જોષી, મહાવીરપ્રસાદ (જ. 1914, ડુંડલોડ, જિ. ઝુનઝુનુ, રાજસ્થાન) : ખ્યાતનામ હિંદી કવિ. બાળપણ શેખાવારીમાં. તેમને તેમના મહાકાવ્ય ‘દ્વારકા’, જે તેમના કાવ્યત્રયીનો ત્રીજો ભાગ છે તે બદલ 1986ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો છે.
તેમણે સંસ્કૃત તથા કેન્દ્રીય દર્શનનો અભ્યાસ કર્યો અને કાવ્ય-તીર્થ, સાહિત્યાચાર્ય તથા આયુર્વેદાચાર્યની પદવીઓ પ્રાપ્ત કરી. તેમણે તેમની કિશોરાવસ્થાથી જ કાવ્યો રચવાનું શરૂ કર્યું હતું. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ભારત-પતન’ 1928માં પ્રગટ થયો.
મહાવીરપ્રસાદ જોષી વ્યવસાયે વૈદ્ય હોવા સાથે એક પ્રશિષ્ટ કવિ તરીકે પણ જાણીતા થયા. તેઓ હિંદી અને સંસ્કૃત બંને ભાષાઓના સિદ્ધહસ્ત લેખક છે. તેમની 11 કૃતિઓ પ્રગટ થઈ છે, તેમાં અનૂદિત ગ્રંથનો પણ સમાવેશ થાય છે.
તેમણે ‘રામધારી શાસ્ત્રી સ્મૃતિ ગ્રંથ’નું સંપાદન કર્યું છે અને અનેક દૈનિકો–સામયિકોમાં નિયમિત લેખનકાર્ય કર્યું છે. તેઓ રાજસ્થાન સાહિત્ય અકાદમી દ્વારા પૃથ્વીરાજ પુરસ્કારથી અને રાજસ્થાન રત્નાકર, દિલ્હી દ્વારા દીપચંદ ઍવૉર્ડથી સન્માનિત કરાયા છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘દ્વારકા’ જે કાવ્યત્રયીનો ભાગ છે તે કાવ્યત્રયીનો પહેલો ભાગ ‘બિન્દ્રાવન’ અને બીજો ‘મથુરા’ છે. તેમાં ભગવાન શ્રીકૃષ્ણના પાછળના જીવનની ગૌરવગાથા રજૂ થઈ છે. અભિવ્યક્તિની તાજગી, કાવ્યાત્મક લાવણ્ય અને વૈવિધ્યપૂર્ણ પ્રતીકોની કલાત્મક ગૂંથણીના કારણે આ કૃતિ આધુનિક રાજસ્થાની સાહિત્યમાં એક ઉલ્લેખનીય પ્રદાન ગણાય છે.
બળદેવભાઈ કનીજિયા