતમાં ઔચિત્યવિવેક, ભાષાના અર્થપૂર્ણ પ્રયોગો વગેરે વિશેષતાઓના કારણે આ કૃતિ સંસ્કૃતમાં લખાયેલ ભારતીય કવિતાના ક્ષેત્રે ગુણવત્તાપૂર્ણ ઉમેરણ લેખાય છે. હાલ તેઓ મેક્સિકોમાં સેવારત છે.
મહેશ ચોકસી