જોશી, કલ્યાણરાય (જ. 12 જુલાઈ 1885; અ. 19 જુલાઈ 1976) : વિજ્ઞાનવિષયક તથા ચરિત્રગ્રંથોના લેખક અને ઓખામંડળની સંસ્કૃતિના અભ્યાસી. પિતા નથુભાઈ ઓધવજી અને માતા દિવાળીબહેન. પ્રાથમિક શિક્ષણ બેટ દ્વારકામાં લીધેલું. માધ્યમિક શિક્ષણ દ્વારકા અને મુંબઈમાં. 1904માં મૅટ્રિકની પરીક્ષામાં વિજ્ઞાનમાં ઉલ્લેખનીય ગુણ સાથે ઉત્તીર્ણ થયા અને ઉત્તમરામ સ્મારક શિષ્યવૃત્તિ મેળવી. એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી ભૌતિક અને રસાયણવિજ્ઞાનના વિષયો સાથે બીજા વર્ગમાં 1908માં ગ્રૅજ્યુએટ થયા. દ્વારકાની એ. વી. સ્કૂલના આચાર્ય તરીકે તથા પાટણ (1930), વીસનગર (1937) વગેરે સ્થળોનાં વિદ્યાલયોમાં શિક્ષક અને આચાર્ય તરીકે રહ્યા. 1944માં નિવૃત્ત થયા. વિજ્ઞાન અને પુરાતત્વ તેમના પ્રિય વિષયો. 1916થી 1920 દરમિયાન ‘કેળવણી’ માસિકનું સંપાદન. 1918માં કેદીઓ માટેની સહાયક સંસ્થાના સભ્ય. નિવૃત્તિ પછી દ્વારકામાં શારદા વિદ્યાસભાની સ્થાપના કરી. ઓખામંડળમાં તેમના માર્ગદર્શન નીચે પુરાતત્વની ર્દષ્ટિએ ખોદકામ હાથ ધરાયું. તેમની સાહિત્યિક પ્રવૃત્તિ માટે નર્મદ સુવર્ણચંદ્રક અપાયો. વિજ્ઞાન, ભૂગોળ, આરોગ્યશાસ્ત્ર, ભૂસ્તરવિજ્ઞાન, ઇતિહાસ, જીવનચરિત્ર વગેરે વિષયોનાં 28 જેટલાં પુસ્તકો લખ્યાં. તે પૈકી ‘સ્નેહગીતા’ અને ‘સ્નેહજ્યોત’ નામે બોધક કથાઓ, સર વિઠ્ઠલદાસ ઠાકરશી તથા પુરુષોત્તમ વિશ્રામ માવજીનાં જીવનચરિત્રો, આરોગ્યવિજ્ઞાનની વાતો, એશિયાની ઓળખાણ, દ્વારકા પ્રદેશનો સાંસ્કૃતિક ઇતિહાસ, ઇંગ્લૅન્ડનું વહાણવટું, સામાન્ય વિજ્ઞાનના પાઠો ભાગ 1થી 5, રાષ્ટ્રીય પડઘા, સમાજશાસ્ત્રપ્રવેશિકા, પાણીનાં પરાક્રમો, આર્યોની ઓળખાણ, સજીવ અને નિર્જીવ સૃષ્ટિ ભાગ 1-2, પૃથ્વીનો પરિચય (અન્ય સાથે) વગેરે છે.
શિવપ્રસાદ રાજગોર