જૉઇસ, જેમ્સ (ઑગસ્ટિન અલોઇસિયસ) (જ. 2 ફેબ્રુ. 1882, ડબ્લિન; અ. 13 જાન્યુઆરી 1941) : આયરિશ નવલકથાકાર, ટૂંકી વાર્તાના લેખક અને કવિ. જેઝૂઇટ શાળાઓમાં અભ્યાસ કરી, 1902માં યુનિવર્સિટી કૉલેજ, ડબ્લિનમાંથી સ્નાતક થયા. આરંભથી જ તેમને વિવિધ ભાષાઓમાં રસ રહ્યો. તેમના વિકાસ પર મુખ્યત્વે હાઉપ્ટમાન, ડાન્ટે, જી. મુઅર અને ખ્યાતનામ આયરિશ કવિ ડબ્લ્યૂ. બી. યેટ્સની અસર રહી. આયર્લૅન્ડમાં તે સમયના જીવનની મર્યાદિત શક્યતાઓ અને ખાસ કરીને કૅથલિક ધર્મની સંકુચિત ર્દઢ આગ્રહી વિચારધારાથી અકળાઈ, તેઓ 1902માં એક વર્ષ માટે પૅરિસ ગયા. પૅરિસમાં આર્થિક સંકડામણ વચ્ચે પણ તેમણે અભ્યાસ અને વાચન ચાલુ રાખ્યાં. ત્યાં 1888માં પ્રસિદ્ધ થયેલી દુજાર્દાં (Dujardin) નામના લેખકની પ્રયોગાત્મક કૃતિ Les Lauriers sont coupes પરથી પ્રભાવિત થઈ તેમણે પોતાની આગવી મનોધારાના પ્રવાહને અનુસરતી, ‘સ્ટ્રીમ ઑવ્ કૉન્શસ્નેસ’ તરીકે જાણીતી થયેલી કથનપદ્ધતિ વિકસાવી. પૅરિસથી પાછા આવી, માતાના મૃત્યુ પછી, નૉરા બાર્નેકલ નામનાં નારી સાથે પોતાનું જીવન જોડ્યું. નૉરા બાર્નેકલ સાથે તેમણે 1931માં વિધિસર લગ્ન કર્યું. તેનાથી તેમને એક પુત્ર અને એક પુત્રી – એમ બે સંતાનો થયાં. આ દંપતીએ મુખ્યત્વે યુરોપમાં, પહેલાં ઝ્યુરિક અને પછી ટ્રિએસ્ટ નગરોમાં તેમનું સમગ્ર જીવન વિતાવ્યું. તેમના અંગત જીવનમાં લેખકને આંખના ઝામર જેવા દર્દની વેદના સતત સતાવતી રહી. આર. એલમાને લખેલું તેમનું જીવનવૃત્તાંત આધારભૂત માહિતી પૂરી પાડે છે.
સાવ આરંભનો તેમનો એક લેખ નૉર્વેજિયન નાટ્યકાર ઇબ્સન પર હતો જે 1900માં ‘ધ ફૉર્ટનાઇટલી રિવ્યૂ’માં પ્રસિદ્ધ થયો. 1903માં તેમણે એક આત્મકથાત્મક કૃતિ પર કામ કરવા માંડ્યું. આ કૃતિનું શીર્ષક પહેલાં તો ‘સ્ટિવન હીરો’ એમ આપવામાં આવ્યું પણ તેમાં પુષ્કળ ફેરફારો અને પુનર્લેખન કર્યા પછી જ્યારે આખરે 1920માં તેનું પ્રકાશન થયું ત્યારે તેને : ‘અ પૉર્ટ્રિટ ઑવ્ ધ આર્ટિસ્ટ એઝ અ યંગ મૅન’ એમ શીર્ષક આપવામાં આવ્યું. 1920માં પ્રસિદ્ધ થતાં પહેલાં આ કૃતિ ‘ધ ઈગોઇસ્ટ’ નામના સામયિકમાં ફેબ્રુઆરી, 1914થી સપ્ટેમ્બર, 1915 દરમિયાન ધારાવાહિક રૂપે પ્રસિદ્ધ થઈ. ‘અ પૉર્ટ્રિટ’માં જૉઇસે આયર્લૅન્ડની રાષ્ટ્રીય અસ્મિતા, એક લેખકની સંવેદનાનો વિકાસ, સમકાલીન સામાજિક પર્યાવરણ – એમ વિવિધ તંતુઓને પોતાની આગવી કથનશૈલીની તરાહોથી કલાત્મક રીતે સાંકળી લીધાં છે.
જૉઇસ મુખ્યતયા તેમની શકવર્તી પ્રયોગાત્મક નવલકથા ‘યુલિસીઝ’થી જાણીતા છે. આ કૃતિ 1922માં પ્રસિદ્ધ થઈ ત્યારે ટી. એસ. એલિયટ, અર્નેસ્ટ હેમિંગ્વે અને આર્નલ્ડ બેનેટ જેવા પ્રતિભાવાન લેખકોએ તેને એક ખૂબ જ વિલક્ષણ અને મહત્વની કૃતિ તરીકે આવકારી. ‘યુલિસીઝ’ પછી 1923થી માંડી નવલકથાના જે અંશો પર જૉઇસે રચના કરી તે 1928 અને 1937 વચ્ચેના સમયગાળા દરમિયાન ‘વર્ક ઇન પ્રોગ્રેસ’ તરીકે 12 હપતામાં પ્રસિદ્ધ થતી રહી. 1939માં આ કૃતિ ‘ફિનેગન્સ પેઇક’ તરીકે પ્રસિદ્ધ થઈ. ‘યુલિસીઝ’ અને ‘ફિનેગન્સ પેઇક’ વીસમી સદીના નવલકથાસાહિત્યમાં અત્યાધુનિક પ્રયોગાત્મક પ્રવાહની શ્રેષ્ઠતમ કૃતિઓ તરીકે સ્થાન પામી છે.
આ નવલકથાઓ ઉપરાંત જૉઇસની અન્ય કૃતિઓમાં ‘ચેમ્બર મ્યૂઝિક’ (1907) નામના કાવ્યસંગ્રહનો, ‘ડબ્લિનર્સ’ (1914) નામના વાર્તાસંગ્રહનો અને ‘એક્ઝાઇલ્સ’ (1918) નામના નાટકનો સમાવેશ થાય છે.
દિગીશ મહેતા