જોશ મલીહાબાદી (જ. 5 ડિસેમ્બર, 1894, મલીહાબાદ; અ. 22 ફેબ્રુઆરી, 1982, ઇસ્લામાબાદ, પાકિસ્તાન) : ક્રાંતિકારી ઉર્દૂ કવિ. તેમનું મૂળનામ શબ્બીરહુસેનખાન હતું. સમૃદ્ધ જમીનદાર આફ્રિકી પઠાણ પરિવારમાં તેમનો જન્મ થયો હતો. તેમના પિતા અને પિતામહ પણ કવિ હતા. તેમણે અલીગઢની એમ.એ.ઓ. કૉલેજ અને આગ્રાની સેંટ પિટર્સ કૉલેજમાં અભ્યાસ કરીને સિનિયર કેમ્બ્રિજની પરીક્ષા પાસ કરી.
તેમણે વહીદુદ્દીન સલીમ પાણીપતિના માર્ગદર્શન હેઠળ કાવ્યરચના શરૂ કરી. ‘હિલાલ-એ-મોહૂતરાય’ તેમનું પ્રથમ કાવ્ય છે. 1918માં તેઓ થોડો વખત શાંતિનિકેતનમાં રહ્યા. 1935માં ‘કલીમ’ સાહિત્યિક મૅગેઝિનના સંપાદક; પછી 1940માં ‘નયા અદબ ઔર કલીમ’ સાથે સંકળાયા. 1924–1934 સુધી તેમણે હૈદરાબાદમાં ‘દર-ઉલ-તર્જનામા’માં નાજર તરીકે કામગીરી કરી.
1943માં તેઓ મુંબઈ ગયા અને થોડો વખત ફિલ્મોમાં ગીત લખ્યાં. 1948થી 1955 સુધી તેઓ ‘આજકલ’ (ઉર્દૂ)ના સંપાદક રહ્યા. 1956માં તેઓ પાકિસ્તાન ગયા. 1958માં કરાંચીમાં તરક્કી-એ-ઉર્દૂ બોર્ડમાં જોડાયા. તેઓ ઉર્દૂ, ફારસી, અરબી અને અંગ્રેજીના સારા જાણકાર હતા. તેમણે ગઝલો નહિ પણ નજમોની રચના કરી છે, તેઓ ભાષાના શાહસોદાગર હતા. તેમનું જુસ્સાદાર વ્યક્તિત્વ, કાવ્યપઠનની આગવી છટા અને પ્રભાવિત કરતી બગાવતને કારણે વીસમી સદીમાં તેઓ અગ્રણી કવિ તરીકે ઊપસી આવ્યા. તેમણે ભારતમાં બ્રિટિશ શાસન વિરુદ્ધ કાવ્યો રચેલાં, જે ખૂબ લોકપ્રિય બન્યાં હતાં. ‘ઈસ્ટ ઇન્ડિયા કંપની કે ફરજંદો કે નામ’, ‘બગાવત’, શિકસ્ત-એ-ઝિન્દૉ કા ખ્વાબ’ જેવી રચનાઓથી તેઓ ‘શેરે-ઇન્કિલાબ’ તરીકે લોકપ્રિય બન્યા. ‘યાદોં કી બારાત’ (1970) તેમની આત્મકથા છે.
તેમણે 20 ગ્રંથો આપ્યા છે. ‘રૂહ-એ-અદબ’ (1920), ‘મકાલતે ઝર્રિન’ (1921), ‘ઔરક-એ-શહર’ (1921), ‘શેરકિ રાતેં’ (1933), ‘નક્શ-ઓ-નિગાર’ (1936), ‘જુનૂન-ઓ-હિકમત’ (1937), ‘હર્ફ-ઓ-હિકાયત’ (1938), ‘આયાત-ઓ-નઘમત’ (1941), ‘હુસ્ન ઔર ઇન્કિલાબ’ (1941), ‘ઇશરત’ (1944) ‘અર્ષ-ઓ-ફર્શ’ (1944), ‘રમિશ-ઓ-રંગ’ (1945), ‘સુમ્બુલ-ઓ-સાલસિલ’ (1945), ‘સૈફ-ઓ-સુબુ’ (1947), ‘સુરૂદ-ઓ-ખરોશ’ (1953), ‘તુલૂ-એ-ફિક’ (1957), ‘નુજૂમ-ઓ-જવાહર’ (1970), ‘ઇલમ-ઓ-અફકાર’ (1971) વગેરે ઉલ્લેખનીય છે.
તેમણે સામાજિક, રાજકીય, ધાર્મિક કે સાંસ્કૃતિક ષ્ટિએ સ્થાપિત હિતોવાળા ઉપર તેમની ઉપર્યુક્ત ગદ્ય-પદ્ય રચનાઓ દ્વારા પ્રહારો કર્યા છે. તેમની ખ્યાતનામ રચના ‘નિષ્ઝામે નવ’ છે. તેમની કવિતામાં સ્ત્રીના સૌંદર્યનું તથા ગ્રામીણ પ્રકૃતિનું આકર્ષક વર્ણન જોવા મળે છે.
જમાલુદ્દીન રહીમુદ્દીન શેખ