જોશી, સરિતા (જ. 1941, પુણે) : ગુજરાતી રંગભૂમિની ખ્યાતનામ અભિનેત્રી. પિતાના ઘરનું નામ, ઇન્દુ ભોંસલે. નાનપણથી જ વ્યાવસાયિક મરાઠી અને ગુજરાતી રંગભૂમિ ક્ષેત્રે પદાર્પણ. 7 વર્ષની વયે વડોદરામાં ન્યૂ લક્ષ્મીકાન્ત નાટક સમાજમાં અભિનેત્રી તરીકે કારકિર્દી શરૂ કરી. આધુનિક રંગમંચ પરનું પ્રથમ નાટક તે ‘પઢો રે પોપટ’ જે કાંતિ મડિયાના નિર્દેશન હેઠળ 8 ફેબ્રુઆરી, 1962ના રોજ ભારતીય વિદ્યાભવન ખાતે રજૂ થયું. ત્યારબાદ ‘જાનમાં આવજો’, ‘બળવંતની બેબી’ (દિગ્દર્શક : અદી મર્ઝબાન), ‘ઘેર બેઠાં ગંગા’ વગેરે નાટકોમાં વિવિધ ભૂમિકાઓ ભજવી. સન 1966ની પાંચમી નવેમ્બરે રંગભવન ખાતે પ્રવીણ જોશીના નિર્દેશન હેઠળ પ્રથમ વાર રજૂ થયેલા નાટક ‘ચંદરવો’થી આઈએનટીમાં પ્રવેશ કર્યો. તે પછીનાં વર્ષોમાં ‘અને ઇન્દ્રજિત’, ‘સપ્તપદી’, ‘અગનખેલ’, ‘ધુમ્મસ’, ‘હિમડંખ’, ‘લીલાલહેર’, ‘મોતી વેરાણાં ચોકમાં’, ‘સપનાનાં વાવેતર’, ‘કુમારની અગાશી’, ‘પ્રેમશાસ્ત્ર’, ‘સંતુ રંગીલી’, ‘શરત’, ‘વૈશાખી કોયલ’, ‘સાહ્યબો ગુલાબનો છોડ’, ‘મોસમ છલકે’, ‘લેડી લાલકુંવર’, ‘લાક્ષાગૃહ’, ‘શ્રીલેખા’, ‘ગોરંભો’, ‘અલકમલકની અલબેલી’, ‘કુંવર વહેલા રે પધારજો’ વગેરે આઈએનટી નિર્મિત નાટકોમાં તેમજ ‘સળગ્યાં સૂરજમુખી’, ‘કાચનો ચન્દ્ર’, ‘રમત શૂન ચોકડીની’ જેવાં અન્ય સંસ્થાનાં નાટકોમાં એક એકથી ચઢિયાતી ભૂમિકાઓ ભજવી. સૌથી વધારે પ્રસિદ્ધિ મળી ‘સંતુ રંગીલી’ નાટકમાં સંતુની ભૂમિકાથી. દરમિયાન પ્રવીણ જોશી પ્રત્યે આકર્ષાયાં. બેઉ કલાકારો લગ્નગાંઠે બંધાઈ ગયાં. હવે તેમની પ્રતિભાને નવું પ્રેરકબળ મળ્યું. ‘સપ્તપદી’ આદિ નાટકોમાં જોશી દંપતીની જોડીએ ધૂમ મચાવી. પ્રવીણની આઘાતજનક વિદાય પછી તેમણે રંગભૂમિ તથા ચલચિત્રક્ષેત્રે અભિનય આપવાનું ચાલુ રાખ્યું. સન 1983માં પ્રવીણ જોષી થિયેટરની સ્થાપના કરી. ‘એક હતી રૂપલી’, ‘એક લાલની રાણી’, ‘સવિતા દામોદર પરાંજપે’, ‘ગુપચુપ’, ‘દેવકી’, ‘સખા સહિયારા’, ‘ક્ષણ વત્તા ક્ષણ’ જેવાં ઉત્કૃષ્ટ નાટકો રજૂ કર્યાં. ‘દેવકી’, ‘સખા સહિયારા’ અને ‘ક્ષણ વત્તા ક્ષણ’માં તેમના દિગ્દર્શનનો કસબ ખીલી ઊઠ્યો. રંગમંચ ઉપરાંત ‘રમત રમાડે રામ’, ‘સમય વર્તે સાવધાન’, ‘સંતશિરોમણિ’, ‘જનમટીપ’ જેવી ગુજરાતી ફિલ્મોમાં ‘બીસ સાલ બાદ’, ‘કન્યાદાન’ જેવી હિન્દી ફિલ્મોમાં તથા અન્ય ક્ષેત્રીય ભાષાઓની ફિલ્મોમાં પણ વિવિધ ભૂમિકાઓ ભજવી. ગુજરાતી ફિલ્મમાં ભજવેલી ભૂમિકાઓ બદલ ગુજરાત સરકારના ત્રણ પુરસ્કાર પ્રાપ્ત થયા તો અખિલ મરાઠી નાટ્ય પરિષદે (મુંબઈ) 1984માં તેમનું બહુમાન કર્યું. ગુજરાતી રંગભૂમિક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન બદલ 1988માં ભારત સરકારનો ‘સંગીત નાટક અકાદમી’ પુરસ્કાર પ્રાપ્ત કર્યો. ‘બા બહુ ઔર બેબી’ ધારાવાહીમાં સરિતા જોશીને ઉત્તમ અભિનય માટે 2007નો ઇન્ડિયન ટેલિવિઝન એકૅડેમી ઍવૉર્ડ મળ્યો છે. 150 કરતાં પણ વધુ નાટકોમાં પ્રાણવાન ભૂમિકાઓ ભજવી દેશવિદેશમાં ગૂર્જર રંગભૂમિનું નામ ગાજતું કરી ગુજરાત સંગીત નાટક અકાદમીનો ગૌરવ પુરસ્કાર મેળવ્યો.

દૂરદર્શનની એક હિંદી (વર્ષ 2009) ‘બા બહુ ઔર બેબી’ ધારાવાહીમાં તેમણે એક અઘરી (tough) સ્ત્રીની જે ભૂમિકા ભજવી હતી તે માટે સરિતા જોશીએ સાર્વત્રિક લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી. આ ધારાવાહીનો પ્રથમ ફેરો (round) પૂરો થયા બાદ પ્રેક્ષકોની જોરદાર માગણીને લીધે તે બીજા ફેરામાં પ્રસારિત કરવામાં આવી હતી જેનો જશ સરિતાના અભિનયને ફાળે જાય છે. 9x ચૅનલ પર પ્રસારિત ધારાવાહી ‘કુછ કૂક હોતા હૈ’ (જે 9x પર પ્રસારિત થતી હતી)માં સરિતાએ જે ભૂમિકા ભજવી હતી તે ધારાવાહીએ પણ તેમને લોકપ્રિયતા અપાવી હતી. ‘ગુરુ’ શીર્ષક હેઠળ તેમણે અભિષેક બચ્ચનની માતાની જે ભૂમિકા ભજવી હતી તે પણ ખૂબ લોકપ્રિય નીવડી હતી. આ ચલચિત્રનું દિગ્દર્શન-ચલચિત્ર નિર્માણ મણિરત્નમે કર્યું હતું.

તેમની પુત્રી કેતકી દવે અને પૂર્વી જોશી પણ અભિનેત્રી છે. કેતકી દવેએ ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ ધારાવાહીમાં ભજવેલ ભૂમિકા યાદગાર બની હતી.

દૂરદર્શન પરની કેટલીક ધારાવાહીઓમાં સરિતાને મળેલ અસાધારણ સફળતા છતાં સરિતા નિષ્ઠાથી માને છે કે નાના પડદા કરતાં નાટકના રંગમંચ પર અભિનય કરવો તેમને વધારે પસંદ છે  કારણ કે તેના દ્વારા જ સાચા કલાકારની પરખ થઈ શકતી હોય છે.

મહેશ ચંપકલાલ શાહ