જૉબ્સ, સ્ટીવ (. 24 ફેબ્રુઆરી, 1955, સાન ફ્રાન્સિસ્કો, કૅલિફૉર્નિયા; અ. 5 ઑક્ટોબર, 2011, પાલો અલ્ટો, કૅલિફૉર્નિયા) : દુનિયામાં ‘એપલ’(સફરજન)થી વધારે ‘એપલ’ (ટૅક્નૉલૉજી કંપની)ને લોકપ્રિય બનાવનાર જગપ્રસિદ્ધ ટૅક્નૉલૉજી કંપની એપલ ઇન્ક.ના સહસ્થાપક. પર્સનલ કમ્પ્યૂર ઉદ્યોગ, કન્ઝ્યુમર ઇલેક્ટ્રૉનિક્સ ઉદ્યોગ અને મોબાઇલ ઉદ્યોગમાં પથપ્રદર્શક પરિવર્તનના પ્રણેતા સ્ટીવ જૉબ્સ એટલે કે સ્ટીવન પૉલ જૉબ્સ અમેરિકાના ભૂતપૂર્વ સંશોધક અને ટૅક્નૉક્રેટ હતા. 1970 અને 1980ના દાયકામાં પર્સનલ કમ્પ્યૂટર ઉદ્યોગને નવેસરથી પરિભાષિત કરનાર સ્ટીવ અને એપલ એકબીજાના પર્યાય સમાન હતા. વીસમી સદીના અંતે અને એકવીસમી સદીના પ્રથમ દાયકામાં તેમણે સંગીત, મૂવી અને મોબાઇલ કૉમ્યુનિકેશન્સની દુનિયામાં પરિવર્તનનો પવન ફૂંકી દીધો હતો. “Think Different” એટલે કે અલગ વિચારો સ્લોગન સાથે સ્ટીવે વીસમી સદીના અંતમાં નાદારીને આરે આવી ગયેલી એપલને ફરી બેઠી કરી હતી. હિંદુ ધર્મ પ્રત્યે લગાવ ધરાવતા સ્ટીવને નીમ કરોલી બાબામાં અતિ શ્રદ્ધા હતી.

સ્ટીવ જૉબ્સ

માતા અમેરિકન કૅથલિક જોએન કેરોલ શીબલ અને પિતા સીરિયન મુસ્લિમ અબ્દુલફતહ જંદાલી. અમેરિકાની વિસ્કોન્સિન યુનિવર્સિટીમાં જોએન અને અબ્દુલફતહ વચ્ચે પ્રેમ થયો, પરંતુ અબ્દુલફતહના મુસ્લિમ પરિવારે વિરોધ કર્યો. દરમિયાન કેરોલ ગર્ભવતી થઈ અને પુત્ર સ્ટીવનને જન્મ આપ્યો. કુંવારી માતા બનેલી કેરોલી સ્થિતિનો વિચાર કરીને સાન ફ્રાન્સિસ્કોમાં પૉલ રેઇનહોલ્ડ જૉબ્સ અને તેમની પત્ની ક્લેરાએ સ્ટીવનને દત્તક લીધો હતો. સ્ટીવને આ વાતનું દુઃખ આજીવન રહ્યું હતું. એટલે જ તેમણે એક મુલાકાતમાં પૉલ અને ક્લેરાને પોતાનાં સાચાં માતાપિતા માનીને કેરોલ શીબલ અને અબ્દુલફતહને ‘સ્પર્મ અને ઍગ બૅંક’ ગણાવ્યાં હતાં.

પ્રાથમિક અભ્યાસ માઉન્ટેન વ્યૂમાં મોન્ટા લોમા એલિમેન્ટરી સ્કૂલમાં. 1972માં રીડ કૉલેજમાંથી અભ્યાસ અધૂરો છોડીને જૉબ્સે વિચાર્યું કે કમ્પ્યૂટરનો ઉપયોગ સંશોધન પ્રયોગશાળાઓ અને કૉર્પોરેશન પૂરતો મર્યાદિત છે, પરંતુ આ ઉપકરણ હકીકતમાં સામાજિક અને આર્થિક એમ બંને ક્ષેત્રોની કાયાપલટ કરે એવું પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવે છે.

1975માં સ્ટીવ અને એચપીમાં એન્જિનિયર તરીકે કાર્યરત વોઝનાઇકે કૅલિફૉર્નિયાના મેન્લો પાર્કમાં સ્ટેન્ફોર્ડ લિનિયર એક્લરેટર સેન્ટરમાં હોમબ્રૂ કમ્પ્યૂટર ક્લબમાં મળવાની શરૂઆત કરી. વોઝનાઇકે ઓરિજિનલ એપલ 1 કમ્પ્યૂટર ડિઝાઇન કર્યું હતું અને તેને વાણિજ્યિક ઉત્પાદન બનાવ્યું સ્ટીવ જૉબ્સે. 1976ની શરૂઆતમાં બંને મિત્રોએ પોતાની મૂડીનો ઉપયોગ કરીને 1,300 ડૉલરના પ્રારંભિક રોકાણ સાથે એપલની સ્થાપના કરી હતી. પછી તેમને ઇન્ટેલના પૂર્વ એક્ઝિક્યુટિવ એ. સી. મર્ક્કુલાનું પીઠબળ મળ્યું હતું, જેમણે 2,50,000 ડૉલરનું ફંડ આપ્યું હતું. ઓરિજિનલ એપલ 1 કમ્પ્યૂટરની ટૅક્નિકલ તાકાત વોઝનિઆક હતા, તો માર્કેટિંગ તાકાત જૉબ્સ હતા. લૉસ અલ્ટોસમાં જૉબ્સ પરિવારના ગૅરેજમાં એપલ 1 કમ્પ્યૂટર બન્યું હતું, જેને હાલ ઐતિહાસિક સ્થાન જાહેર કરવામાં આવ્યું છે.

એપ્રિલ, 1977માં જૉબ્સ અને વોઝનિઆકે એપલ 2 પ્રસ્તુત કર્યું હતું. કમ્પ્યૂટરના વિકસતા બજારમાં નાનામોટા હરીફો વચ્ચે એપલે એવું કમ્પ્યૂટર પ્રસ્તુત કર્યું હતું, જેને બિઝનેસ અને પર્સનલ કમ્પ્યૂટરમાં કસ્ટમાઇઝ કરી શકાતું હતું. આ રીતે એપલ 2એ બજારનેં ચોંકાવી દીધું હતું અને પરિવર્તનનો પવન ફૂંકી દીધો હતો. આ કારણસર કંપનીનું વેચાણ 1977માં ફક્ત 2 મિલિયન ડૉલરથી વધીને 1981માં 600 મિલિયન ડૉલરને આંબી ગયું હતું. 1982માં કંપની પબ્લિક લિમિટેડ બની. 1983 સુધીમાં એપલને ફૉર્ચ્યુન 500માં સ્થાન મળી ગયું હતું. આટલી ઝડપથી કોઈ પણ કંપનીએ ફૉર્ચ્યુનની યાદીમાં સ્થાન મેળવ્યું નહોતું.

1980માં સ્ટીવ જૉબ્સ પેપ્સી-કોલાના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર જોહન સ્કૂલીને એપલમાં ખેંચી લાવ્યા હતા. જોકે 1985માં બંને વચ્ચે મતભેદો વધી જવાથી જૉબ્સે 1985માં એપલ છોડી દીધી. ત્યાર બાદ 1997 સુધી એપલ નાદારી નોંધાવાની અણી પર આવી ગઈ હતી. એ જ વર્ષે જૉબ્સનું એપલમાં સલાહકાર તરીકે પુનરાગમન થયું હતું અને 2000માં કંપનીના સીઇઓ ફરી બની ગયા હતાં.

એપલથી 12 વર્ષ અલગ રહેવાના ગાળામાં સ્ટીવે કમ્પ્યૂટર વૈજ્ઞાનિકો, કલાકારો અને ઍનિમેટર્સની ટીમ બનાવીને પિક્સર ઍનિમેશન સ્ટુડિયોની સ્થાપના કરી હતી. 1995માં ‘ટૉય સ્ટોરી’થી શરૂઆત કરીને આ કંપનીએ એક પછી એક હિટ ફિલ્મોની ભેટ ધરી, જેમાંથી કેટલીક ફિલ્મોને આર્ટિસ્ટિક અને ટૅક્નૉલૉજિકલ ઉત્કૃષ્ટતા બદલ કેટલાંક એકૅડેમી ઍવૉર્ડ મળ્યા હતા.

21મી સદીની શરૂઆતમાં જૉબ્સે ઉપભોક્તા ઇલેક્ટ્રૉનિક્સ ઉદ્યોગની કાયાપલટ કરવાનો નિર્ધાર કર્યો હતો. તેમણે કંપનીને ડિજિટલ મ્યુઝિક બિઝનેસમાં આગળ વધારીને પ્રથમ આઇટ્યુન્સ અને પછી આઇપોડ એમપી3 પ્લેયર પ્રસ્તુત કર્યું હતું. આ સેગમેન્ટનો ઝડપથી વિકાસ થયો અને જૂન, 2008 સુધીમાં કંપનીની કુલ આવકમાં 50 ટકા હિસ્સો પૂરો પાડવા લાગ્યું હતું.

વર્ષ 2007માં એપલે આઇફોનનું વેચાણ શરૂ કર્યું હતું. જૉબ્સે 2008માં 10 મિલિયન હૅન્ડસેટનું વેચાણ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો હતો, જેની સામે કંપનીને 11.6 મિલિયનનું વેચાણ મળ્યું હતું. સ્ટાયલસ અને ટચ-સ્ક્રીન ઇન્ટરફેસ સાથે આઇફોને મોબાઇલ કમ્પ્યૂટિંગ બજાર માટે નવો જ માપદંડ સ્થાપિત કર્યો હતો. વર્ષ 2010ના અંત સુધીમાં આઇફોનનું વેચાણ લગભગ 90 મિલિયન યુનિટને આંબી ગયું હતું. આ ગાળામાં ટ્રેડમાર્ક બ્લૂ જીન્સ સાથે સ્ટીવ જૉબ્સ એપલનો ચહેરો બની ગયા હતા.

જૉબ્સને સ્વાદુપિંડનું કૅન્સર હતું. 2004માં સર્જરી કરાવી હતી અને 2009માં યકૃતનું પ્રત્યારોપણ પણ કરાવ્યું હતું. 2009માં એપલના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર(સીઇઓ)નું પદ છોડી દીધું અને ટિમ કૂકને બાગડોર સુપરત કરી. તેમનું અવસાન થયું તે સમયે તેમની નેટવર્ક 8.3 અબજ ડૉલરની હતી.

56 વર્ષના જીવનકાળમાં સ્ટીવને અનેક પુરસ્કારો અને સન્માનો મળ્યાં હતાં. 1985માં અમેરિકન રાષ્ટ્રપ્રમુખ રોનાલ્ડ રીગને ટૅક્નૉલૉજિકલ ઉપલબ્ધિઓ માટે અમેરિકાનું સર્વોચ્ચ સન્માન નૅશનલ મેડલ ઑફ ટૅક્નૉલૉજી આપ્યું હતું. 1989માં ઇન્ક. દ્વારા સ્ટીવને આંતરપ્રિન્યોર ઑફ ડિકેટ જાહેર કરવામાં આવ્યા હતા. 2004થી 2010 સુધી પાંચ વાર ટાઇમ મેગેઝિનની દુનિયામાં સૌથી વધુ પ્રભાવશાળી લોકોની યાદીમાં સ્થાન મેળવ્યું હતું. 2007માં ફૉર્ચ્યુન મૅગેઝિને વ્યાવસાયિક જગતમાં સૌથી શક્તિશાળી વ્યક્તિનું સન્માન સ્ટીવ જૉબ્સને આપ્યું હતું. 2012માં ગ્રેમી ટ્રસ્ટીઝ ઍવૉર્ડ મળ્યો હતો. 2012માં જ મરણોપરાંત એડિશન એચીવમેન્ટ ઍવૉર્ડ એનાયત થયો હતો. 2013માં મરણોપરાંત ડિઝની લિજેન્ડમાં સ્થાન આપવામાં આવ્યું હતું. 2017માં એપલ પાર્કમાં સ્ટીવ જૉબ્સ થિયેટર શરૂ થયું હતું. 2022માં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન મરણોપરાંત પ્રેસિડેન્શિયલ મેડલ ઑફ ફ્રીડમ એનાયત કર્યું હતું.

નવાઈની વાત એ છે કે, પર્સનલ કમ્પ્યૂટર અને ટૅક્નૉલૉજી ક્ષેત્રોમાં ક્રાંતિ લાવનાર જૉબ્સ ન તો હાર્ડવેર એન્જિનિયર હતા, ન સૉફ્ટવેર પ્રોગ્રામર. તેઓ પોતાને મૅનેજર પણ ગણતા નહોતા. તેઓ પોતાને ટૅક્નૉલૉજી લીડર તરીકે ઓળખાવાનું પસંદ કરતા હતા. જૉબ્સની કુશળતા અતિ જટિલ ઇજનેરી ઉત્પાદનોને સરળ બનાવવામાં હતી.

કેયૂર કોટક