જોશી, સોમેશ્વર દ્વારકાદાસ (ઓગણીસમી સદી) : જ્યોતિષના સંસ્કૃત ગ્રંથોનો ગુજરાતીમાં અનુવાદ કરનાર વિદ્વાન. તે ખેડા જિલ્લાના કપડવંજ ગામના રહેવાસી, વડાદરા જ્ઞાતિના બ્રાહ્મણ હતા. તેમણે જ્યોતિષના અનેક સંસ્કૃત ગ્રંથોનું અધ્યયન-પઠન કર્યું હતું. જ્યોતિષના સંસ્કૃત ભાષામાં તો અનેક ગ્રંથો છે પરંતુ ગુજરાતીમાં નહિ હોવાથી તેમણે ‘જાતક પારિજાત’ નામે અઢાર અધ્યાય અને 1900 શ્લોકોના સંસ્કૃત ગ્રંથનું ગુજરાતીમાં ભાષાન્તર કરી તે ઈ. સ. 1911માં છપાવ્યું. આ ગ્રંથમાં રાશિઓનું વર્ણન, ગ્રહોનું વર્ણન, આયુષ્યયોગ, અનેક પ્રકારના રાજયોગો, ભાસ્કર પંચમહાપુરુષ, કેમદ્રુમ, સુનફા અનફા દુર્ધરાયોગ, પાંચ-છ ગ્રહોની યુતિઓ, અષ્ટક વર્ગ, મુખ્ય ગ્રહોની દશા, કાળચક્રદશા વગેરે માહિતી આપેલ છે.
ઈન્દ્રવદન વિ. ત્રિવેદી