જોધાણી, મનુભાઈ લલ્લુભાઈ (જ. 29 ઑક્ટોબર 1902, બરવાળા; અ. ડિસેમ્બર 1977; અ. અમદાવાદ) : શૌર્ય અને સાહસરંગી પુસ્તકોના લેખક-સંપાદક. શરૂઆતનું શિક્ષણ બરવાળાની ગામઠી શાળામાં, માધ્યમિક શિક્ષણ લીંબડીની સર જસવંતસિંહ હાઈસ્કૂલમાં. મૅટ્રિક સુધી અભ્યાસ કરી, બરવાળાની અંગ્રેજી શાળામાં શિક્ષકની નોકરી સ્વીકારી અને અનેકવિધ પ્રવૃત્તિઓ આરંભી પિતાના ધંધામાં પણ ઝંપલાવ્યું.
1930માં મીઠા સત્યાગ્રહની હાકલ પડતાં શાળામાંથી રાજીનામું આપી, રાણપુરવાળા અમૃતલાલ શેઠની રાહબરી નીચે ચળવળની પ્રવૃત્તિ આરંભી. બરવાળામાં મીઠાની લડતના સરદાર તરીકે મનુભાઈની નિમણૂક થઈ. મનુભાઈએ જાહેરસભામાં આપેલું ભાષણ મેઘાણીને નામે ચડાવી દેવાથી મેઘાણીની ધરપકડ થઈ. પાછળથી મનુભાઈની પણ ધરપકડ થઈ. જેલનિવાસના ફળ રૂપે ‘જનપદ’ (1932) અને ‘સોરઠી શૂરવીરો’ (1932) મળ્યાં.
જેલમાંથી છૂટીને મનુભાઈ બરવાળામાં આવ્યા. 1932માં કરાંચીમાં કૉંગ્રેસનું અધિવેશન ભરાયું. તેમાં ધંધૂકા તાલુકાના પ્રતિનિધિ તરીકે સર્વાનુમતે વરણી પામ્યા. જેલમાંથી છૂટ્યા બાદ અમદાવાદ આવી સ્થિર થયા. જીવણલાલ અમરસી મહેતાએ ‘સ્ત્રીબોધ’ નામનું સામયિક પૂતળીબાઈ કાબરાજી પારસી પાસેથી લીધેલું. એના સંપાદનકાર્યમાં 1932થી તેઓ જોડાયા.
સાહિત્યની ગોષ્ઠી અને વિચારોની આપ-લેમાં ‘ચા-ઘર’ જેવું મંડળ અસ્તિત્વમાં આવ્યું. (એના સભ્યો હતા. નામાંકિત શ્રી ઝવેરચંદ મેઘાણી, શ્રી ધૂમકેતુ, શ્રી જયભિખ્ખુ, શ્રી ગુણવંતરાય આચાર્ય, શ્રી મનુભાઈ જોધાણી, પ્રો. અનંતરાય મ. રાવળ, શ્રી મધુસૂદન ચી. મોદી અને ડૉ. ધીરજલાલ ધ. શાહ) એના ફળ રૂપે ‘ચા-ઘર’ ભાગ 1-2 જેવાં પુસ્તકો પ્રસિદ્ધ થયાં અને એમના ડાયરાની વાતો ‘ચા-ઘર’ ડાયરી- સ્વરૂપે પ્રગટ થઈ.
આઠેક વર્ષ ‘સ્ત્રીબોધ’નું સંપાદન કર્યું. એ સામયિક બંધ પડતાં મિત્રોની મબલક હૂંફ અને નજીવી મૂડી સાથે ‘સ્ત્રીજીવન’ નામનું સ્ત્રીઓ માટેનું સામયિક શરૂ કર્યું (1939). કપરા સંજોગોમાં આર્થિક સંકડામણમાં ખોટ ખાઈને આ સામયિક ચલાવ્યું અને જીવનના અંત સુધી આગવી સૂઝ પ્રમાણે એનું સંપાદન કર્યું. મહાદેવ દેસાઈના અવસાન પછી મનુબહેને બાપુના જીવનની રોજનીશી રાખેલી તે પાછળથી ‘‘સ્ત્રીજીવન’’માં વર્ષો સુધી શ્રેણી રૂપે પ્રગટ થઈ.
ઝવેરચંદ મેઘાણી પછી લોકસાહિત્યના સંશોધન-સંપાદનમાં તેમનું કાર્ય નોંધપાત્ર છે. તેમણે અનેક લોકભોગ્ય શ્રેણીઓ આપી છે.
‘સુંદરીઓનો શણગાર’ (ભાગ 1-2; 1928, 1929) તેમજ ‘રાંદલનાં ગીતો’ (1968) એ નારી-ઉપયોગી પુસ્તિકાઓ છે. ‘સોરઠી જવાહર’, ‘ખાટી મીઠી બાળવાતો’, ‘સોરઠી વિભૂતિઓ’, ‘આકાશી ચાંચિયો’, ‘કાળિયાર અને બીજી પ્રાણીકથાઓ’, ‘કુમારોની પ્રવાસકથા’ વગેરે તેમનું કિશોરભોગ્ય સાહિત્ય છે.
આ ઉપરાંત ‘આંગણાનાં પંખી’ (ભાગ 1-2), ‘પાદરનાં પંખી’ (ભાગ 1-2), ‘વનવગડાનાં પંખી’ (ભાગ 1-2), ‘પાદરની વનસ્પતિ’, ‘આંગણાની વનસ્પતિ’, ‘વનવગડાની વનસ્પતિ’ (ભાગ 1-2), ‘પેટે ચાલનારાં પ્રાણીઓ’ જેવું સર્વભોગ્ય સાહિત્ય સરળ ભાષામાં આપ્યું છે.
આ સિવાય કવિશ્રી ન્હાનાલાલ સ્મૃતિ અંક, મેઘાણી સ્મૃતિ અંક, રમણલાલ વ. દેસાઈ અભિનંદન અંક, ધૂમકેતુ અભિનંદન અંક એમ અનેક સાહિત્યકારો અને મહાનુભાવો વિશે અંકો પ્રગટ કર્યા. ગુજરાત લોકસાહિત્ય સમિતિમાં સભ્ય અને પછીથી અધ્યક્ષ બન્યા પછી આશરે 45 જેટલાં પુસ્તકો પ્રગટ કરાવ્યાં. ગુજરાત બાલ સાહિત્ય સમિતિમાં વર્ષો સુધી સભ્ય. ગુજરાત સાહિત્યસભાના તથા ગુજરાત સાહિત્ય પરિષદના વર્ષો સુધી કારોબારી-સભ્ય રહ્યા. અમદાવાદ મ્યુનિસિપિલ કૉર્પોરેશને પાલડી વિસ્તારમાં ‘‘શ્રી મનુભાઈ જોધાણી માર્ગ’’નું નામાભિધાન કરી તેમનું સન્માન કર્યું છે.
વસંત જોધાણી