જૉનસન, (ડૉ.) સૅમ્યુઅલ

January, 2014

જૉનસન, (ડૉ.) સૅમ્યુઅલ (જ. 18 સપ્ટેમ્બર 1709, લિચફિલ્ડ સ્ટેફર્ડશાયર, ઇંગ્લૅન્ડ; અ. 13 ડિસેમ્બર 1784, લંડન, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજી સાહિત્યના અઢારમી સદીના નવ-પ્રશિષ્ટ (neoclassical) યુગના મુખ્ય પ્રણેતા. એમની બુદ્ધિપ્રતિભા વિચક્ષણ હતી. તેઓ મહાન વિદ્વાન હોવા ઉપરાંત વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવતા હતા. સાહિત્યકારોમાં એક અંગ્રેજ તરીકે એમણે લાક્ષણિક સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમનામાં પ્રત્યેક અંગ્રેજ પોતાનું વિશાળ અને ભવ્ય સ્વરૂપ જુએ છે, બલકે જૉનસન એક રાષ્ટ્રીય સંસ્થારૂપ બની રહ્યા છે.

એમના મંતવ્ય પ્રમાણે સાહિત્ય જીવનલક્ષી હોવું જોઈએ. એમનાં લખાણો જીવનલક્ષી પરિપક્વ ચિંતન માટે નોંધપાત્ર છે. ચબરાક નિરીક્ષણ અને નક્કર સમજશક્તિ એમની કલમનાં આગવાં પાસાં છે; પરંતુ એમની સૌંદર્યર્દષ્ટિમાં ઊણપ જણાય છે. શુદ્ધ કવિતાનો રસાસ્વાદ તેમને માટે શક્ય ન બન્યો. ગદ્ય એમની અભિવ્યક્તિનું સબળ માધ્યમ રહ્યું અને બૌદ્ધિક અભિગમના એ પ્રખર હિમાયતી રહ્યા. પરંપરાલક્ષી સાહિત્યના પુરસ્કર્તા અને સાહિત્યના પ્રશિષ્ટવાદના મુખ્ય અને જડાગ્રહી સૂત્રધાર હતા.

બોધપ્રદ કવિતાના તેઓ મુખ્ય પ્રતિનિધિ અને ‘હિરોઇક કપ્લેટ’ જેવી કાવ્યરચનાના પુરસ્કર્તા હતા. તેમના ‘લંડન’ નામક કટાક્ષકાવ્યમાં પોતાની સંઘર્ષકથા છે. બીજા કાવ્ય ‘ધ વેનિટી ઑવ્ હ્યૂમન વિશીઝ’ નામક કાવ્યમાં માનવવર્તન અને નૈતિકતાની છણાવટ છે. એમના જીવદર્શનમાં વિષાદયુક્ત શાણપણ વ્યક્ત થાય છે. આ ઉપરાંત એક ટ્રૅજેડી ‘આઇરીન’ અને નવલકથા ‘રાસેલા’ લખ્યાં છે; પરંતુ એમનું આગવું પ્રદાન તો પત્રકારત્વના ક્ષેત્રે ‘રૅમ્બલર’ અને ‘આઇડલર’માં લખેલા નિબંધો છે.

એમના નિબંધોમાં પણ એમનો અભિગમ ઉપદેશાત્મક રહ્યો છે. એમના નિબંધો જ્ઞાન અને દર્શનથી સભર છે. વિષય ગમે તે હોય, એમનું નિરૂપણ સદાય ગંભીર અને નીતિલક્ષી રહ્યું છે. સામાજિક અને સાહિત્યિક ક્ષેત્રે એમનું વ્યક્તિત્વ એવું તો પ્રભાવક રહ્યું કે એમનો જમાનો એમના યુગ તરીકે ઓળખાયો.

વિવેચક તરીકે પણ પ્રશિષ્ટવાદ અને પરંપરાલક્ષી અભિગમ એમનાં મુખ્ય લક્ષણ રહ્યાં છે. વિવેચનક્ષેત્રે પણ નક્કર કોઠાસૂઝ અને ઊંડી સમજશક્તિ ધરાવતા હોવાથી તેમનામાં વ્યવહારલક્ષી વિગતોના ઉકેલની ક્ષમતા હતી; પરંતુ કવિતાની ઊંચાઈ કે ગહનતા તેઓ પામી શકેલા નહિ. સંવેદનશીલતા, કલ્પના કે તરંગ એમને સ્પર્શી શક્યાં નથી. ગદ્યના નિયમોના આધારે તેઓ કાવ્યની રચના કરતા. તે ચુસ્ત પ્રાસના અને એકસુરીલા છંદના આગ્રહી હતા અને માટે જ સ્પેન્સર અને મિલ્ટન જેવા મહાન કવિઓ પ્રત્યે એમણે અહોભાવ દર્શાવ્યો નથી, જ્યારે ડ્રાયડન અને પોપને આદર્શ કવિઓ ગણ્યા હતા. શેક્સપિયરના નાટ્યગ્રંથની આવૃત્તિમાંની તેમની પ્રસ્તાવના સાહિત્યિક વિવેચનક્ષેત્રે બેનમૂન લેખાય છે. ઐતિહાસિક અને તુલનાત્મક વિવેચનક્ષેત્રના તેઓ અગ્રયાયી (pioneer) ગણાય છે.

એમના શબ્દકોશનું પ્રકાશન અંગ્રેજી લેખનક્ષેત્રે એક નવા યુગનું મંડાણ કરે છે. આવા કોશનું સર્જન સાહિત્યક્ષેત્રે મોટા પડકારરૂપ હતું. અન્ય દેશોમાં પેઢી-દર-પેઢીના વિદ્વાનોનાં જૂથ જે કામ પાર પાડે તે કામ એકલે હાથે ખંત અને વિદ્વત્તાપૂર્વક એમણે પાર પાડ્યું તે એક અદભુત સિદ્ધિ છે. વિદ્વાનો તેમજ આમવર્ગ માટે એમનો કોશ એક સંદર્ભગ્રંથ બની રહ્યો. એમના કોશની પ્રસ્તાવનામાં દર્શાવેલાં પદ્ધતિ, હેતુ અને યોજનાના આલેખમાં અંગ્રેજી ભાષાવિજ્ઞાનનું મૂળ જણાય છે.

‘લાઇવ્ઝ ઑવ્ ધ પોએટ્સ’ જૉનસનનો જીવનકથા અને વિવેચનનો શ્રેષ્ઠ ગ્રંથ છે. 3 સંગ્રહ ધરાવતા આ પુસ્તકમાં તેમણે 52 કવિઓના જીવન-કવનનો અભ્યાસ મૂકેલો છે. આમાંથી મિલ્ટન, ડ્રાયડન, પોપ, ટૉમસન, કોલીન્સ અને ગ્રે – એ છ કવિઓ વિશેનું વિવેચન ઉત્તમ કોટિનું છે. આ લેખોમાં દિવંગત કવિઓને એમણે પુનર્જીવન આપ્યું છે. એમાં એમણે લગભગ દરેક માહિતી નોંધી છે – મિલ્ટનનો પહેરવેશ, ડ્રાયડનની ખુરશી, પોપનો ચાંદીનો ‘સોસ પૅન’. આ બધા જ કવિઓની બહુ નિકટ આપણને લઈ જાય છે. આ લેખોએ તે તે કવિઓના યુગનાં હાર્દ અને સંસ્કૃતિનું પ્રતિબિંબ ઝીલ્યું છે. તે એમના યુગની સૌથી પરિપક્વ વિવેચનાત્મક કૃતિ છે.

જૉનસનના જીવનકાળ દરમિયાન એમના વિશે ઘણી વાતો પ્રચલિત હતી અને મૃત્યુ બાદ એમના મિત્રો વચ્ચે એમની જીવનકથા આલેખવા જાણે કે સ્પર્ધા થઈ. વિવિધ ચરિત્રકારોએ કેળવેલ ચરિત્રલેખનની સઘળી ખૂબીઓ બોસવેલે લખેલા જૉનસનના જીવનચરિત્રમાં જોવા મળે છે. બોસવેલની પંક્તિએ પંક્તિએ જૉનસનનું સંમોહક વ્યક્તિત્વ છવાયેલું છે. બોસવેલે સાબિત કરી આપ્યું છે કે લેખક જૉનસન કરતાં વ્યક્તિ જૉનસન વધુ મહાન હતા.

આરમાઈતી દાવર