જોશી, સોમેશ્વર ગોપાળજી (જ. 18 જાન્યુઆરી 1875, કપડવંજ; અ. 26 ઑક્ટોબર 1916) : ગુજરાતી ભાષામાં જ્યોતિષવિષયક ગ્રંથોના લેખક, સારા જ્યોતિષી. જ્ઞાતિએ ચોરાસી મેવાડા બ્રાહ્મણ. મૅટ્રિક પાસ થયા પછી જ્યોતિષ અને સંસ્કૃતનો ઊંડો અભ્યાસ કરી તેમણે અનેક પારિતોષિક મેળવ્યાં. 40 વર્ષની ઉંમરે જ્યોતિષની પૌરસ્ત્ય અને પાશ્ચાત્ય બંને પદ્ધતિનો સમન્વય કરી તેમણે ‘જ્યોતિષરહસ્યમ્’ નામનું 615 પાનાંનું પુસ્તક રચ્યું. જ્યોતિષ એ સ્વચ્છનિર્મળ સત્ય શાસ્ત્ર છે તેવી પ્રતીતિ થતાં તેમણે લોકોપયોગી જ્યોતિષનું પુસ્તક તૈયાર કરી છપાવ્યું. આ પુસ્તકમાં કુંડળીઓ કેવી રીતે માંડવી તે, ગ્રહોનાં સ્થાન, કાલનિર્ણય, ચલનવલન કેમ આપવું, સૂર્ય-ચંદ્ર-લગ્ન કુંડળી એ વિષયોનું સ્પષ્ટીકરણ, ગ્રહોના ગુણ-સ્વભાવ, રાશિઓનાં લગ્ન પરત્વે ફળ, શુભાશુભ સમય, મુહૂર્ત, નેપ્ચૂન સહિતના ગ્રહોનું ભાવફળ-ર્દષ્ટિફળ વગેરે અનેક બાબતો આવરેલી છે. તેમને પશ્ચિમી લેખકો રાફેલ, લિયો ઝાડકિલ આદિનાં મંતવ્યો અને આર્યાવર્તના જ્યોતિષીઓ વિશે સારી જાણકારી હતી.
ઈન્દ્રવદન વિ. ત્રિવેદી