જોશી, પ્રવીણ (જ. 1 જાન્યુઆરી 1936, પાટણ; અ. 19 જાન્યુઆરી 1979, મુંબઈ) : સાઠ અને સિત્તેરના દાયકામાં આગવી અભિનયશૈલી તથા કુશળ દિગ્દર્શનકલા દાખવનાર નાટ્યકલાકાર. મુંબઈની મૉડર્ન સ્કૂલમાં અભ્યાસ કરતાં કરતાં નાટ્ય તરફ અભિરુચિ કેળવવા માંડી અને કવિ પ્રહલાદ પારેખના પ્રોત્સાહનથી નાટ્યની કેડીએ પગરણ માંડ્યાં. બાળકો માટે ‘આકાશવાણી’ પરથી પ્રસારિત થતા કાર્યક્રમ ‘બહુરૂપી’માં ભાગ લઈ અભિનયપ્રતિભા અને લેખનપ્રતિભાનો પરિચય કરાવ્યો.
એસ.એસ.સી. પાસ થયા પછી 1 વર્ષ સુરતની કૉલેજમાં અભ્યાસ. મુંબઈ પાછા ફરી રુઇયા કૉલેજમાં જોડાયા. ભારતીય વિદ્યાભવન દ્વારા યોજવામાં આવતી નાટ્યસ્પર્ધાઓમાં ભાગ લેવા માંડ્યો. જાણીતા દિગ્દર્શક રમેશ જમીનદારના માર્ગદર્શન હેઠળ તેમણે વિશ્વની શ્રેષ્ઠ નાટ્યકૃતિઓનો અભ્યાસ કરી આધુનિક નાટ્યપ્રવાહો વિશે તલસ્પર્શી જાણકારી મેળવી. ‘રંગભૂમિ’ સંસ્થામાં જોડાઈ ચંદ્રવદન ભટ્ટના સહાયક બન્યા. ‘વારસદાર’ નાટકમાં નાટ્યનિર્માણનાં તમામ પાસાં સંભાળ્યાં.
1956માં ભવન નાટ્યસ્પર્ધામાં ‘કહેવું કોને’ પ્રહસનથી તેમની કારકિર્દીમાં મોટો વળાંક આવ્યો. આઈએનટીના તે વખતના દિગ્દર્શક કૃષ્ણ શાહે ‘કદમ મિલાકે ચલો’ નાટકમાં ભૂમિકા સોંપી અને વ્યાવસાયિક રંગભૂમિ ક્ષેત્રે તેમની કારકિર્દી આરંભાઈ. 2 જૂન 1961ના દિવસે આઈએનટીએ યોજેલા નાટ્યમહોત્સવમાં રવીન્દ્રનાથ ટાગોરની વિખ્યાત કૃતિ ‘ચિરકુમારસભા’નું ગુજરાતી રૂપાંતર ‘કૌમાર અસંભવમ્’ રજૂ કરી દિગ્દર્શનનો દોર સંભાળ્યો.
1961થી 1978ના ગાળામાં આઈએનટીના સથવારે ‘મીનપિયાસી’, ‘અલિકબાબુ’, ‘મોગરાના સાપ’, ‘કોઈનો લાડકવાયો’, ‘મને રોકો મા’, ‘કૉફીનો એક કપ’, ‘મંજુ મંજુ’, ‘મહાપાપી મહાભીરુ’, ‘માણસ નામે કારાગાર’, ‘તિલોત્તમા’, ‘ચંદરવો અને ઇન્દ્રજિત’, ‘સપ્તપદી’, ‘ચાલો ઘર ઘર રમીએ’, ‘અગનખેલ’, ‘ધુમ્મસ’, ‘તિરંગી તેહમુલ’, ‘ઘેર ઘૂઘરો ને ઘોટાલો’, ‘મોતી વેરાણાં ચોકમાં’, ‘સગપણનાં ફૂલ’, ‘સપનાનાં વાવેતર’, ‘ચોર બજાર’, ‘કુમારની અગાશી’, ‘પ્રેમશાસ્ત્ર’, ‘સંતુ રંગીલી’, ‘શરત’, ‘ખેલંદો’, ‘સાહ્યબો ગુલાબનો છોડ’, ‘જૂઠ બોલે કૌઆ કાટે’, ‘થેંક યૂ મિ. ગ્લાડ’, ‘મોસમ છલકે’ જેવાં એક એકથી ચઢિયાતાં નાટકો આપી ગુજરાતી રંગભૂમિની તાસીર બદલી નાંખી. આ નાટકોના કુલ મળી લગભગ 2000 નાટ્યપ્રયોગો થયા. તેમાં ‘સંતુ રંગીલી’ 321 પ્રયોગો સાથે મોખરે રહ્યું.
મંચ ઉપર કામ કરતાં તેમને પોતાના જેવી જ એક બીજી પ્રતિભાનો પરિચય થયો – સરિતા (ખટાઉ) જોશીનો. ‘સપ્તપદી’ આદિ નાટકોમાં જોડી જામી… સમય જતાં બંનેએ સંસારની રંગભૂમિ ઉપર પણ સાથે રહેવાનું નક્કી કર્યું. બેઉ પરણી ગયાં. સરિતા ખટાઉમાંથી સરિતા જોશી બન્યાં. હવે પ્રવીણની કલા વધુ ખીલી. બંને કલાકાર પોતાની આગવી પ્રતિભા જાળવીને સુંદર સમન્વય સાધી શક્યાં. આને કારણે જ પ્રવીણના અવસાન પછી પણ સરિતાની કલામાં ઓટ આવી નથી.
આકાશવાણી સાથે 25 વર્ષ સુધી પ્રસારણનો સહયોગ રહ્યો. 1958થી 1961 સુધીમાં 3 સામયિકોનું સંપાદન કરવા ઉપરાંત અખબારોમાં નિયમિત કટારો લખી. વિદેશી નાટકોનાં રૂપાંતર પણ કર્યાં. સાથે સાથે આઈએનટીનો પ્રચાર વિભાગ પણ સંભાળ્યો. 1958, 1961 અને 1965માં મહારાષ્ટ્ર રાજ્યની નાટ્યસ્પર્ધામાં શ્રેષ્ઠ અભિનેતાના ઍવૉર્ડ મેળવવા ઉપરાંત 1961થી 1966 દરમિયાન એ રાજ્યકક્ષાની સ્પર્ધામાં સતત 5 વાર શ્રેષ્ઠ દિગ્દર્શનના પુરસ્કાર મેળવ્યા.
હિન્દી ફિલ્મ ‘આક્રાન્ત’ અને ગુજરાતી ફિલ્મ ‘કુમકુમ પગલાં’માં મુખ્યપાત્રની ભૂમિકા કરી અને હિંદી ફિલ્મમાં દિગ્દર્શનની જવાબદારી પણ સ્વીકારી. વિદેશોની રંગભૂમિના અભ્યાસ તથા નિરીક્ષણ માટેની પણ તેમને તક મળતી રહી. બ્રિટિશ કાઉન્સિલના ઉપક્રમે બ્રિટિશ ડ્રામા લીગ, લંડન તથા ગિલ્ડર સ્કૂલ ઑવ્ ડાન્સ ઍન્ડ ડ્રામા, લંડન તરફથી એમ 2 વાર, રૉકફેલર ફાઉન્ડેશન, અમેરિકા તરફથી અને ફ્રાન્સ, ઇટાલી તથા જર્મની તરફથી પણ વિવિધ શિષ્યવૃત્તિઓ મળી. 1984માં ગુજરાત સરકારે ગૌરવ પુરસ્કાર મરણોત્તર એનાયત કર્યો.
1979ના જાન્યુઆરીની ઓગણીસમી તારીખે વહેલી સવારે, ગુજરાતી રંગભૂમિની સવા શતાબ્દીની ઉજવણીના પ્રથમ દિવસે જ, વિશ્વમંચ પરથી તેમણે અણધારી વિદાય લીધી.
મહેશ ચંપકલાલ શાહ