જોશી, પુરણચંદ્ર (જ. 14 ફેબ્રુઆરી 1907, અલ્મોડા અ. 9 નવેમ્બર 1960 દિલ્હી) : સુપ્રસિદ્ધ સામ્યવાદી નેતા, ભારતીય સામ્યવાદી પક્ષના પ્રથમ મહામંત્રી, અગ્રણી પત્રકાર તથા સંગઠક. તેમનો જન્મ ઉત્તર પ્રદેશના અલ્મોડા નગરમાં શ્રીમંત જમીનદાર પરિવારમાં થયેલો. તેમના પિતા હરનંદન જોશી સરકારી શાળામાં શિક્ષક હતા અને પછીથી તે એક જિલ્લા શાળાના હેડમાસ્તર થયા હતા. તેમની માતાનું નામ માલતીબહેન હતું. પુરણચંદ્ર 9 વર્ષના થયા, ત્યારે તેમની માતાનું અવસાન થયું. 1922માં મૅટ્રિક પાસ થઈ અલ્મોડામાં કૉલેજમાં અભ્યાસ કરી 1928માં એમ.એ. પાસ થયા. તે મોતીલાલ નેહરુની બિનસાંપ્રદાયિક નીતિના પક્ષકાર હતા.
1925માં તેઓ ચુસ્ત ગાંધીવાદી હતા. ત્યારબાદ સમાજવાદી સાહિત્યના વાચનથી તેઓ સમાજવાદી થયા. 1928માં અલ્મોડામાં આફતાબઅલી નામના કામદાર નેતાએ તેમને બ્રિટિશ સામ્યવાદી નેતા રજની પામદત્તનું ‘મૉડર્ન ઇન્ડિયા’ નામનું પુસ્તક આપ્યું. તેના અભ્યાસથી તેમના વિચારો પરિપક્વ બન્યા. અલાહાબાદમાં કૉલેજ- અભ્યાસ દરમિયાન તે વિદ્યાર્થીપ્રવૃત્તિમાં સક્રિય થયા અને રુદ્રદત્ત ભારદ્વાજ, સરદેસાઈ વગેરે સામ્યવાદી કાર્યકરોના પરિચયમાં આવ્યા. 1928ના ડિસેમ્બરમાં મજૂર કિસાન પાર્ટીની મોટી પરિષદ મળી તેમાં મીરજકર, મુઝફ્ફર અહમદ, ઘાટી અને બ્રેડલે જેવા સામ્યવાદી આગેવાનોને મળ્યા. 1929માં અંગ્રેજ સરકારે મેરઠ કાવતરા કેસમાં તેમને ગિરફતાર કર્યા. ઑગસ્ટ 1933માં તેઓ એ કેસમાં નિર્દોષ છૂટ્યા ત્યારે તેમણે કાનપુરમાં બિરાદર અજય ઘોષ વગેરે સાથે કામદાર પ્રવૃત્તિ સંગઠિત કરી. 1935માં કાનપુર કાવતરા કેસ ઊભો કરી, તેમને અઢી વર્ષની સજા કરવામાં આવી. તેઓ જેલમાંથી છૂટ્યા કે તુરત જ ભૂગર્ભમાં ગયા અને 1936માં ભારતીય સામ્યવાદી પક્ષના મહામંત્રી ચૂંટાયા. તે પછીનાં 12 વર્ષ સુધી તેમણે તે પક્ષના મહામંત્રી તરીકે કામ કર્યું. તેમના માર્ગદર્શન હેઠળ અખિલ હિંદ કિસાન સભા, પ્રગતિશીલ લેખક સંઘ અને અખિલ હિંદ વિદ્યાર્થી ફેડરેશન તથા સોવિયેટ મૈત્રી સંઘ, અખિલ હિન્દ શાન્તિ પરિષદ વગેરેની સ્થાપના થઈ.
1937માં દેશના બીજા 6 પ્રાંતોની સાથે મુંબઈ પ્રાંતમાં પણ, કૉંગ્રેસી મંત્રીમંડળની રચના થઈ. સામ્યવાદી પક્ષ કંઈક ખુલ્લી રીતે પ્રવૃત્તિ કરી શક્યો. પુરણચંદ્ર જોશીના માર્ગદર્શન હેઠળ ‘નૅશનલ ફ્રંટ’ સાપ્તાહિક શરૂ થયું.
1939ના સપ્ટેમ્બરમાં બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું. પ્રાંતોની કૉંગ્રેસી સરકારોએ ભારતની અંગ્રેજ સરકારની નીતિ સામે વિરોધ દર્શાવવા રાજીનામાં આપ્યાં. તુરત જ અંગ્રેજ સરકારે સંખ્યાબંધ સામ્યવાદીઓને અટકાયતી જેલમાં પૂરી દીધા. પુરણચંદ્રે ભૂગર્ભમાં રહી ‘ધ કૉમ્યુનિસ્ટ’ નામનું મુખપત્ર શરૂ કર્યું.
22મી જૂન 1941માં નાઝી જર્મનીએ સોવિયેત સંઘની 3520 કિમી.ની સરહદ ઉપર ભયંકર આક્રમણ કર્યું ત્યારે સામ્યવાદીઓ અને પ્રગતિશીલ લોકોએ આ યુદ્ધને ‘લોકયુદ્ધ’ ગણાવી સોવિયેત સંઘના વિજય માટે પ્રયાસો શરૂ કર્યા.
બદલાયેલી પરિસ્થિતિમાં બ્રિટન અને અમેરિકા પણ હિટલરના નાઝી આક્રમણનો સામનો કરવા સોવિયેત સંઘ સાથે જોડાયાં. પરિણામે ભારતના સામ્યવાદી પક્ષ પરથી પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો. 1942થી 1948 સુધીમાં જોશીએ અસાધારણ સંગઠનાત્મક નેતૃત્વ પૂરું પાડ્યું. તેથી ભારતીય સામ્યવાદી પક્ષ દેશના રાજકારણ પર પ્રભાવ પાડી શકે તેવો રાષ્ટ્રીય પક્ષ બની શક્યો.
1943માં ક્રાંતિકારી મહિલા કલ્પના દત્ત સાથે લગ્નગ્રંથિથી જોડાયા. તેમને ચાંદ અને સૂરજ નામના બે પુત્રો હતા જોશીની પ્રેરણાથી 1944માં લોકનાટ્ય સંઘ (IPTA)ની સ્થાપના થઈ, તેથી બિનોય રાય, બલરાજ સહાની, જશવંત ઠાકર, અમર શેખ, અન્નાભાઉ સાઠે, શાંતિબર્ધન, ગુલબર્ધન જેવા કલાકારો તેમજ શંકર-જયકિશન જેવા સંગીતકારો તથા કૈફી આઝમી જેવા ગીતકારો ભારતના આઝાદી આંદોલનમાં આગળ આવ્યા. પુરણચંદ્ર જોશીની આગેવાની હેઠળ પક્ષે દેશનેતાઓને મુક્ત કરાવવા દેશવ્યાપી આંદોલન ચલાવ્યું. ‘ભારત છોડો’ આંદોલન નરમ થઈ ગયું ત્યારે સામ્યવાદી પક્ષની આગેવાની હેઠળ કામદાર કિસાન વિદ્યાર્થી, મહિલા વગેરે શોષિત-ઉપેક્ષિત વર્ગોની લડતો ઉગ્ર બની અને તેના પરિણામે ભારતની સશસ્ત્ર સેના, નૌકાદળ અને વિમાની દળનો બળવો થયો. તેને જોશી અને તેમના સહકાર્યકરોએ માર્ગદર્શન આપ્યું.
1948માં પુરણચંદ્ર જોશી ભારતીય સામ્યવાદી પક્ષના મહામંત્રી-પદેથી છૂટા થયા; પરંતુ તેમણે ભારતના ઇતિહાસના સંશોધનક્ષેત્રે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં ભારતીય સ્વાતંત્ર્યસંગ્રામના દસ્તાવેજો અને સંશોધન વિભાગના વડા તરીકે કામગીરી બજાવી.
1978માં પંજાબમાં ભટીંડામાં ભારતીય સામ્યવાદી પક્ષના અધિવેશનમાં તેઓ હાજર રહ્યા. ત્યારે ભારતીય સામ્યવાદી પક્ષ અને ભારતનો સામ્યવાદી પક્ષ (માર્કસવાદી) પરસ્પર નજીક આવવાની શરૂઆત થઈ તેથી પી. સી. જોશીને અપાર સંતોષ થયો. અંતિમ વર્ષોમાં જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં સંશોધન-પ્રકાશનનાં કાર્યોમાં રોકાયા હતા. ત્યારે ભારતીય સામ્યવાદી આંદોલનના આર્કાઇવ્સના કામમાં તેઓ સક્રિય હતા. તે પછી તેઓ થોડા જ સમયમાં અવસાન પામ્યા. તેમના મૃતદેહને ભારતના સામ્યવાદી પક્ષ(માર્કસવાદી)ના ભીષ્મ પિતામહ જેવા ઈ. એમ. એસ. નામ્બુદ્રીપાદે કાંધ આપી હતી તે સામ્યવાદી પક્ષોની એકતાની સૂચક ઘટના હતી.
ડાહ્યાભાઈ નારણજી વશી