જોશી, શિવકુમાર ગિરજાશંકર (જ. 16 નવેમ્બર 1916, અમદાવાદ; અ. 4 જુલાઈ 1988) : જાણીતા ગુજરાતી નાટ્યકાર અને નવલકથાકાર. માતા તારાલક્ષ્મી અને પિતા ગિરજાશંકર. પિતા અમદાવાદના ઉચ્ચ ભદ્ર વર્ગના ગર્ભશ્રીમંત હતા. પ્રાથમિક, માધ્યમિક, કૉલેજશિક્ષણ અમદાવાદમાં. 1937માં ગુજરાત કૉલેજમાંથી સંસ્કૃત સાથે બી.એ.; તરત પિતાએ કાકાના કાપડના ધંધામાં ગોઠવાવા કૉલકાતા મોકલી આપ્યા. શિવકુમારને આ ‘દેશવટો’ ફળ્યો. તેમના સમગ્ર જીવનચિત્રનાં રૂપ, રંગ, રેખા, વળાંક અને વહેણ કૉલકાતાના લાંબા વસવાટને કારણે આમૂલાગ્ર પરિવર્તન પામ્યાં. પિતાએ પરાણે સુનંદા સાથે પરણાવ્યા. ત્રણ સંતાનો થયાં; પરંતુ પ્રથમથી જ પ્રેમ થયેલો સત્યવતી મહેતા સાથે. સુનંદાથી છૂટાછેડા લઈ સત્યવતીને પરણ્યા અને એક પુત્રરત્ન પામ્યા. શિવકુમારનું સમગ્ર જીવન દ્વન્દ્વોમાં જ વીત્યું, જે તેમના સાહિત્યસર્જનનું ખાતર બની ગયું.
અત્યંત સંવેદનશીલ, મધુર વ્યક્તિત્વ. બાળવયથી જ નાટકોનું ઘેલું લાગેલ, જે જીવનભર વિકસ્યું. વિસ્તર્યું, વિશિષ્ટ બન્યું. નાટ્યલેખનમાં, અદાકારીમાં, દિગ્દર્શનમાં, નિર્માણ અને સંયોજનમાં નાટ્યસંગીત અને પ્રકાશનમાં પણ પૂરા માહેર. ગુજરાતી અને હિંદી રંગભૂમિ પર લગભગ ચાર દાયકા છવાયેલા રહ્યા.
પ્રથમ એકાંકીસંગ્રહ ‘પાંખ વિનાનાં પારેવાં’ 1952માં પ્રસિદ્ધ થયો. પછી બીજા સંગ્રહો પ્રસિદ્ધ થતા રહ્યા – ‘અનંત સાધના’ (1955), ‘સોનાની હાંસડી રૂપાની હાંસડી’ (1959), ‘નીલાંચલ’ (1962), ‘નીરદ છાયા’ (1966), ‘ગંગા વહે છે આપની’ (1977) વગેરે. તેમનાં નાટકોનું વિષયવસ્તુ શહેરી ઉચ્ચ વર્ગનું જીવન. શિષ્ટતા તેમના હાડમાં. નાટકમાં સંઘર્ષ અંતર્મુખી અને પાત્રલક્ષી હોય છે. તખ્તાસૂઝ ઊંડી અને અસરકારક. તેમણે ‘બે તખ્તા’ જેવા પ્રયોગો પણ કર્યા. રેડિયો નાટકો–જે શ્રાવ્યવિશિષ્ટ હોય છે તેમાં પણ તેમને સારી સફળતા વરી.
જેમ એકાંકીમાં તેમજ અનેકાંકી નાટકોમાં પણ તેમની કલમ સફળ અને સશક્ત નીવડી. ‘અંધારાં ઉલેચો’ (1955), ‘અંગારભસ્મ’ (1956), ‘સાંધ્યદીપિકા’ (1957), ‘દુર્વાંકુર’ (1957), ‘ઘટા ધીરી ધીરી આઈ’ (1959), ‘એકને ટકોરે’ (1960), ‘સુવર્ણરેખા’ (1961), ‘શતરંજ’ (1962), ‘કૃત્તિવાસ’ (1965), ‘સાપ ઉતારા’ (1966), ‘સંધિકાળ’ (1967), ‘બીજલ’ (1969), ‘અજરામર’ (1970), ‘કહત કબીરા’ (1971), ‘નીલ આકાશ’, ‘લીલી ધરા’, ‘દ્વિપર્ણ’ (1976), ‘અમર, અમર, મર’ (1982), ‘માશંકરની ઐસી તૈસી’ (1982) વગેરે અનેકાંકી નાટકો છપાતાં રહ્યાં અને કૉલકાતા-મુંબઈ-ગુજરાતમાં ભજવાતાં રહ્યાં. ગુજરાત સરકાર અને સાહિત્યિક સંસ્થાઓનાં પારિતોષિકો પામતા રહ્યા. નાટ્યક્ષેત્રે વિશિષ્ટ અને માતબર પ્રદાન માટે તેમને 1952માં કુમાર ચંદ્રક, 1959માં નર્મદ સુવર્ણચંદ્રક અને 1970માં રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયા.
નાટકોની સાથોસાથ નવલકથાઓ પ્રસિદ્ધ થતી રહી. 1956માં પ્રથમ નવલકથા ‘કંચુકીબંધ’ પ્રસિદ્ધ થઈ ત્યારથી તેમની નવલકથાઓનો એક ઢાંચો ઊપસી આવ્યો. શહેરી, ભાવનાશાળી પાત્રોના સામાજિક સંઘર્ષો અને મથામણોના વિષયવસ્તુને તે પોતાના બહોળા પ્રવાસ અનુભવોની રેખાઓથી અને 50 વરસના કૉલકાતા વસવાટના અવનવા રંગોથી ચીતરતા રહીને વસ્તુગૂંથણીમાં શિથિલ થઈ જતી લાંબી નવલકથાઓને શિષ્ટ ભાષા અને પ્રવાહી પ્રાસાદિક શૈલીને કારણે વાચનક્ષમ બનાવતા રહ્યા. 1958માં ‘અનંગરાગ’, 1961માં ‘શ્રાવણી’, 1964માં ‘આભ રુવે એની નવલખ ધારે’, 1966માં ‘એસ. એસ. રૂપનારાયણ’, 1967માં ‘દિયો અભયનાં દાન’, ‘સોનલ છાંય’, ‘કેફ કસુંબલ’ અને ‘રજતરેખ’, 1968માં ‘કમલ કાનન કોલોની’ અને ‘એક કણ રે આપો’, 1969માં ‘નથી હું નારાયણી’, 1970માં ‘અયનાંશુ’, 1971માં ‘અસીમ પડછાયા’, 1972માં ‘લછમન ઉરમૌલા’, 1973માં ‘વસંતનું એ વન’, 1975માં ‘ચિરાગ’ અને ‘મરીચિકા’, 1976માં ‘પોપટ આંબા કેરી ડાળ’, 1978માં ‘આ અવધપુરી! આ રામ !!, 1979માં ‘ઊડી ઊડી જાય પારેવાં’, 1980માં ‘પ્રિય રમ્ય વિભાવરી’, 1981માં ‘ગંગા બહૈ, નહિ રૈન’, 1983માં ‘કલહંસી’, 1984માં ‘કેસૂડે કામણ ઘોળ્યાં’ વગેરે મળીને 1956થી 1984 દરમિયાન કુલ 28 નવલકથાઓ તેમણે આપી. મોટા ભાગની રવિપૂર્તિઓમાં ધારાવાહિક રૂપે અને પછી પુસ્તક રૂપે. ‘સોનલ છાંય’ જેવી લાઘવના લાવણ્યથી રસિત લઘુનવલનો બંગાળીમાં અનુવાદ થયો છે.
એમનો નવલિકાનો ફાલ પણ વિપુલ છે. તેમાંની આશરે 250 વાર્તાઓના 14 વાર્તાસંગ્રહો પ્રસિદ્ધ થયા છે : ‘રજનીગંધા’ (1955), ‘ત્રિશૂળ’ (1957), ‘રહસ્યનગરી’ (1959), રાત અંધારી (1962), અભિસાર (1965), ‘કનકકટોરો’ (1969), ‘કોમલગાંધાર’ (1970), ‘કાજલકોટડી’ (1973), ‘નવપદ’ (1976), ‘છલછલ’ (1977), ‘શાંતિ પારાવાર’ (1978), ‘સકલ તીરથ’ (1980) અને ‘શબરીબાઈનાં એઠાં બોર’ (1982) વગેરે. શિવકુમાર માંડીને કથા કહેતા કથાકાર છે. ક્યારેક ટૅકનિકના પ્રયોગો કરતાં કહી સંભળાવવાની રીતે લખાયેલી વાર્તાઓમાં તે વધુ સફળ છે.
શિવકુમાર ચિરપ્રવાસી હતા. વિશ્વયાત્રાની કથાઓ કહેતાં બે દળદાર પ્રવાસવર્ણનો ‘જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા’ (1982)માં છે; તો પાકિસ્તાન સફરની કથા છે ‘પગલાં પડી ગયાં’ (1982)માં. શિવકુમારે આત્મકથનાત્મક પુસ્તક એક જ લખ્યું : ‘મારગ આ પણ છે શૂરાનો’ (1980) જેમાં પોતાના રંગભૂમિના અનુભવોની સ્મૃતિકથા છે. શિવકુમારે દિલ્હીની સાહિત્ય અકાદમીના આમંત્રણથી બંગાળીમાંથી અનુવાદો પણ કર્યા. રવીન્દ્રનાથની નવલકથા ‘જોગાજોગ’ (1969), વિભૂતિભૂષણ બંદોપાધ્યાયની નવલ ‘આદર્શ હિન્દુ હોટલ’ (1977) તથા વિજય ભટ્ટાચાર્યની કૃતિ ‘નવું ધાન’ (1977) વગેરે.
શિવકુમાર સાપ્તાહિકોમાં કૉલમો લખતા તેનો એક સંગ્રહ ‘ચૌરંગીને ચોતરેથી’ પ્રસિદ્ધ થયો છે. 1952થી 1988 સુધીના 36 વર્ષના લેખનકાળમાં શિવકુમારનાં કુલ 88 પુસ્તકો પ્રસિદ્ધ થયાં. અવસાન સમયે બીજાં આશરે ડઝનેકની પાંડુલિપિ તૈયાર હતી.
શિવકુમાર જાહેરજીવનના શોખીન હતા. કૉલકાતાના ગુજરાતી સાહિત્ય મંડળની વિવિધલક્ષી પ્રવૃત્તિઓના તે પ્રાણરૂપ બની ગયેલા. 1953માં અજોડ અનિયતકાલિક વાર્ષિક ‘કેસૂડાં’ના આદ્યતંત્રીઓમાંના એક બન્યા અને આખર સુધી સક્રિય સહયોગ આપતા રહ્યા. ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી અને ઉપપ્રમુખ બન્યા, કૉલકાતાની બંગાળી-હિંદી સાહિત્યિક સંસ્થાઓમાં હોદ્દેદાર હતા. ગુજરાતી રંગભૂમિના પ્રણેતા બન્યા અને હિંદી રંગમંચ ઉપર ગણનાપાત્ર પ્રદાન કર્યું. ચિત્ર-સંગીત-પુસ્તક પ્રદર્શનો-નૃત્ય-નાટક-કળાની સર્વ પ્રવૃત્તિઓમાં સદાય અગ્રેસર રહ્યા. ગુજરાતી-બંગાળી-હિંદીભાષીઓ વચ્ચે એક અતૂટ સંસ્કારસેતુ બનીને તે જીવ્યા.
જયંતીલાલ મહેતા