જૉનસન, બેન (જ. 11 જૂન 1572, વેસ્ટમિનિસ્ટર, લંડન, ઇંગ્લૅન્ડ; અ. 6 ઑગસ્ટ 1637, વેસ્ટમિનિસ્ટર, લંડન, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજ નાટ્યકાર. વેસ્ટમિન્સ્ટર શાળામાં કૅમ્પડનના હાથ નીચે અભ્યાસ કર્યો. પાછળથી કૅમ્પડનનો ઋણસ્વીકાર કરી ‘એવરી મૅન ઇન હિઝ હ્યૂમર’ કૅમ્પડનને સમર્પણ કર્યું. ઈંટો બનાવવાના કૌટુંબિક ધંધામાં રસ ન હોવાથી સેનામાં સૈનિક તરીકે અને ફરતી નાટક કંપનીમાં નટ તરીકે જોડાયા. છેવટે સાહિત્યિક કારકિર્દી અપનાવી સફળ થયા.
પ્રશિષ્ટ નાટ્યતંત્રના જ્ઞાતા હતા. એલિઝાબેથન યુગનાં રોમૅન્ટિક નાટકોના બદલે પ્રશિષ્ટ પ્રણાલી મુજબ જ નાટકો લખાય એવો આગ્રહ રાખ્યો. નાટકોમાં પહેલી વાર વાસ્તવવાદ દાખલ કર્યો અને નાટકોને જીવનનું દર્પણ બનાવ્યું. પોતે જે કાંઈ સમાજમાં જોયું તેનું વાસ્તવિક નિરૂપણ કર્યું. સમકાલીન જીવનના સૂક્ષ્મ અવલોકનો અને સમાજની મૂર્ખાઈ અને ભૂલો ખુલ્લી પાડવાની સૂઝના પરિણામે તેઓ એક ઉચ્ચ કોટિના નાટ્યલેખક નીવડ્યા.
તેમની સૌથી મોટી દેન તે હ્યૂમરનો એમનો સિદ્ધાંત. એલિઝાબેથન યુગમાં માનવ બ્રહ્માંડની વ્યવસ્થા સાથે સંકળાયેલો હતો અને માનવશરીરની અને મનની રચના બ્રહ્માંડનાં પ્રાકૃતિક તત્વો સાથે સંકળાયેલી છે, એમ મનાતું. મધ્ય યુગમાં એમ મનાતું કે માનવીનું વર્તન શરીરના અમુક રસોના સ્રાવ પર નિર્ભર છે. મનુષ્યશરીર જે 4 તત્વોનું બનેલું પશ્ચિમમાં મનાય છે, તેમને જૉનસન હ્યૂમર તરીકે ઓળખાવતા; જેમ કે, પૃથ્વીને સમોવડ ‘મેલન્કલી હ્યૂમર’, જળને સમોવડ ‘ફ્લેમ હ્યૂમર’, વાયુને સમોવડ ‘બ્લડ હ્યૂમર’ અને અગ્નિને સમોવડ ‘કોલેર હ્યૂમર’. વ્યક્તિના યોગ્ય વર્તન અને સ્વભાવ માટે આ ચારેય હ્યૂમરનું વ્યવસ્થિત સંયોજન જરૂરી છે. આ મધ્યકાલીન યુગનો તબીબી સિદ્ધાંત વીસમી સદીના ગ્રંથિસિદ્ધાન્ત (complex) જેવો છે. જૉનસન પણ ‘humour’ શબ્દ ‘obsession’ના અર્થમાં વાપરે છે. એમની કૉમેડી રચનાઓ આ સિદ્ધાંતના ઉદાહરણરૂપ છે. હ્યૂમરને અનુલક્ષીને તે પાત્ર ઊભું કરે છે; એટલે એમનાં પાત્રો હાસ્યોત્પાદક ચિત્રો બનીને, પ્રકાર (type) બનીને રહી જાય છે. શરૂઆતથી અંત સુધી તે માત્ર એક ધૂન કે તરંગ બની રહે છે; દા. ત., ‘એવરી મૅન ઇન હિઝ હ્યૂમર’નો એક વેપારી માત્ર અદેખાઈનો નમૂનો બની રહે છે. કૉમેડી લખવા પાછળનો એમનો હેતુ એ હતો કે માણસમાં રહેલાં અપલક્ષણો અને મૂર્ખાઈની ઠેકડી ઉડાવી શકાય અને એમ કરી દર્શકો-વાચકોને સુસંગત વર્તણૂક તરફ વાળી શકાય.
‘એવરી મૅન ઇન હિઝ હ્યૂમર’માં એમના હ્યૂમરનો સિદ્ધાંત સ્પષ્ટ થયો છે. ‘એવરી મૅન આઉટ ઑવ્ હિઝ હ્યૂમર’માં એમણે વ્યંગ્યકાર થવાનો એમનો ઇરાદો સ્પષ્ટ સમજાવ્યો છે. ‘સિન્થિયાઝ રેવલ્સ’ અને ‘પોયેટેસ્ટર’ એમનાં બીજાં વ્યંગ્યાત્મક નાટકો છે. ‘વોલ્પોની’, ‘ધ સાઇલન્ટ વુમન’ અને ‘ધ આલકેમિસ્ટ’ – એ નાટ્યત્રયી ખૂબ ખ્યાતિ પામી.
પ્રશિષ્ટ નાટ્યલેખક તરીકે તેઓ સમય, સ્થળ અને ક્રિયાની એકતા(three unities)ના સમન્વયમાં માનતા. આથી તેમનાં નાટકો એક દિવસ અને એક સ્થળ પૂરતાં મર્યાદિત છે. તેઓ ‘યુનિટી ઑવ્ ટોન’માં પણ માનતા હોવાથી એમનો આગ્રહ હતો કે ટ્રૅજેડી અને કૉમેડીનું સંમિશ્રણ થવું ન જોઈએ.
તેમની આ કૉમેડી આનંદ કે રમૂજ કરતાં કટાક્ષ પર વધારે નિર્ભર છે અને જેમ જેમ વર્ષો વીતતાં ગયાં તેમ તેમ એમનો કટાક્ષ વધુ તીવ્ર અને વધુ કટુ બનતો ગયો. એમની કૉમેડી બુદ્ધિને સ્પર્શે છે. સ્વભાવે અને અભ્યાસે પ્રશિષ્ટ હોવાને લીધે તેઓ ‘રોમૅન્ટિક કૉમેડી’ના સખત વિરોધી બની ‘રિયાલિસ્ટિક કૉમેડી’ના પુરસ્કર્તા બને છે. વસ્તુગ્રથન ને ભાષાશુદ્ધિમાં એમણે એવી તો કુશળતા સિદ્ધ કરી હતી કે એમનાં નાટકોમાં કોઈ ક્ષતિ કાઢી શકે નહિ. એમના સમયનાં નાટકો પર એવી પ્રબળ છાપ મૂકી ગયા કે એ પ્રકારનાં વાસ્તવલક્ષી નાટકો ‘જૉનસોનિયન ડ્રામા’ તરીકે પ્રખ્યાત થયાં. વળી તેઓ પોતાનાં નાટકો અને માસ્ક માટે ગીતો પણ લખતા. તેમણે ‘કોર્ટ માસ્ક’ લખવામાં પહેલ કરી અને એને પૂર્ણતા બક્ષવામાં કોઈ કચાશ ન રાખી.
તે પ્રશિષ્ટ વિવેચક હોઈ પ્રશિષ્ટતાના ગુણોને પારખી શકતા. એમનાં નાટકોની પ્રસ્તાવનામાં એમની સમર્થ વિવેચનશક્તિનો પરિચય થાય છે.
એમના જીવનની સૌથી દુ:ખદ ઘટના તે એમના પુસ્તકાલયને 1626માં લાગેલી આગ. આખા ઇંગ્લૅન્ડનું એ સૌથી સમૃદ્ધ પુસ્તકાલય હતું, તેમાં એમની હસ્તપ્રતો ઉપરાંત અંગ્રેજી વ્યાકરણ પરનું કામ, રાજા હેન્રી પાંચમાનો ઇતિહાસ, અંગ્રેજ મહાપુરુષો વિશેનું મહાકાવ્ય વગેરેનો સમાવેશ થતો હતો.
ડ્રાયડને શેક્સપિયરને નાટ્યલેખનના હોમર કહ્યા છે અને બેન જૉનસનને વર્જિલ. જૉનસન દ્વારા જ સત્તરમી સદીમાં નૂતન પ્રશિષ્ટતાવાદનો ઉદભવ થયો. ઑક્સફર્ડ યુનિવર્સિટીએ એમ.એ.ની માનાર્હ ડિગ્રી આપીને એમનું બહુમાન કર્યું હતું. એ રાજકવિ (Poet Laureate) તરીકે નિયુક્ત થયા. એમને ‘નાઇટહૂડ’ પ્રદાન કરવાનો પ્રસ્તાવ પણ હતો જે એમણે સ્વીકાર્યો નહોતો. રાજા જેમ્સે એમનું ખૂબ સન્માન કર્યું; પરંતુ એમના જ સમકાલીન અને પુરોગામી શેક્સપિયર લોકમાનસ પર એવા તો છવાઈ ગયા હતા કે જૉનસનની બુદ્ધિપ્રતિભા માટે વિદ્વાનોમાં ખૂબ માન હોવા છતાં લોકચાહના શેક્સપિયર મેળવી ગયા.
આરમાઈતી દાવર