જોશી, ગજાનનરાવ (જ. 30 જાન્યુઆરી 1911, મુંબઈ; અ. 28 જૂન 1987, મુંબઈ) : ઉત્તર હિંદુસ્તાની સંગીતના ગાયક તથા વાયોલિનવાદક. ગાયન અને વાદન બંને ક્ષેત્રમાં સરખું પ્રભુત્વ પ્રાપ્ત કરનાર વિચક્ષણ કલાકાર છે.
જન્મ પ્રતિષ્ઠિત સંગીત પરિવારમાં. તેમના પિતા અનંત મનોહર જોશી એ સમયના લોકપ્રિય ગાયક હતા. સંગીતની પ્રારંભિક તાલીમ 4 વર્ષ સુધી પિતા પાસેથી જ લીધેલી. ત્યારબાદ પિતાના ગુરુ બાલકૃષ્ણ બુવા, ખાંસાહેબ આલાદિયા ખાં તથા તેમના પુત્ર ભુરજી ખાં પાસેથી તેમણે ગાયનની વિશિષ્ટ તાલીમ લીધી. ગાયનની સાથે વાયોલિનવાદનની સાધનામાં રત રહેતા. ગજાનનરાવ ધુપદ ધામના શ્રેષ્ઠ ગાયક મનોહર બુવા તેમના પ્રેરણાસ્થાન હતા. મુંબઈના આકાશવાણી કેન્દ્રમાં સંગીતનિર્દેશક તરીકે સેવા આપી. ભારતનાં પ્રમુખ સંગીત-સંમેલનો તથા આકાશવાણી કેન્દ્ર ઉપર તેમણે યશસ્વી કાર્યક્રમો આપ્યા. સ્વભાવે નિખાલસ, ગંભીર અને સાદી વેશભૂષા ધરાવતા હતા. તેમની શિષ્યપરંપરામાં શ્રીધર પાર્સેકર, કૌશલ્યા મંજેકર તથા ડી. આર. નિમ્બાર્ગી મુખ્ય ગણાય છે.
પ્રતિમા જી. શાહ