જૉન્સ, જ્યૉર્જિના સીજર (જ. 6 જુલાઈ 1912, બાલ્ટિમોર; અ. 26 માર્ચ 2005, નોરફોક) : અમેરિકાના કાયચિકિત્સક(physician). અમેરિકામાં પાત્રમાં (in vitro) ફલનના વિકાસનાં (તેમના પતિ હૉવર્ડ ડબ્લ્યૂ. જૉન્સ, જુનિયર સહિત) તેઓ અગ્રણી (pioneer) હતાં. જ્હૉન્સ હૉપ્કિન્સ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયા બાદ 1978માં ઈસ્ટર્ન વર્જિનિયા મેડિકલ સ્કૂલની ઇસ્પિતાલમાં આ દંપતી જોડાયાં. તેમણે તેની સ્થાપનામાં પણ સહાય કરી. જ્હૉન્સ હૉપ્કિન્સમાં તેમણે 40 વર્ષ કરતાં વધારે સમય માટે શિક્ષણકાર્ય અને સ્ત્રીરોગવિજ્ઞાન (gynaecology) તથા પ્રસૂતિ-વિજ્ઞાન(obstetrics)માં સંશોધનકાર્ય કર્યું. જૉન્સ દંપતી નોરફોક આવ્યાં તે સમયે વિશ્વની પ્રથમ ‘ટેસ્ટ-ટ્યૂબ બેબી’નો ઇંગ્લૅન્ડમાં જન્મ થયો. તેનાથી પ્રેરાઈને આ ઇસ્પિતાલનું પાછળથી ‘જૉન્સ ઇન્સ્ટિટ્યૂટ ફૉર રિપ્રોડક્ટિવ મેડિસિન’ નામ આપવામાં આવ્યું. આ દંપતીએ પાત્રે ફલનનો કાર્યક્રમ હાથ ધર્યો. તેને પરિણામે ડિસેમ્બર 28, 1981ના રોજ પ્રથમ અમેરિકન ટેસ્ટ-ટ્યૂબ બેબીનો જન્મ થયો; જેનું એલિઝાબેથ જૉર્ડન કાર નામ આપવામાં આવ્યું. જ્યૉર્જિના જૉન્સની અંડોત્સર્ગ (ovulation) અને ફળદ્રૂપતા પ્રેરતા અંત:સ્રાવોની ઊંડી સમજ કાર્યક્રમની સફળતાનું નિર્ણાયક પરિબળ હતું.
જૉન્સે 1936માં જૉન્સ હૉપ્કિન્સ યુનિવર્સિટીમાંથી આયુર્વિજ્ઞાનની પદવી પ્રાપ્ત કરી. ત્રણ વર્ષ પછી તેઓ યુનિવર્સિટીમાં રિપ્રોડક્ટિવ ફિઝિયૉલૉજી લૅબોરેટરીનાં નિયામક તરીકે નિયુક્ત થયાં; જ્યાં તેઓ અમેરિકાના આયુર્વિજ્ઞાન શાખાનાં પ્રથમ પૈકીનાં એક સ્ત્રી-વિજ્ઞાનીય અંત:સ્રાવવિદ (endocrinologist) બન્યાં. માનવજરાયુ (chorionic) ગોનેડોટ્રોપિન તરીકે જાણીતો સગર્ભતા(pregnancy) અંત:સ્રાવ પીયૂષિકા(pitutary)-ગ્રંથિને બદલે વસ્તુત: જરાયુમાં ઉદભવે છે – ની શોધ તેમણે 1930ના દાયકામાં કરી હતી.
બળદેવભાઈ પટેલ