જૉનસન વિલ્હેલ્મ લ્યૂડવિગ

January, 2014

જૉનસન વિલ્હેલ્મ લ્યૂડવિગ (જ. 3 ફેબ્રુઆરી 1857, કૉપેનહેગન; અ. 11 નવેમ્બર 1927, કૉપેનહેગન) : ડેન્માર્કના વનસ્પતિશાસ્ત્રી અને જનીનશાસ્ત્રી (geneticist). તેમના વનસ્પતિશાસ્ત્રના આનુવંશિક પ્રયોગોથી ડચ વનસ્પતિશાસ્ત્રી હ્યૂગો દ ફ્રીસના વિકૃતિના સિદ્ધાંત(theory of mutation)ને સારો એવો ટેકો મળ્યો. હ્યૂગો દ ફ્રીસના સિદ્ધાંત પ્રમાણે વિકૃતિ(mutation)ની અસર હેઠળ જનનકોષોના આનુવંશિકતાના ગુણધર્મોમાં એકદમ પરિવર્તન થઈ શકે છે.

જૉનસને પોતાનો અભ્યાસ કૉપેનહેગન, જર્મની અને ફિન્લૅન્ડમાં કર્યો. ડેન્માર્કમાં ખેતીવાડી સંસ્થામાં અને પછી કૉપેનહેગન યુનિવર્સિટીમાં તેમણે પ્રોફેસર તરીકે કાર્ય કર્યું. પ્રથમ તેમણે વનસ્પતિ-દેહધર્મવિદ્યા(plant physiology)માં સંશોધનકાર્ય કર્યું. પછી આનુવંશિકતાના સંશોધનમાં પોતાનું પૂરેપૂરું ધ્યાન કેન્દ્રિત કર્યું જેનાથી તેઓ એ ક્ષેત્રના અગ્રગણ્ય બન્યા. એક પ્રકારના વટાણા(princess bean)ના ઉછેરને લગતા પ્રયોગોમાં માત્ર ‘શુદ્ધ’ (pure) છોડમાંથી મેળવેલ બીજનું વાવેતર કરવા છતાં, ઊછરેલા છોડો નાના અને ઊંચા – એમ બે પ્રકારના હતા. આ પ્રયોગ પરથી લ્યૂડવિગે તારવ્યું કે બીજમાં આવેલા આનુવંશિકતા અંગેના કારકો(factor)માં ફેરફારો થયા છે. લ્યૂડવિગના આ વિચારો હ્યૂગો દ ફ્રીસના વિકૃતિના સિદ્ધાંતને ટેકો આપે છે.

પ્રવીણસાગર સત્યપંથી