જૉન્સ, ઇનિગો (જ. 15 જુલાઈ 1573 લંડન; અ. 21 જૂન 1652, લંડન) : અંગ્રેજી રૅનેસાંના તારણહાર સ્થપતિ. તેમનો ફાળો અંગ્રેજી સ્થાપત્યના ઇતિહાસમાં ઘણો જ અગત્યનો છે. તેના મૂળમાં જૉન્સનો ઇટાલિયન સ્થાપત્યનો ઊંડો અભ્યાસ અને શાસ્ત્રીયતાની સૂઝ રહેલાં છે. તે શૅક્સપિયરના લગભગ સમવયસ્ક અને સ્મિથ્સફીલ્ડના એક કાપડની મિલના કામદારના પુત્ર હતા. 1603માં તે છબીકાર તરીકે કામ કરતા ત્યારે તેમણે ઇટાલીની અભ્યાસયાત્રા કરી હતી. તેમની સ્થપતિ તરીકેની ઓળખ 1608 આસપાસથી જણાય છે. તે દરમિયાન તેમની નામના ખાસ કરીને નાટ્યસજ્જામાં મહોરાં બનાવનાર તરીકે હતી. 1613-14માં તેમણે વિસ્તૃત ઇટાલીયાત્રા કરી અને પલ્લાડિયોના પ્રખર પ્રશંસક તરીકે ઇંગ્લૅન્ડ પાછા ફર્યા, હવે તેઓ રોમન ઇમારતોના અગ્રણી અભ્યાસી તરીકે પ્રતિષ્ઠિત થયા. 1615થી રાજ્યનાં કાર્યોના સર્વેક્ષક નિમાયા બાદ 1642ના આંતરવિગ્રહ સુધી જુદી જુદી જગ્યાઓએ રાજમહેલોમાં કાર્યરત રહ્યા. તેમના દ્વારા આયોજિત ભવનો દ્વારા તત્કાલીન જેકોબી સ્થાપત્યની રૂઢિગત શૈલીથી ભિન્ન નવપ્રશિષ્ટ (neo-classical) સ્થાપત્યની ઇંગ્લૅન્ડમાં શરૂઆત થઈ. તેમના દ્વારા નિર્મિત મહત્ત્વનાં મકાનો હયાત રહ્યાં નથી, છતાં પણ જર્જરિત અને પુનર્નિર્મિત મકાનો દ્વારા તથા તેમના શિષ્યોના કાર્ય દ્વારા તેમની વિચારશૈલી પ્રબળ રહી અને અંગ્રેજી સ્થાપત્યમાં તેમણે નવીન યુગ પ્રસ્થાપિત કર્યો હતો. પાછળનાં વર્ષોમાં તેમનો પ્રભાવ અમેરિકા તથા અન્ય દેશોમાં પ્રસર્યો.
રવીન્દ્ર વસાવડા