જોધરાજ (19મી સદીનો પૂર્વાર્ધ) : હમ્મીરરાસોના કર્તા. પોતે અલવરના નીપરાણા ચૌહાણવંશી રાજા ચંદ્રભાણના આશ્રિત કવિ હતા. પિતાનું નામ બાલકૃષ્ણ હતું અને પોતે બીજવાર ગામના નિવાસી હતા. તેઓ અત્રિગોત્રીય ગૌડ બ્રાહ્મણ હતા. જોધરાજ પોતે કાવ્યકલા અને જ્યોતિષવિદ્યાના પંડિત હતા. પોતાના આશ્રયદાતાની આજ્ઞાથી તેમણે ‘હમ્મીરરાસો’ની રચના કરી હતી. ગ્રંથની પુષ્ટિકામાં જણાવ્યા અનુસાર આ રચના વિ. સ. 1885માં (તા. 17 એપ્રિલ, 1828ના રોજ) પૂર્ણ થઈ હતી. હમ્મીરરાસોમાં 969 છંદ છે. ગ્રંથના પ્રારંભમાં ગણેશ અને સરસ્વતીની સ્તુતિ, આશ્રયદાતા અને પોતાનો પરિચય આપ્યા પછી સૃષ્ટિરચના, ચંદ્ર-સૂર્ય વંશોની ઉત્પત્તિ, અગ્નિકુળનો જન્મ વગેરેનું વર્ણન અપાયું છે. ત્યાર પછી રણથંભોરના રાવ હમ્મીર અને અલાઉદ્દીન વચ્ચેના યુદ્ધનું વિસ્તારપૂર્વક વર્ણન અપાયું છે. આ કાવ્યમાં વીરરસનું ઉત્કૃષ્ટ ચિત્રણ થયું છે. વીરરસની સાથે શૃંગાર, રૌદ્ર તેમજ બિભસ્તનું પણ સબળ નિરૂપણ થયું છે. કાવ્યમાં દોહરા, મોતીદામ, નારાચ, કવિત્ત, છપ્પા વગેરે વિવિધ છંદોનો પ્રયોગ થયો છે. આ ગ્રંથમાં વ્રજભાષાના સાહિત્યિક સ્વરૂપનાં દર્શન થાય છે. મુહાવરાઓના પ્રયોગ દ્વારા જોધરાજે પોતાની ભાષાને સબળ અને પ્રૌઢ બનાવી છે. આકૃતિનું ઐતિહાસિક મૂલ્ય પણ સ્વીકારવામાં આવ્યું છે.
પ્રવીણચંદ્ર પરીખ